ચૂંટણીમાં નારાજ વિવિધ અગ્રણીઓ તેમજ સમાજને મનાવવા ભાજપના ફાયર ફાયટર દોડયા

24 November 2022 04:27 PM
Rajkot Elections 2022 Politics
  • ચૂંટણીમાં નારાજ વિવિધ અગ્રણીઓ તેમજ સમાજને મનાવવા ભાજપના ફાયર ફાયટર દોડયા

► ચૂંટણીની ટિકીટમાં ફકત જીતી શકાય તેવા ઉમેદવારના માપદંડથી અનેક દાવેદારોમાં જબરો અસંતોષ : ડેમેજ કંટ્રોલ

► સૌરાષ્ટ્રની રાજકીય તાસીર જાણતા એક ટોચના નેતાને જવાબદારી સોંપાઈ: મોડી રાત સુધી મીટીંગોનો ધમધમાટ

► પેરેશુટ ઉમેદવારોથી લઈ કાર્યકર્તાઓની વચ્ચે ન રહેતા અનેક નેતાઓને પણ ટિકીટ મળી જતા જબરો અસંતોષ

► સરકાર આવે પછી બોર્ડનિગમ સુધીની લાલચો અને તેમના ‘કામો’ થઈ જશે તેવી પણ ખાતરી આપી દેવાઈ છે

રાજકોટ તા.24
વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટના મુદે ફકત જીતી શકાય તેવા જ ઉમેદવારને ભાજપ અને કોંગ્રેસે પસંદ કરતા નારાજ થયેલા દાવેદારો અને કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ કે જેઓને ખુદને ટિકીટ મળી નથી અથવા તો તેમના સમાજને ટિકીટથી વંચિત રાખી દેવામાં આવ્યા છે તેમજ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરુ થઈ ગયું છે અને આ કામગીરી સૌરાષ્ટ્રની તાસીર જાણતા ભાજપના ટોચના નેતાને સુપ્રત કરવામાં આવી છે.

ખાસ કરીને ચુવાડીયા કોળી સમાજ કે જેને આ ચૂંટણીમાં પૂર્ણ રીતે વંચિત રાખવામાં આવ્યા હતા તે નવાજુની કરવાના મૂડમાં છે અને તા.1ના રોજ બાજી બગડે તે પૂર્વે ભાજપની ટીમ એકશનમાં આવી ગઈ છે. હાલ આ પ્રકારના નેતાને ચોકકસ સ્થળે બોલાવી તેમને સમજાવવા અને પક્ષના હિતમાં ડેમેજ ન થાય તે જોવા જણાવાયું છે.

આ ચૂંટણીમાં સામાજીક સંતુલન બનાવવા જતા અનેક સમાજોને અન્યાય થયો છે જેમાં વિશ્વકર્મા સમાજ, સતવારા સમાજ અને ચુંવાડીયા કોળી સહિતના સમાજ કે જે મોટો મતદાર વર્ગ ધરાવે છે તેઓ સખત નારાજ છે અને હવે આ સમાજ અને કેટલાક અગ્રણીઓને મનાવવા માટે છેલ્લા બે દિવસથી મોડીરાત્રીના બેઠકોનો દૌર શરુ થયો છે.

પક્ષના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તો કોઈને સીધો સંતોષ આપી શકાય તેમ નથી પરંતુ સમાજના અગ્રણીઓને આગામી દિવસોમાં બોર્ડનિગમમાં નિયુક્તિ તેમજ સરકારમાં કેટલાક મહત્વના લાભો મળે તે ‘વ્યવસ્થા’ કરી આપવાની ખાતરી આપવામાં આવી રહી છે. જો કે જે રીતે છેલ્લા પાંચ વર્ષમાં બોર્ડનિગમમાં ભાગ્યે જ કોઈ નિયુક્તિ થઈ હતી તેમાં આ પ્રકારના વચનો કેટલાક અસરકારક છે તે પણ પ્રશ્ન છે.


Related News

Advertisement
Advertisement
Advertisement