શા માટે FIR માં ઓરેવા ગ્રુપનું નામ નથી: હાઈકોર્ટનો તીખો સવાલ

24 November 2022 03:34 PM
Morbi Gujarat Rajkot
  • શા માટે FIR માં ઓરેવા ગ્રુપનું નામ નથી: હાઈકોર્ટનો તીખો સવાલ

♦ મોરબી પુલ દુર્ઘટનામાં રાજય સરકાર વધુ ભીંસમાં: વળતર સહિતના મુદે આકરા સવાલ

♦ સરકારના ઈરાદા પર શંકા વ્યક્ત કરતી ગુજરાત હાઈકોર્ટ: સીટનો રિપોર્ટ સીંગલ કવરમાં રજુ કરવા આદેશ

♦ મૃતકોના પરિવારને અપાયેલુ રૂા.4-4 લાખનું વળતર રૂા.10-10 લાખ કરવા પણ સલાહ: ઈજાગ્રસ્તોનું પણ વળતર વધવુ જોઈએ

રાજકોટ, તા.24
મોરબીની પુલ દુર્ઘટનામાં આજે ગુજરાત હાઈકોર્ટે આકરુ વલણ લેતા સર્વપ્રથમ મૃતકોના પરિવારને અપાયેલા વળતરની રકમ ઓછુ હોવાનું જણાવીને અસંતોષ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ રાજય સરકારને આ પુલ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી કમિશ્નર ઓફ મ્યુનીસીપલ રાજકુમાર બેનીવાલ ના વડપણ હેઠળની સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમનો રિપોર્ટ સીલબંધ કવરમાં આદેશ આપ્યો હતો.

પરંતુ સૌથી મહત્વનું હાઈકોર્ટે સીધો પ્રશ્ન ઉઠાવ્યો કે પુલ દુર્ઘટના અંગે જે એફઆઈઆર નોંધાઈ છે તેમાં શા માટે પુલના મરામત અને જાળવણીના કામ માટે જવાબદાર ઓરેવા ગ્રુપના કોઈ સંચાલકનું નામ નથી અને એ પણ પ્રશ્ન કર્યો હતો કે ઓરેવા ગ્રુપ સામે સરકારે શું પગલા લીધા છે તે પણ જણાવવાનું રહેશે.

ગત તા.30 ઓકટો.ના રોજ મોરબીમાં ઝુલતા પુલની જે દુર્ઘટના સર્જાઈ હતી તેમાં 135થી વધુ લોકો માર્યા ગયા હતા અને રાજય સરકારે હજુ સુધી ફકત પુલના ટિકીટ ચેકર અને ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના આઠ લોકોની ધરપકડ કરીને તેમની સામે કામ ચલાવવાનું શરુ કર્યુ છે પરંતુ આ પુલના મરામતની કામગીરી માટે કરાર કરનાર ઓરેવા ગ્રુપ પ્રત્યે સરકારે મૌન સેવ્યુ છે અને હાલ ઓરેવા ગ્રુપના સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

આજે હાઈકોર્ટે એ પ્રશ્ન ઉઠાવ્યો કે શા માટે ઓરેવા ગ્રુપના કોઈ સંચાલકનું નામ એફઆઈઆરમાં નથી સરકાર શું છુપાવવા માંગે છે. આ ઉપરાંત જે સીટનો રિપોર્ટ સરકારને સુપ્રત થયો છે તે પણ હાઈકોર્ટમાં સીલબંધ કવરમાં સુપ્રત કરવા જણાવ્યું છે. હાઈકોર્ટે આ ઉપરાંત મૃતકના પરિવારને ફકત રૂા.4-4 લાખનું વળતર અપાયુ છે તે અંગે પણ પ્રશ્ન ઉઠાવીને કહ્યું કે આ રકમ અપુરતી છે અને તે રૂા.10-10 લાખ હોવી જોઈએ.

રાજય સરકારે તેના જવાબમાં જણાવ્યું કે જે સાત બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેમને રૂા.37 લાખનું વળતર ચૂકવાયુ છે અને હાઈકોર્ટને સંતોષ થયો નથી અને દશ દિવસમાં તેના એકશન ટેકન રીપોર્ટ સહિત હાજર થવા જણાવ્યુ હતું અને હવે સૌથી મહત્વનું ઓરેવા ગ્રુપ સામે પગલા લેવાની ફરજ પડશે તે નિશ્ર્ચિત છે.

રાજયના તમામ પુલોનો ક્ષમતા સર્વે કરવા હાઈકોર્ટનો આદેશ
રાજયમાં અનેક પુલો કે જેના પર ભારે ટ્રાફીક દોડતો રહે છે તેની ક્ષમતા અંગે પણ પ્રશ્ન ઉભા થયા બાદ આજે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદકુમારે પ્રશ્ન ઉઠાવીને આગામી દશ દિવસમાં રાજયના તમામ પુલોની ક્ષમતા અંગે સર્વે કરી રિપોર્ટ રજુ કરવા જણાવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોરબી પુલ દુર્ઘટનાના પગલે આ પુલોની ક્ષમતા અંગે પણ પ્રશ્ન ઉઠયા હતા અને રાજય સરકાર દ્વારા તેમાં હજુ સુધી કોઈ નકકર પગલા લેવાયા નથી કે જેથી તેમાં કોઈપણ પ્રકારની નબળાઈ કે તેની ક્ષમતાથી વધારે વાહનો પસાર થતા હોય તો ભવિષ્યમાં તે દુર્ઘટના બની શકે છે. હાઈકોર્ટે આજે રાજય સરકારને આ અંગે એક રિપોર્ટ આપવા જણાવ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement