રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી દારૂની 31272 બોટલ પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ

24 November 2022 03:20 PM
Rajkot Crime Gujarat
  • રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી દારૂની 31272 બોટલ પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ
  • રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી દારૂની 31272 બોટલ પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ
  • રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી દારૂની 31272 બોટલ પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ

♦ નડિયાદ ખાતે જથ્થો ઉતારી દેવાનો અને ત્યાંથી અમદાવાદ સહિતના શહેરોમાં સપ્લાય કરવાનો હોવાની ડ્રાઈવરની કબૂલાત: દારૂ મંગાવનાર બૂટલેગર ફરાર: દારૂ-ટ્રક સહિત રૂા.48.47 લાખનો મુદ્દામાલ કબજે

♦ ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ કરવાના કારસા ઉપર વધુ એકવાર પાણી ફેરવી દેતી પોલીસ

રાજકોટ, તા.24
વિધાનસભાની ચૂંટણીના મતદાનને આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તો મતદારોને કેમેય કરીને પોતાની તરફેણમાં જ મતદાન કરે તે માટે ઉમેદવારો શામ, દામ, દંડ, ભેદની નીતિ અખત્યાર કરી રહ્યા છે. મતદાનનો દિવસ નજીક આવે તેમ તેમ મતદારો માટે ભોજનપાર્ટીની સાથે સાથે ‘છાંટોપાણી’ની વ્યવસ્થા ઉમેદવાર તરફથી કરવામાં આવવાનો સિલસિલો લગભગ દરેક ચૂંટણીમાં જોવા મળતો હોય છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ તે યથાવત જ રહેવા પામ્યો છે.

જો કે આ વખતે પોલીસ અને તેમાં પણ ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલે હાઈ-વે ઉપર પોતાના બાતમીદારોનું નેટવર્ક ‘એક્ટિવ’ કરી દઈને દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ન ઘૂસી જાય તે માટે કમર કસી લીધી છે. દરમિયાન આજે શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી દારૂની 31272 બોટલ ભરીને પસાર થઈ રહેલા ટ્રકને પકડી પાડી તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.બી.તરારે અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને પસાર થઈ રહેલા ટ્રક નં.જીજે-6વાયવાય-4280ને અટકાવી તેની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ટ્રકના ચાલક પ્રકાશસિંહ ઉર્ફે બોદુ પુનમસિંહ ચૌહાણ (રહે.રાજસ્થાન)ની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતાં તેણે ‘પોપટ’ બની જઈને કબૂલાત આપી હતી કે દારૂનો આ જથ્થો કુખ્યાત સપ્લાયર દેવીલાલ સંપતલાલ કલાલે મોકલ્યો હતો. જે નડિયાદ ખાતે બૂટલેગરને આપવાનો હતો.

જો કે બૂટલેગર જથ્થો લેવા આવે તે પહેલાં જ એસએમસીએ પકડી લેતાં હવે ડ્રાઈવરની પૂછપરછ બાદ બૂટલેગરને દબોચી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવશે. સ્ટેટ મોનિટરિંગ સેલે 38.40 લાનિી કિંમતનો 31272 બોટલ દારૂ, મોબાઈલ ટ્રક, રોકડ સહિત કુલ રૂા.48,47,210નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીને કારણે અત્યારે દારૂની ખપત વધારે રહે છે અને ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા મોટાપાયે દારૂનો જથ્થો મંગાવવામાં આવતો હોવાની વાત છે ત્યારે આટલો મોટો જથ્થો કયા બૂટલેગરે મંગાવ્યો હશે અને તે બૂટલેગર આ દારૂ વેચવા માટે લાવ્યો હશે કે કોઈ રાજકીય પક્ષને આપવાનો હશે તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ થવી જરૂરી બની જાય છે.

બીજી બાજુ દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય સપ્લાય દેવીલાલ કલાલ અનેકવાર ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા બદલ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોય સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેને પકડવા તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

નવો કીમિયો: છોટાઉદેપુર ગામે નર્મદા નદી નજીક દારૂ ભરેલી બોટ પકડાઈ
હાઈ-વે ઉપર પોલીસની ધોંસ વધવા લાગતાં બૂટલેગરો હવે અન્ય રસ્તાઓ અખત્યાર કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ સંદીપ શંકરરાવે છોટા ઉદેપુર ગામે આવેલી નર્મદા નદી નજીકથી દારૂની 1001 બોટલ ભરેલી બોટ પકડી પાડતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે દારૂના જથ્થા સાથે મુકેશ ભીલ અને કિરણ ભીલ (રહે.બન્ને નસવાડી)ની ધરપકડ કરી છે અને બન્ને આ જથ્થો મહારાષ્ટ્રના હરિયા નામના શખ્સ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપતાં તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દારૂની 1001 બોટલ સહિત કુલ રૂા.1.57,700નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement