કોઠારીયા ગામે 30 નવેમ્બરના ભવ્યાતિભવ્ય 108 કુંડી શ્રીરામ મહાયજ્ઞનું આયોજન

24 November 2022 04:33 PM
Rajkot Dharmik
  • કોઠારીયા ગામે 30 નવેમ્બરના ભવ્યાતિભવ્ય 108 કુંડી શ્રીરામ મહાયજ્ઞનું આયોજન

ત્રિદિવસીય યજ્ઞ સમારંભ નિમિતે વિશાળ સંત સંમેલન યોજાશે

રાજકોટ,તા.24
રાજકોટમાં કોઠારિયા ગામ ખાતે આવેલા ભુલેશ્વર મહાદેવ ખાતે 30મી નવેમ્બરથી ભવ્યાતિભવ્ય 108 કુંડી શ્રીરામ મહાયજ્ઞ યોજવામાં આવશે. ત્રિદિવસીય યજ્ઞ સમારંભ નિમિત્તે વિશાળ સંત સંમેલન પણ યોજાશે.

જીયુડી હનુમાનજી મંદિર - જેતપુરના મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહંત રામદયાલદાસજી બાપુના અધ્યક્ષસ્થાને તથા 1008 મહંત રામરૂપદાસજી (શ્રી ભક્ત ચેલૈયાધામ, નવાગામ બિલખા)ના સાંનિધ્યમાં આ 108 કુંડી હોમાત્મક મહાયજ્ઞનો પ્રારંભ થશે.

29મી નવેમ્બર, માગશર સુદ-6ને મંગળવારના રોજ સવારે 8 કલાકે કળશયાત્રા નીકળશે. હેમાદ્રી પ્રાયશ્ચિત: દશવિધિ સ્થાન, પ્રાયશ્ચિત હોમ સાંજે 4 વાગ્યાથી થશે. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રોજ સવારે 8થી 12 તથા બપોરે 3થી 6 યજ્ઞાદિ સહિતની વિધિઓ થશે.

આ મહાયજ્ઞ દરમિયાન દરરોજ સવારે 8.30 કલાકે સંતોના સામૈયા થશે. ધર્મસભા દરરોજ સવારે 9થી 12 તથા બપોરે 3થી 6 યોજાશે. દરરોજ સાંજે 6થી 8 ગરબા તેમજ સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. આ અવસરે બાળકો માટે અહીં વિશાળ આનંદમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટા ફજર ફાળકા, ટોરાટોરા સહિત ચકડોળ પણ છે. ઉપરાંત અહીં રોજ બે લાખ માણસો સવાર, બપોર, સાંજ ભોજન પ્રસાદ લઈ શકે તે માટે વિશાળ રસોડું પણ શરૂ કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement