ટવીટર, એમેઝોન, ગુગલ બાદ હવે દિગ્ગજ ટેક કંપની એચપી 12 ટકા કર્મીઓની છટણી કરશે

24 November 2022 02:44 PM
India Technology World
  • ટવીટર, એમેઝોન, ગુગલ બાદ હવે દિગ્ગજ ટેક કંપની એચપી 12 ટકા કર્મીઓની છટણી કરશે

♦ સંભવિત મંદીથી વિશ્વના જાયન્ટ આઈટી કંપનીઓમાં ડર

♦ નબળું પર્ફોમન્સ આપનાર 10 હજાર કર્મચારીઓને ઘરનો રસ્તો બતાવશે ગુગલ: આવા કર્મીઓને ઓળખવા કંપનીએ મેનેજરોને આદેશ આપ્યો

નવી દિલ્હી, તા.24
સંભવિત મંદીના ડરથી વિશ્વની દિગ્ગજ આઈટી કંપનીઓ તેમના કર્મચારીઓની છટણી કરવા માંડી છે. ટવીટરથી શરૂ થયેલી આ છટણીઓ બાદ ફેસબુક, એમેઝોન, ગુગલ બાદ હવે અમેરિકાની દિગ્ગજ ટેક કંપની હેપલોટ પેકાર્ડ- એચપી પણ છટણીની તૈયારી કરી રહી છે. એચપી 12 ટકા કપાતની સાથે 6 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરી શકે છે.

એચપી કંપની તરફથી જાહેર જાણકારી મુજબ આવનારા કેટલાક વર્ષોમાં કંપની પોતાના કર્મચારીઓમાંથી 6 હજારને ઘરભેગા કરનાર છે. દુનિયાભરમાં કંપનીના લગભગ 51 હજાર કર્મચારીઓ છે તેમાંથી 12 ટકા એટલે કે 6000 કર્મચારીઓની છટણી કરશે.

એચપીના સીઈઓ અને અધ્યક્ષ એનરિક લોરેસે જણાવ્યું હતું કે કંપની પોતાના ગ્રાહકોને બહેતર સેવા આપવા અને ખર્ચને ઘટાડવા માટે ભવિષ્યની રણનીતિ પર કામ કરી રહી છે, જેથી આવનારા સમયમાં કંપનીની આર્થિક સ્થિતિ મજબૂત બની રહે.

ગુગલ 10 હજાર કર્મીઓની છટણી કરી શકે છે: ગુગલની પેરેન્ટ ફર્મ આલ્ફાબેટે પણ 10 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે. કંપનીના મેનેજરોને નબળું પર્ફોર્મન્સ આપનાર 6 ટકા કર્મચારીઓને ઓળખવાની સલાહ અપાઈ છે.

હેઝ ફંડના રોકાણકારોના દબાણમાં આ પગલું ઉઠાવવામાં આવ્યુ છે જયારે દુનિયાભરમાં રાજકીય ચડાવ-ઉતાર અને ઉંચા મોંઘવારી દરના કારણે દિવસો દિવસ સ્થિતિ બગડી રહી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગુગલમાં છટણીની શરૂઆત વર્ષ 2023માં થઈ શકે છે.

કર્મચારીઓની છટણી મામલે શ્રમ મંત્રાલયનું એમેઝોનને સમન
પૂણે સ્થિત એમેઝોનના કર્મીઓના સંઘની અરજી પર સમન ફટકારાયું
એમેઝોન ઈન્ડીયાના કર્મચારીઓને જબરદસ્તીથી નોકરીમાંથી કાઢી મુકવા મામલે કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એમેઝોનને સમન્સ ફટકાર્યુ છે. કંપનીને બેંગ્લુરુમાં ઉપપ્રમુખ શ્રમ કમિશન સામે રજૂ થવાનું કહેવામાં આવ્યું છે. શ્રમ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ નોટીસ અનુસાર કંપનીએ બધા જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવા કહેવામાં આવ્યું છે.

પુણે સ્થિત કર્મચારીઓ માટે કામ કરનાર એક સંઘ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમ્પ્લોઈઝ સેનેટ (એનઆઈટીઈએસ)ની અરજી પર આ સમન મોકલવામાં આવ્યું છે. સંઘે ગત સપ્તાહે અરજી દાખલ કરી રાજય અને કેન્દ્ર સરકાર પાસેથી એમેઝોન તરફથી મોકલાયેલ ‘અનૈતિક અને ગેરકાયદે છટણી’ના ઈ-મેલની તપાસની માંગ કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement