બબ્બે લોકોને મરવા માટે મજબૂર કરનાર વ્યાજખોર પકડાયો યુનિવર્સિટી પોલીસ ન કરી શકી, ક્રાઈમ બ્રાન્ચે કરી બતાવ્યું

24 November 2022 05:14 PM
Rajkot
  • બબ્બે લોકોને મરવા માટે મજબૂર કરનાર વ્યાજખોર પકડાયો યુનિવર્સિટી પોલીસ ન કરી શકી, ક્રાઈમ બ્રાન્ચે કરી બતાવ્યું

દોઢ વર્ષ પહેલાં 10 લાખ રૂપિયા ઉંચા વ્યાજે આપ્યા હોવાની કબૂલાત: ગેરકાયદે હથિયાર રાખવા, દારૂ પીને ડિંગલ કરવા, દુકાન સળગાવી નાખવા, ધર્મ વિશે ઘસાતું બોલવા, ધાક-ધમકી આપવાના અનેક ગુનામાં સંજયસિંહ ઝાલાની સંડોવણી: રિમાન્ડ પર લેવા તજવીજ

રાજકોટ, તા.24
રાજકોટને હચમચાવી નાખે તેવી ઘટના ગત શનિવારે આકાર લઈ જવા પામી હતી. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા મીલાપનગર-1માં રહેતાં અને ઢેબર રોડ વન-વેમાં ધોળકિયા ઝેરોક્ષ નામની દુકાન ધરાવતાં કીર્તિભાઈ ધોળકીયા, તેમના પત્ની માધુરીબેન ધોળકીયા અને પુત્ર ધવલ ધોળકીયાએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી પોતાના જ ઘરમાં મધરાત્રે સામૂહિક વિષપાન કરી લીધા બાદ સારવાર દરમિયાન માધુરીબેન અને ધવલનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું તો કીર્તિભાઈ હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. કીર્તિભાઈ ધોળકીયાને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર કુખ્યાત શખ્સ સંજયરાજસિંહ ઉર્ફે ચીન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા સહિતના ચાર વ્યાજખોરોના નામ ખુલ્યા હતા પરંતુ ચારમાંથી એક આરોપીને પકડી યુનિવર્સિટીએ સંતોષ માની લેતાં પોલીસની કામગીરી ઉપર મોટો પ્રશ્ર્નાર્થ મુકાઈ ગયો હતો.

બીજી બાજુ બેફામ વ્યાજખોરી કરવા ઉપરાંત ગેરકાયદેસર હથિયાર રાખવા, મારામારી કરવા, દારૂ પીને ડીંગલ કરવા, ધર્મ વિશે ઘસાતું બોલવા, ધાક-ધમકી આપવાના ચારેક જેટલા ગુનામાં સંડોવાઈ ચૂકેલો સંજયરાજસિંહ ઝાલાને યુનિવર્સિટી પોલીસ પાંચ દિવસથી પકડી શકી નહોતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તેના પર ધોંસ બોલાવી તાત્કાલિક ધરપકડ કરીને યુનિવર્સિટી પોલીસને તેની સોંપણી કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ કે.ડી.પટેલ, એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ પઢારીયા, વિજયભાઈ મેતા સહિતના સ્ટાફે લક્ષ્મીવાડી શેરી નં.7/16 કોર્નર ઉપર રહેતાં અને ટ્રાવેલ્સનો ધંધો કરતાં સંજયરાજસિંહ ઉર્ફે ચીન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.28)ને દબોચી લીધો હતો. સંજયસિંહ ઝાલા સામે ભક્તિનગર પોલીસ મથકમાં બે તો ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ મથકમાં એક-એક ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે તેણે દોઢેક વર્ષ પહેલાં કીર્તિભાઈ ધોળકીયાને વ્યાજ ઉપર 10 લાખ રૂપિયા આપ્યા હતા. આ પછી તે વ્યાજની નિયમિત વસૂલાત પણ કરતો હતો.

જો કે થોડા સમયથી કીર્તિભાઈ વ્યાજ કે મુદ્દલ પરત કરી શકતા ન હોવાથી તેની પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી હતી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની વારંવાર ધમકી આપતો હોવાથી તેના ત્રાસથી કંટાળી ધોળકિયા પરિવારે સામૂહિક વિષપાન કરી લીધું હતું. બીજી બાજુ આટલો ગંભીર બનાવ આકાર લઈ ગયો હોવા છતાં યુનિવર્સિટી પોલીસે આ ગુનાના બીજા દિવસે ચાર પૈકીના એક વ્યાજખોર એવા ધવલ મુંધવાની ધરપકડ કરી હતી પરંતુ વ્યાજનો અજગરી ભરડો સોની પરિવાર પર લાવનાર સંજયસિંહ ઝાલા, મહેબુબશા સહિતના ફરાર હોય તે શા માટે પકડાઈ રહ્યા નહીં હોય તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા હતા. જો કે ક્રાઈમ બ્રાન્ચે કોઈની શેહ-શરમ રાખ્યા વગર સંજયસિંહ ઝાલાને દબોચી લઈ તેની સોંપણી યુનિવર્સિટી પોલીસને કરતાં હવે તેના રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે હવે યુનિવર્સિટી પોલીસ સંજયસિંહ સાથે કેવું વલણ અખત્યાર કરે છે તે તો આવનારો સમય જ કહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement