કડીયા, લુહાર, સુથાર, દરજી, પ્રજાપતિ, મોચી, વાળંદ, સોની, બારોટ, ગઢવી, માલધારી સમાજને સૌરાષ્ટ્રમાં ભાજપની એક પણ ટીકીટ નહીં : રાજકોટ-70માં અસંતોષનો વિકાસ

24 November 2022 04:50 PM
Rajkot Elections 2022 Politics
  • કડીયા, લુહાર, સુથાર, દરજી, પ્રજાપતિ, મોચી, વાળંદ, સોની, બારોટ, ગઢવી, માલધારી સમાજને સૌરાષ્ટ્રમાં ભાજપની એક પણ ટીકીટ નહીં : રાજકોટ-70માં અસંતોષનો વિકાસ

► પક્ષના વિકાસમાં કોનુ કેટલું યોગદાન? વર્ષોથી ભાજપમાં કામ કરતા સંનિષ્ઠોએ ઉઠાવ્યા સવાલ

► 2.13 લાખ મતદારોની અવગણના ભારે પડી જશે : ‘આપણી શકિત માત્ર આપણો મત’ : સંદેશો વાયરલ

►ઓબીસી સમાજના લોકોને સામસામે મૂકી, અંદરો અંદર લડાવવાની પ્રવૃતિ કરાવવાનો પણ આરોપ

► નાના-નાના સમાજના લોકો જાગૃત થઇને ભાજપને ઘરભેગો નહીં કરે તો તમામ જગ્યાએથી પત્તા કપાશે

► જામનગરના સતવારા સમાજ જેવી એકતા રાજકોટનો વિશ્ર્વકર્મા સમાજ દેખાડે તો ભાજપને અઘરૂ પડી જશે

જામનગરના પ્રમુખે રાજીનામુ આપી દીધું : રાજકોટ-70માં પણ જ્ઞાતિઓની અવગણનાનો ધુંધવાટ ચાલુ
રાજકોટ, તા. 24
રાજકોટ દક્ષિણ-70ની વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિઓની અવગણનાનો મુદ્દો હજુ શાંત પડતો નથી. તેવામાં જામનગરમાં ઓબીસી સમાજમાં આવતા સતવારા સમાજે હિંમતથી સત્ય કહેવા અને પ્રમુખે રાજીનામુ આપી દીધાની ઘટનાનો ક્રમ રાજકોટમાં પણ ચર્ચામાં આવી ગયો છે. જો રાજકોટમાં પણ વિશાળ વિશ્ર્વકર્મા સમાજ એકતા દેખાડે તો ભાજપને ભારે પડી શકે તેવો મત છે.

રાજકોટ-70ની બેઠકમાં ઓબીસી મતદારોનો સરવાળો કરવામાં આવે તો 50 ટકા નજીક પહોંચી જાય છે. આ મતક્ષેત્રમાં સમાજના ઉમેદવારને ટીકીટ ન આપીને ભાજપે મોટા વર્ગની નારાજગી વ્હોરી લીધી છે. જુદી જુદી જ્ઞાતિઓના સંમેલનો પણ નારાજગી સાથે મળવા લાગ્યા છે. તેના પર ભાજપે નાછુટકે નજર રાખવી પડે છે. આજે રાજકોટમાં ઓબીસીમાં આવતા કડીયા સમાજનું વિશાળ સંમેલન સાંજે મળી રહ્યું છે.

જામનગરના ઉમેદવારોની પસંદગી, રાજકીય પક્ષોની અવગણના સહિતની નારાજગીના કારણે સતવારા સમાજના હિંમતવાન પ્રમુખે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. તેમની સાથે અનેક જાગૃત અને સ્વમાની હોદ્દેદારોએ પણ રાજીનામા ધરી દીધા છે. હવે આ અસંતોષની આગ રાજકોટ પણ પહોંચવા લાગી છે.

સમાજના અમુક આગેવાનો વિશ્વકર્મા સહિતના ઓબીસી સમાજને અન્યાયની વાત ખાનગીમાં કરવા લાગ્યા છે. રાજકોટમાં પણ જામનગરના અસંતોષ અને રાજીનામા કાંડ જેવા પડઘા પડે તેવી આગાહી થવા લાગી છે.

રાજકોટ, તા. 24
રાજકોટ વિધાનસભા-70ની બેઠક પર ચૂંટણીનો માહોલ ગરમ અને રહસ્યમય બનવા લાગ્યો છે. આજે સાંજે કડીયા સમાજનું વિશાળ સંમેલન જ્ઞાતિના આગેવાનોએ નંદા હોલ ખાતે આયોજીત કર્યુ છે ત્યારે ભાજપના નેતાઓને ઓબીસી સમાજના અગ્રણીઓએ અનેક સવાલ કર્યા છે. આ મત વિસ્તારમાં આટલા વર્ષોથી કામ કરનારા પાયાના કાર્યકરોની મહેનતની અવગણના અને આ સમાજના ર.13 લાખથી વધુ મતદારોની ઉપેક્ષા ભાજપને ભારે પડી છે તેવો ગણગણાટ ખુબ વધી ગયો છે.

રાજકોટ દક્ષિણની બેઠક આટલા વર્ષો સુધી ભાજપ માટે મજબુત ગણાતી હતી. આ વખતે ઉમેદવારોની પસંદગીમાં અનેક બેઠકો પર ભાજપે કરેલા અને અજમાવેલા નવા પ્રયોગથી આ બેઠકો પર સીનારીયો ફરી ગયો છે. તેમાં રાજકોટ દક્ષિણની બેઠકની ગરમીના વાવડ છેક પ્રદેશ સુધી પહોંચી રહ્યા છે. આ વિસ્તારના ઓબીસી સમાજના કાર્યકરોએ વધુમાં રોષ ઠાલવતા કહ્યું હતું કે ભાજપના કાર્યકરોના મનમાં અનેક સવાલ છે. ભાજપના કાર્યક્રમોમાં ખુરશીઓ ગોઠવવા અને પાથરણાઓ સંકેલનારાની લાગણીની શું કોઇ કિંમત નથી?

રાજકોટ શહેર ભાજપના અમુક હોદ્દેદારો કાયમી ધોરણે રાજકોટ શહેરની અંદર અંગ્રેજોની કૂટ નીતિ ધ્યાનમાં રાખીને પોતાના રોટલા શેકવા માટે નાના નાના સમાજો અને જ્ઞાતિઓનો ઉપયોગ કરવાની મથરાવટી ધરાવે છે. કડીયા સમાજ, લુહાર સમાજ, સુથાર સમાજ, દરજી સમાજ, સમગ્ર પ્રજાપતિ સમાજ, મોચી સમાજ, વાળંદ સમાજ, સોની સમાજ, બારોટ સમાજ, ગઢવી સમાજ, માલધારી સમાજ, સગર સમાજ વગેરેના કોઇપણ પ્રતિનિધિને ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર વિધાનસભાની એક પણ ટીકીટ આપવામાં આવી નથી. ઉલ્ટાનું સમગ્ર સમાજના લોકોને અંદરો અંદર એટલે કે સામસામે મૂકીને સમાજમાં વિભાજન કરવાની પ્રવૃત્તિ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે, તેવું ભાજપના અમુક કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે.

દરેક સમાજના આગેવાનો, કાર્યકર ભાઇ-બહેનોએ એ વાત સમજવાની જરૂર છે કે ઉપર બેઠેલા રાજકીય ક્ષેત્રના દરેક રાજકીય પક્ષના નેતાઓ ચૂંટણી પૂરી થાય પછી હંમેશા સાથે બેસીને રોટલા જમે છે. ચા-પાણી-નાસ્તો કરે છે. નીચે લડતા લોકો તરફ જોઇને અટ્ટહાસ્ય કરતા રહે છે અને કહે છે કે આ લોકોના હિસાબે જ આપણું રાજકારણ ચાલે છે. માટે દરેક સમાજના લોકોએ જાગવાની અને સમજવાની જરૂર છે.

કેવા પ્રતિનિધિ લોકોની કેવી સેવા કરી શકે તે મુદ્દો ધ્યાનમાં રાખવા પણ અપીલ કરતા સમાજના લોકો કહે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લુહાર સમાજ, સુથાર સમાજ, દરજી સમાજ, મોચી સમાજ, વાળંદ સમાજ, સોની સમાજ, બારોટ સમાજ, ગઢવી સમાજ, માલધારી સમાજ, સગર સમાજ, સતવારા સમાજ વગેરે દ્વારા મોટા ભાગે હરહંમેશા પોતાનો મત ભાજપના ઉમેદવારને આપવામાં આવે છે.

છતાં પણ વિધાનસભામાં એક પણ ટીકીટ આપવામાં આવી નથી. હવે આગામી દિવસોમાં નાના નાના સમાજના લોકો જાગૃત થઇ ભાજપને ઘરભેગો નહીં કરે તો આવતી કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આ તમામ સમાજના લોકોને કયાંય પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવે તેવો ભય છે. આપણા સમાજ માટે મતદાન સિવાય બીજી કોઇ પણ પ્રકારની રાજકીય, સામાજીક કે આર્થિક શકિત નથી. આથી આપણી શકિત માત્ર આપણો મત છે તેવા સંદેશા કહેવા લાગ્યા છે.

આ બેઠક પર પાટીદાર સમાજના 45 હજાર જેટલા મત છે. મત ક્ષેત્રમાં કુલ ર.પ8 લાખ મતદાર છે. બાકી રહેતા 2.13 લાખ મતદારોની અવગણના થતી હોય તેવું હવે લોકો માનવા લાગ્યા છે. આ તમામ મતોનું ગણિત સમજીને તા.1ના રોજ થનારા વિધાનસભા ચૂંટણીના મતદાનમાં મત આપવા સોશ્યલ મીડિયામાં હાકલ થવા લાગી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement