તમારા પટ્ટા-ટોપી ઉતરાવી દઇશ : પોલીસ સાથે ઝપાઝપી કરનાર મોરબીના નીરવે રાત લોકઅપમાં વિતાવી

24 November 2022 05:19 PM
Rajkot
  • તમારા પટ્ટા-ટોપી ઉતરાવી દઇશ : પોલીસ સાથે ઝપાઝપી કરનાર મોરબીના નીરવે રાત લોકઅપમાં વિતાવી

મોરબી રોડ પરની કાગદડી ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમાં હતા ત્યારે પુરઝડપે આવી રહેલી કારને રોકવાનો પ્રયાસ કરતા ઉભી ન રાખી:પોલીસે પીછો કરી કાર રોકી ત્યારે આરોપી નિરવે કહ્યું પોલીસ મારૂ કાંઈ કરી નહીં શકે:પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ,તા.24
ચૂંટણીના માહોલ વચ્ચે મોરબી રોડ પર ચેકપોસ્ટ પાસે મોરબીના વેપારીએ પોલીસ જમાદાર સામે રોફ જમાવતા ફરજમાં રુકાવટ બદલ તેને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસમેન આર.એ.ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં,તેઓ અન્ય કર્મચારીઓ સાથે મોરબી હાઇવે પર કાગદડી ચેક પોસ્ટ પર ફરજ પર હતા.

ત્યારે તે સમયે અહીંથી એક કાર પૂરઝડપે કાવો મારી ચેક પોસ્ટ પરથી ભાગી ગઈ હતી.જેથી મોરબી રોડ પર પેટ્રોલિંગ કરી રહેલી અન્ય પોલીસને જાણ કરતા તેમને કારને અટકાવી રોકી હતી.બાદમાં પોતે પણ પાછળ પાછળ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ તમને ઊભા રહેવાનો ઇશારો કરવા છતાં કેમ કાર ઊભી ન રાખી,તમારૂ નામ શું છે તેમ પૂછતા તે ચાલક વાણીવિલાસ કરવા લાગ્યો હતો અને પોલીસ મારૂં કાંઇ પણ કરી શકશે નહિ,મારી કાર ઊભી રાખું કે ન રાખું,તમારા બાપનો રોડ નથી તેમ કહી ઝઘડો કર્યો હતો.ત્યારે સાથે રહેલા હેડકોન્સ્ટેબલ વિક્રમભાઇ સાથે ચાલકે ઝઘડો કરી ઝપાઝપી કરી પાટા મારી વિખોડિયા ભરી લીધા હતા અને તમારા બધાના પટ્ટા-ટોપી ઉતરાવી દઇશ, તમે મને ઓળખતા નથી હું કોણ છું,તમને બધાને જોઇ લઇશની ધમકી આપી હતી.

ચાલકના ગેરવર્તન બાદ તેને પોલીસ મથક લઇ જવાયો હતો.ત્યાં પણ તેને તેનું નામ કહેવાને બદલે ખિસ્સામાંથી આધારકાર્ડ કાઢી વાંચી લ્યો આમા નામ છે તેમ કહ્યું હતું.જેમાં નજર કરતા તે શખ્સ મોરબીના રવાપર રોડ પર આવેલી શારદા સોસાયટીમાં રહેતો અને વેપાર કરતો નિરવ દિનેશ બકરાણિયા હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં તેની સામે ઝપાઝપી કરી ધમકી આપી ફરજમાં રુકાવટ કર્યાનો ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે તેમણે રાત લોકઅપમાં વિતાવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement