મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા આઠ આરોપીઓની જામીન અરજી રદ્દ: એકની આજે સુનાવણી

24 November 2022 04:55 PM
Morbi Elections 2022
  • મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા આઠ આરોપીઓની જામીન અરજી રદ્દ: એકની આજે સુનાવણી

તહોમતદારોની સીધી જવાબદારી ન હોવાની વાત કોર્ટે ન સ્વીકારી

મોરબી તા.24
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા. દરમ્યાન આઠ આરોપીઓએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ જામીન અરજી રદ્દ કરી છે.

મોરબીમાં ગત 30 તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેથી 135 લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, પ્રકાશ લાલજીભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરેલ છે.

ગત તા 21 ના રોજ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનવણી હોય આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા બંને પક્ષેથી દલીલો કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આરોપીઓના વકીલ દ્વારા જામીન મેળવવા માટે જુદી જુદી કોર્ટમાં આપવામાં આવેલા ચુકાદાઓને રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીની સીધી રીતે કોઈ જવાબદારી ફિક્સ થતી નથી તેવી દલીલ કરવામાં આવી હતી.

તો સામા પક્ષેથી સરકારી વકીલ દ્વારા પણ મજબૂત પુરાવાઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને રાખીને કોર્ટે ગઇકાલે આઠેય આરોપીઓની જામીન અરજીને રદ કરેલ છે જોકે તારીખ 22 ના રોજ નવમા આરોપીની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મુકવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી તેનો ફેસલો આજે કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement