અમદાવાદ જીએમડીસીમાં જૈન મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન: 10 લાખ લોકો ઉમટી પડશે

24 November 2022 02:55 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ જીએમડીસીમાં જૈન મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન: 10 લાખ લોકો ઉમટી પડશે

◙ જાન્યુઆરીમાં પદ્મભૂષણ, રાષ્ટ્રહિત ચિંતક આચાર્ય રત્નસુંદરસૂરિજી મ.ના 400મા પુસ્તક ‘સ્પર્શ’નું વિમોચન

◙ 1200 સાધુ-સાધ્વીજીઓ માટે 200 કુટિર તૈયાર કરાશે: 60 એકર વિસ્તારમાં નાનકડું ગામ ઉભું કરાશે: 300 ફુટ લાંબો અને પહોળો પ્રવચન ડોમ ઉભો કરાશે: ગિરનાર તીર્થની આબેહુબ પ્રતિકૃતિ તથા જિનાલય બનાવાશે: તૈયારીઓનો ધમધમાટ

રાજકોટ,તા.24
પદ્મભૂષણ સન્માનિત, વિપુલ સાહિત્ય સર્જક, રાષ્ટ્રહિત ચિંતક આ.ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરિશ્ર્વરજી મહારાજાના 400મા પુસ્તક ‘સ્પર્શ’નું આગામી જાન્યુઆરી માસમાં વિમોચન થનાર છે. આગામી તા.15 જાન્યુ. થી 22 જાન્યુ. સુધી ગુજરાત યુનિ. ગ્રાઉન્ડ, જીએમડીસી, અમદાવાદ ખાતે ભવ્યાતિ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. મહોત્સવ દરમિયાન 10 લાખ લોકો ઉપસ્થિત રહેનાર છે.

જીએમડીસી ગ્રાઉન્ડ (અમદાવાદ)ના 120 એકરમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં 1200થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો ભાગ લેશે. પદ્મભૂષણ વિભૂષિત, રાજ પ્રતિબોધક જૈનાચાર્ય પૂ. શ્રી રત્નસુંદરસૂરિજી મ. એ લખેલા 400માં પુસ્તકનું વિમોચન તા.22મી જાન્યુઆરીના કરાશે. આ પુસ્તકનું 15 થી વધુ વિવિધ ભાષામાં વિમોચન કરાશે. અત્યાર સુધીમાં આ. શ્રી રત્નસુંદરસૂરિજી મ. દ્વારા લિખિત 398 પુસ્તકોની 90 લાખથી વધુ આવૃતિ ગુજરાતી સાહિત્યમાં દેશ વિદેશમાં વિતરણ કરાઇ છે.

આ મહોત્સવનું પ્રવેશદ્વાર 1500 ફુટ લાંબો અને 70 ફુટ ઉંચો રાખવામાં આવશે. મહોત્સવ દરમિયાન 10 લાખથી વધુ લોકો દેશ વિદેશમાંથી ભાગ લેશે. મહોત્સવમાં 30 ફુટની ગિરનાર તીર્થ જેવી આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જિનાલય પણ તૈયાર કરાશે. જેની લંબાઇ 300 ફુટ હશે. જેમાં પાંચ હજાર લોકો 69 ઇંચના નેમિનાથ પરમાત્માના દર્શન કરી શકશે.

1200 સાધુ-સાધ્વીજીઓ માટે 200 કુટિર તૈયાર કરાશે
મહોત્સવમાં 1200 સાધુ સાધ્વીજી ભગવંતોના ઉતારા માટે 200 જેટલી કુટિર તૈયાર કરાશે. 60 એકર વિસ્તારમાં એક નાનકડું ગામ પણ તૈયાર કરાશે. 25 હજાર લોકો બેસી શકે તે માટે 300 ફુટ પહોળો, 300 ફુટ લાંબો પ્રવચન ડોમ તૈયાર કરાશે. મહોત્સવમાં 100 ફુટના હાઇટનું સમોવસરણ (પરમાત્મા દેશના આપતા હોય તેવો આભાસ કરાવતી) પ્રતિકૃતિ તૈયાર કરાશે. મહોત્સવના દિવસોમાં દરરોજ આચાર્ય ભગવંત પૂ. શ્રી રાજસુંદરસૂરિજી મહારાજા પ્રવચનની ગંગા વહાવશે.

નિબંધ સ્પર્ધા
આ.ભ.શ્રી રત્નસુંદરસૂરિજી મહારાજાના 1 થી 399 પુસ્તકોમાંથી કોઇપણ પુસ્તક વાંચીને મન પરિવર્તન કે જીવન પરિવર્તન થયું હોય તેવા ભાવિકોએ સુઘડ અક્ષરે અથવા ઓનલાઇન 2-3 ફુલસ્કેપ પાના જટેલું લખીને લીંક પર મોકલી શકાશે.

પરિવર્તનથી પ્રેરણા પામીને કોઇ પોતાના જીવનમાં પરિવર્તન લાવશે. તો પુણ્યની પ્રાપ્તિ અને સુંદર પ્રસ્તુતિ હશે તો મહોત્સવ દરમિયાન પુરસ્કાર અપાશે. નિબંધ તા.1લી જાન્યુ. સુધીમાં મોકલી આપવાનો રહેશે. વિશેષ વિગતો અને જાણકારી માટે રત્નત્રયી ટ્રસ્ટ, 14, ઇલોરા પાર્ક સોસાયટી, જૈન દેરાસર સામે, નારણપુરા, ક્રોસ રોડ, નારણપુર, અમદાવાદ-13 (મો. 73839 49555, 73839 49333)નો સંપર્ક કરવો.


Related News

Advertisement
Advertisement
Advertisement