સોનીબજારમાં ખોટી હેરાનગતિ નહીં થાય: ખાતરી બાદ ‘બંધ’ મુલત્વી

24 November 2022 05:13 PM
Rajkot
  • સોનીબજારમાં ખોટી હેરાનગતિ નહીં થાય: ખાતરી બાદ ‘બંધ’ મુલત્વી
  • સોનીબજારમાં ખોટી હેરાનગતિ નહીં થાય: ખાતરી બાદ ‘બંધ’ મુલત્વી
  • સોનીબજારમાં ખોટી હેરાનગતિ નહીં થાય: ખાતરી બાદ ‘બંધ’ મુલત્વી

એફએસટી તથા એસએસટી સ્કવોડને વેપારીઓને હેરાન થાય તેવી કામગીરી નહીં કરવાની સૂચના: ઝવેરીઓએ પણ આક્રમક અભિગમ છોડીને સૂચિત બંધનો નિર્ણય પાછો ખેંચ્યો

રાજકોટ તા.24
ચૂંટણી આચારસંહિતાના નામે વિવિધ વિભાગોની હેરાનગતિ સામે વિફરેલા જવેલર્સોએ સોનીબજાર બેમુદતી બંધ કરવાની ચીમકી ઉચ્ચારતાની સાથે જ તંત્ર ‘સીધુદોર’ થઈ ગયુ હોય તેમ આજે બીનજરૂરી ચેકીંગ અટકાવી દેવામાં આવ્યુ હતું તેના પગલે ઝવેરીઓને પણ હળવો કરીને સૂચિત બંધનું એલાન મોકુફ રાખવાનુ જાહેર કર્યુ હતું.

ગુજરાતમાં આગામી 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ પાડવામાં આવી હતી. છેલ્લા કેટલાંક દિવસોથી આચારસંહિતાના નામે સોનીબજારમાં આડેધડ ચેકીંગ થતા અને સોની વેપારીઓ-કારીગરોને પારાવાર મુશ્કેલી સર્જાતા ઝવેરીઓ-કારીગરોને પારાવાર મુશ્કેલી સર્જાતા ઝવેરીઓમાં આક્રોશ ભભુકી ઉઠયો હતો. માર્કેટમાંથી પસાર થતા વેપારીઓના ખીસ્સા ફંફોસવા-જડતી લેવા તથા ગ્રાહકોની પણ પુછપરછ જેવા ઘટનાક્રમોથી ભડકો સર્જાયો હતો.

ગોલ્ડ ડીલર્સ એસોસીએશન, જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન, સુવર્ણકાર સંઘ જેવા સંગઠનોએ સંયુક્ત રીતે બેમુદતી બંધનું એલાન આપવાનો મિજાજ દર્શાવ્યો હતો અને આ માટે તંત્રને અલ્ટીમેટમ અપાયુ હતું. જીલ્લા કલેકટર તથા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવા સાથે રૂબરૂ રજુઆત પણ કરવામાં આવી હતી. ખોટી કનડગત બંધ ન થાય તો સોનીબજાર પેલેસ રોડ બેમુદતી બંધ રાખવાની ચીમકી આપી હતી.

ઝવેરીઓના આક્રોશ તથા આક્રમક મિજાજનો પડઘો પડયો હોય તેમ ચૂંટણી અધિકારી દ્વારા ખોટી કનડગત ન થાય તે જોવાની બાહેંધરી આપી હતી. આટલુ જ નહિં વેપારીઓની રજુઆત અંતર્ગત ખોટી હેરાનગતિ થતી હોય તે પ્રકારની કાર્યવાહી કરવા સંબંધીત વિભાગોની સ્કવોડને સુચના આપવામાં આવી હતી.

ગોલ્ડ ડીલર્સ એસો.તથા જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશનને આ પ્રકારની લેખીત ખાતરી આપવામાં આવતા સંગઠનોએ સુચિત હડતાળ મોકુફ રાખવાનું જાહેર કરી દીધુ હતું.સંગઠનના હોદેદારોએ કહ્યું કે ચૂંટણીનાં દુષણો રોકવા માટે પંચ પગલા લે કે કાર્યવાહી કરે છે. પરંતુ આચાર સંહીતાનાં નામે બીનજરૂરી હેરાનગતિ થતા તથા વેપાર ધંધાને અસર થતાં નાછૂટકે આક્રમક વલણ અપનાવવુ પડયુ હતું.

સોનીબજારના વેપારીએ કહ્યું કે કેટલાંક દિવસોથી માંડવીચોક, કોઠારીયાનાકા, પેલેસરોડ જેવા સોનીબજારના વિસ્તારોમાં ચેકીંગ સ્કવોડના સતત ધામા રહેતા હતા અને પસાર થતા વેપારીઓ-વાહન ચાલકોની ઝડતી લેવાતી હતી પરંતુ આજે સોનીબજારમાં એકપણ ચેકીંગ સ્કવોડ ન હતી. પરીણામે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્યારે લગ્નની ભરસીઝન છે અને માર્કેટ સતત ધમધમતું રહે છે તેવા સમયે બીનજરૂરી ચેકીંગ સામે વાંધો હતો. આજે માર્કેટમાં કયાંય ચેકીંગ ન હતું.

ઝવેરીઓને લેખિત બાંહેધરી
સોનીબજારમાં આડેધડ ચેકીંગ અને બંધની ચિમકીના ઘટનાક્રમ બાદ હવે તંત્ર દ્વારા બીનજરૂરી હેરાનગતિ ન થાય તેની બાંહેધરી આપવામાં આવી હતી. એફએસટી તથા એસએસટીની ટીમોને કનડગત ન થાય અને નિયમાનુસારની કાર્યવાહી કરવાની સૂચના આપી હોવાની લેખિત ખાતરી આપવામાં આવતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

સોનીબજાર; અહીં ચેકીંગ સ્કવોડના ધામા રહેતા, આજે એકપણ નહીં
સોનીબજારમાં કેટલાક દિવસોથી જુદા-જુદા સ્થળોએ ચૂંટણી-ચેકીંગ સામે આક્રોશ ઉભો થયો હતો. માંડવી ચોક, કોઠારીયાનાકા, પેલેસરોડ જેવા સ્થળોએ તો ચેકીંગ સ્કવોડના ધામા જ રહેતા હતા. વેપારીઓ-ગ્રાહકો-સામાન્ય લોકોને પારાવાર પરેશાનીમાં મુકાવુ પડયુ હતું. વિફરેલા વેપારીઓએ બંધની ચીમકી ઉચ્ચારતા જ તંત્ર ઢીલુ પડયુ હોય તેમ ચેકીંગ હળવુ કરી દેવાયુ છે. સોનીબજારમાં આજે કયાંય ચેકીંગ ટીમો ન હોવાથી વેપારીઓએ રાહત અનુભવી હતી.(તસ્વીર: દેવેન અમરેલીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement