મોરબી રોડ પર વેલનાથપરામાં મોડીરાત્રે ચાર શખ્સોની ધમાલ:ઈંટનો ઘા કરતા વૃદ્ધ ઘવાયા

24 November 2022 05:00 PM
Rajkot Crime
  • મોરબી રોડ પર વેલનાથપરામાં મોડીરાત્રે ચાર શખ્સોની ધમાલ:ઈંટનો ઘા કરતા વૃદ્ધ ઘવાયા

શેરીમાંથી પુરઝડપે બુલેટ ચલાવી નીકળેલા બે શખ્સોને વૃદ્ધના પુત્રએ ધીમેથી વાહન ચલાવવાનું કહેતા બંને શખ્સો બીજા બે સાગરીતોને બોલાવ્યા અને વૃદ્ધ અને તેના પુત્ર સાથે માથાકૂટ કરી

રાજકોટ,તા.24
મોરબી રોડ પરના વેલનાથપરામાં રાત્રે નશાખોર શખ્સોએ ધમાલ કરી પથ્થરમારો કરતાં વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.ધમાલમાં ઘવાયેલા પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.તેમજ વૃદ્ધની ફરિયાદ પરથી ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

બનાવની વધુ વિગતો મુજબ,મોરબી રોડ પરના વેલનાથપરા-2માં રહેતા મહેશભાઈ છનાભાઈ ગોહિલ(કારડીયા રાજપૂત)(ઉ.વ.60)ની ફરિયાદ પરથી મનોજ,પ્રકાશ,મનોજભાઈનો દીકરો અને પ્રકાશભાઈનો દીકરાનું નામ આપતા તેઓ સામે કલમ 337,323,504,114 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.આ અંગે બી ડિવિઝનના પીએસઆઈ પી.બી.ત્રાજીયા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.મહેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે પરીવાર સાથે રહે છે અને મજૂરી કામ કરે છે તેમજ તેમને સંતાનમાં બે દિકરા છે.જેમાં મોટા દિકરાનું નામ સહદેવ તથા નાના દિકરાનું નામ દિશાંત છે.તથા ત્રણ દિકરીઓ છે જેના લગ્ન થઇ ગયા છે.તેમજ તેઓની પત્ની નિર્મળાબેન આશા વર્કર તરીકે નોકરી કરે છે.

ગઈકાલે સાંજના છએક વાગ્યાની આસપાસ મહેશભાઈનો મોટો દિકરો સહદેવ શેરીમાં ઉભો હતો તે દરમ્યાન મનોજભાઇ નો દિકરો બુલેટ લઇને અને તેની પાછળ પ્રકાશભાઇ નો દિકરો બેઠેલ હતો અને પુરઝડપે બુલેટ ચલાવતો નીકળ્યો હતો.જેથી દિકરા સહદેવે બંન્નેને ધીમું બુલેટ ચલાવવાનું કહેતા સમજાવ્યા હતા.બાદ આ મનોજભાઇનો દિકરો તથા પ્રકાશભાઇનો દિકરો ત્યાંથી જતા રહ્યા બાદ રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ પોતે તથા તેના બંન્ને દિકરા ઘરે હતા તે દરમ્યાન મનોજભાઈ,પ્રકાશભાઇ,મનોજભાઇનો દિકરો અને પ્રકાશભાઇનો દિકરો એમ બધા સાથે મળી મહેશભાઈના ઘર પાસે આવી કહેલ કે શુ થયું હતું.

જેથી સહદેવે આ મનોજભાઇને કહ્યું કે,તમારા દિકરાને મે ધીમુ બુલેટ ચલાવવા કહ્યું હતું.ત્યા આ મનોજભાઇએ સહદેવને કહેલ કે તારે સમજવું છે કે નહી તેમ કહી સહદેવ તથા મહેશભાઈ સાથે બોલાચાલી કરેલ બાદ આ શખ્સોએ ઝપાઝપી કરવા લાગેલ બાદ મહેશભાઈને મનોજભાઇએ બહાર પડેલ એક ઈંટ લઇને મને મોઢાના ભાગે છુટો ધા મારી દીધો હતો.બાદ તેમને ચક્કર આવતા તેઓ નીચે પડી જતા કપાળના ભાગે જમણી આંખના નેણ ઉપર લાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું.ત્યારબાદ મને 108 એમ્બયુલન્સમાં સિવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે લાવ્યા હતા.

આ સમગ્ર બનાવમાં મહેશભાઇના નાના પુત્ર દિશાંતે આક્ષેપ કરતા કહ્યું હતું કે,પ્રકાશ,તેનો ભાઇ મનોજ સહિતનાઓ દેશી દારૂનો ધંધો કરે છે અને છાશવારે આ વિસ્તારમાં ધમાલ કરી લોકોને પરેશાન કરે છે. ઘટનાની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સ્થળ પર દોડી ગયા હતા અને દારૂના ધંધાર્થી સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટ,પીએસઆઈ કે.ડી.મારુ અને એએસઆઈ એ.વી.બકુત્રા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સારવારમાં રહેલા મહેશભાઈની ફરિયાદ લઈ ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાઈ ધરપકડ કરવા તજવીજ આદરી છે.

► આરોપી પ્રકાશ અને મનોજ દેશીદારૂના ધંધા કરતા હોવાનો વૃદ્ધ મહેશભાઈના નાના પુત્રનો આક્ષેપ:રાત્રે પોલીસ દોડી ગઈ ચાર શખ્સો સામે ગુન્હો


Related News

Advertisement
Advertisement
Advertisement