સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર ચંદ્રેશ ઉર્ફે લાલા ડોડીયાને અંતિમ શ્ર્વાસ સુધી કારાવાસની સજા

24 November 2022 05:11 PM
Rajkot Elections 2022 Politics
  • સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર ચંદ્રેશ ઉર્ફે લાલા ડોડીયાને અંતિમ શ્ર્વાસ સુધી કારાવાસની સજા

કોઠારીયા સોલવન્ટની ધો.7માં ભણતી સગીરાને આરોપી અપહરણ કરી રાજકોટથી જૂનાગઢ લઈ ગયેલો અને સાતથી આઠ વખત દેહ પિંખ્યો હતો

► સરકારી વકીલ એસ.કે. વોરાની ધારદાર દલીલો ધ્યાને લઇ રાજકોટની સ્પે.પોકસો કોર્ટના ન્યાયમૂર્તિ જે.ડી.સુથારે સજાનો હુકમ કર્યો

રાજકોટ, તા.24
રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર ચંદ્રેશ ઉર્ફે લાલો ભીખાભાઈ ડોડીયાને અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા પડી છે. કોઠારીયા સોલવન્ટની ધો.7માં ભણતી સગીરાને આરોપી અપહરણ કરી રાજકોટથી જૂનાગઢ લઈ ગયેલો અને સાતથી આઠ વખત દેહપિંખ્યો હતો. સરકારી વકીલ એસ.કે. વોરાની ધારદાર દલીલો ધ્યાને લઇ રાજકોટની સ્પે.પોકસો કોર્ટના ન્યાયમૂર્તિ જે.ડી.સુથારે સજાનો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ 15 વર્ષની દલિત સગીરા સાતમા ધોરણમાં ભણતી સગીરાને આરોપી ચંદ્રેશ ઉર્ફે લાલો ભીખાભાઈ ડોડીયા સાથે મિત્રતા થઈ ગયેલ. શરૂઆતની મિત્રતાના દિવસોમા આરોપી સગીરા સાથે શારીરીક અડપલા કરતો હતો પરંતુ નવરાત્રીના દિવસોમાં ગરબીની પ્રેકટીસમાં જવા માટે સગીરા પોતાના ઘરેથી બહાર ગયેલ હતી. આ પરિસ્થિતિનો લાભ લઈ આરોપીએ સગીરાનું બાવળુ પકડ્યું હતું. આથી સગીરાની માતાએ આરોપીને ધમકાવતા આરોપીએ જણાવેલ કે જુનાગઢ મારા બાપનું છે અને હું ભાગી જઈશ તો કોઈ શોધી શકશે નહી.

આ બનાવ બાદ બીજા દિવસે સગીરા વહેલી સવારે પોતાના ઘરે મળી આવેલ નહી. આથી સગીરાની માતાએ તપાસ કરતા આરોપી ચંદ્રેશ તેણીને ભગાડી ગયો હોવાની જાણ થયેલી. જે પછી આશરે એક માસ બાદ આરોપી અને સગીરા મળી આવતા તેણી સાથે તેણીની મરજી વિરુદ્ધ સાત થી આઠ વખત આરોપીએ બળાત્કાર કરેલ હોવાનુ જણાવેલ. આ અંગે પોલીસ તપાસ બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજુ થયેલ હતું.

કેસ ચાલતા સરકારી વકીલ એસ.કે.વોરાએ દલીલ કરેલ કે, પોલીસ તપાસ દરમ્યાન ભોગ બનનારની મેડીકલ તપાસણી વખતે જયારે તેણીના ગુપ્ત ભાગોમાંથી આરોપીના સીમેન મળી આવેલ હોય ત્યારે પ્રોસીકયુશનનો આખો કેસ મેડીકલ એવીડન્સથી સાબિત થાય છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે જયારે સગીર વયની બાળાઓ ઉપર થતા શારીરીક શોષણને અટકાવવા માટે ખાસ પ્રકારના કાયદા ઘડેલ હોય ત્યારે પ્રોસીકયુશનના કેસમાં નાની નાની ત્રુટીઓને કોઈ મહત્વ આપી શકાય નહિ. આ દલીલો ધ્યાને લઇ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ જે.ડી.સુથારએ આરોપી ચદ્રેશ ઉર્ફે લાલો ડોડીયાને ઈ.પી.કો. કલમ- 376 અને પોકસા એકટની કલમ- 4 અને 6 હેઠળ ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી આજીવન કેદ હેઠળ અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદની સજા ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement