જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીનું નસીબ સફળતા અને વફાદારીથી ચમકયું

24 November 2022 03:01 PM
Jamnagar
  • જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીનું નસીબ સફળતા અને વફાદારીથી ચમકયું
  • જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીનું નસીબ સફળતા અને વફાદારીથી ચમકયું

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.8માંથી સતત 3 ચૂંટણી લીડના વધારા સાથે જીત્યા: પાંચ વર્ષના આર.સી.ફળદુના ધારાસભ્ય તરીકેના કામકાજનું સુકાન પણ સુપેરે નિભાવતા પક્ષની નેતાગીરીએ કરી કદર: 79(દક્ષિણ) બેઠક ઉપર અકબરીની તરફેણમાં જબરો માહોલ ઉભો થતા 78(ઉત્તર) બેઠકમાં ભાજપના ઉમેદવાર રિવાબાને પણ મળશે લાભ

જામનગર તા.24: આજના રાજકારણમાં ‘વફાદારી’એક એવું મહત્વનું પાસું છે જેનાથી ઈતિહાસ પલટાઈ જતાં હોય છે. આઘાતજનક રીતે એ પણ સત્ય છે કે, રાજકારણમાં વફાદારીનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. આજનો નેતા કાલે શું કરશે? તેની કોઈને ખબર નથી ત્યારે આ પરિપ્રેક્ષ્યમાં 79- જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવાર દિવ્યેશભાઈ રણછોડભાઈ અકબરીની રાજકીય સફર પર નજર કરીએ તો એવું જોવા મળે છે કે, આ યુવા પાટીદાર ચહેરો ભાજપ માટે તો નખશીખ વફાદાર તરીકેની ભૂમિકા ભજવવામાં સફળ થયો છે. સાથે-સાથે પોતાના વિસ્તારના મતદાતા અર્થાત્ પ્રજા માટે પણ એમનામાં વફાદારી ઠાંસી-ઠાંસીને જોવા મળી રહી છે.

જામજોધપુર તાલુકાના ભોજામેડી ગામમાં એમનો જન્મ થયો હતો, ત્યારે પિતા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં, એમનું મૂળ ગામ લાલપુર તાલુકાનું ખેંગારપુર ગામ છે, પ્રભુલાલ સંઘરાજ શાહ શાળામાં પ્રાથમિક શિક્ષણ મળવ્યું આ પછી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ઉચ્ચત્તર માધ્યમિક મેળવ્યું ત્યારબાદ ન્યુ સ્કૂલ અને આ પછી વી.એમ. મહેતા (પંચવટી) કૉલેજમાં બી.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, ખેતી ઉપરાંત એમના પિતા ગ્રેઈન માર્કેટમાં વેપાર પણ કરતાં હતાં અને આ પછી 1989માં બ્રાસપાટર્સના ધંધા સાથે જોડાયા હતાં.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિવ્યેશભાઈ અકબરી પિતાના વ્યવસાયમાં જોડાયાં હતાં અને બીજી તરફ 1995માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. પક્ષ દ્વારા એમની સ્વચ્છ છબિ, શૌમ્ય સ્વભાવ અને બધાંને એક સાથે જોડવાની નીતિ જોઈને નગરસેવક તરીકે ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી. 2010માં નગરસેવક તરીકે ભાજપમાંથી લડ્યા હતાં અને 5161 મતની લીડથી જીત્યા હતાં આ પછી બાકીની બે ટર્મમાં ભાજપે એમને રિપિટ કર્યા હતાં, બીજી વખત લડ્યા ત્યારે લીડ વધીને 7830 પર પહોંચી અને મહાનગર પાલિકાની છેલ્લી ચૂંટણી 2021માં 9500ની લીડથી તેઓ જીત્યા હતાં. મતલબ કે લીડમાં સતતને સતત વધારો થયો હતો અને એટલાં માટે જ થયો હતો કે, તેઓ પોતાના વિસ્તારની પ્રજાના ઘર-ઘર સુધી પહોંચી પ્રત્યેક વ્યક્તિના દિલમાં સ્થાન મેળવવામાં સફળ થયાં હતાં.

1995થી લઈને 2017ની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને લોકોના આ વફાદાર નેતાએ પોતાની ભૂમિકા સુપેરે ભજવી હતી, 95 પછીની 6 વિધાનસભામાં ભાજપના વફાદાર સૈનિક રહ્યાં હતાં. આ ઉપરાંત 1999, 2004, 2009, 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ તરફે રાત-દિવસ કામ કર્યું હતું. 2014 અને2019માં લોકસભાની ચૂંટણીમાં 79-વિધાનસભા વિસ્તારના સહઈન્ચાર્જ તરીકે તેઓ રહ્યાં હતાં અને આ બન્ને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આ વિધાનસભા વિસ્તારમાંથી જંગી લીડ પ્રાપ્ત થઈ હતી.

મધ્યમ વર્ગમાં ઉછરીને મોટા થયેલાં દિવ્યેશ અકબરી 1973થી શ્રીનિવાસ કોલોની, શેરી નં.1, રણજીતનગર રોડ ખાતે આવેલાં પોતાના મકાનમાં આજ દિવસ સુધી રહે છે. સાદગીભર્યું જીવન એમની ઓળખ છે, શિક્ષણ એમની પાસે છે, વફાદારીનું મહત્વ તે સમજે છે, ક્યારે’ય કોઈપણ સંજોગોમાં આમથી તેમ ઠેકા-ઠેકી કરીને પોતાના પક્ષને કોઈદિવસ પીઠ દેખાડી નથી અને ભાજપના જે ઉમેદવાર આવ્યા એમના માટે ભૂતકાળમાં વફાદારીપૂર્વક કામ કર્યું. યુવા-શિક્ષિત આ પાટીદાર ચહેરો એવો છે જેણે પોતાના વૉર્ડની તમામે તમામ સમસ્યાઓ દૂર કરાવી છે, લોકોને સંતોષ આપ્યો છે, એક સાચા નગરસેવક તરીકેની ભૂમિકા નિભાવી છે તો બીજી તરફ મહામારી કોરોનાકાળમાં પણ એક પણ દિવસ ઘરે નહીં બેસીને એક સાચા લોક સેવકની ઓળખ પણ એમણે પૂરી પાડી છે.

ભયંકર મહામારી ચાલતી હતી ત્યારે માત્ર પોતાના વૉર્ડના જ નહીં કોઈપણ વૉર્ડના અને ગામડાંઓના કોરોનાગ્રસ્ત દર્દીઓને હૉસ્પિટલોમાં દાખલ કરાવવા, ઑક્સિજનની અછત વખતે બે મશીન વસાવ્યા હતાં જેથી કરીને લોકોના જીવ બચાવી શકાય, દવાઓનો જથ્થો ઘટે નહીં તેના માટે સતત દોડાદોડી કરી હતી અને આટલું જ નહીં ભયાનક મહામારીમાં અંતિમ સંસ્કારમાં પણ દિવંગતોને કોઈ તકલીફ ન પડે તેના માટે દિવ્યેશભાઈ અને એમની ટીમ સતત ખડેપગે રહી હતી.
લોકડાઉનના કપરાકાળમાં જ્યારે અનાજના સાંસાં પડી ગયાં હતાં એ સમયે પણ પોતાના વૉર્ડ અને 79- જામનગર વિધાનસભા વિસ્તારના લોકો માટે હજારો કીટનું વિતરણ કરાવ્યું હતું અને એવી કીટ લોકોને અપાતી હતી જેમાં કોઈપ્રકારની કમી રહેતી નહીં.

દિવ્યેશ અકબરીની કારકિર્દીથી વાકેફ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ યુવાનને વિધાનસભાની ચૂંટણીમાં તક આપવામાં આવી ત્યારથી 79- જામનગર વિધાનસભા વિસ્તારના મતદાતાઓએ સ્પષ્ટપણે પોતાનું મન આપી દીધું છે અને લોકસંપર્ક દરમિયાન ખૂદ આ વિસ્તારના લોકો દિવ્યેશભાઈ અકબરી પ્રત્યે સંવેદના દેખાડી રહ્યાં છે.

લોકપ્રતિનિધિ માટેના શું ગુણ હોય છે? એ તમામ પ્રકારની પ્રતિભા આ યુવા ચહેરામાં છે, તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાચા સૈનિક છે, ભારતીય જનતા પાર્ટી પાછળ પોતાનું જીવન લખી દીધું છે, શિક્ષિત છે, પાટીદાર છે, સ્વચ્છ પ્રતિભા છે અને કોઈજાતની કોઈ કમી આ યુવા ચહેરામાં દેખાતી નથી એવી એમની જીવનની પ્રોફાઈલ દર્શાવે છે.

મત વિસ્તારના નાનાથી મોટી દરેક વ્યક્તિ માટે આ ચહેરો ખૂબ જાણીતો છે અને એટલાં માટે જ દિવ્યેશ અકબરી પોતાની લાંબી વફાદારીભરી રાજકીય કારકિર્દીના કારણે 79-જામનગર વિસ્તારના મતદાતાઓના એક ઘરના સદસ્ય જેવા હોય એવો અહેસાસ ખૂદ પ્રજાને થઈ રહ્યો છે.


Advertisement
Advertisement
Advertisement