ગોંડલ ચોકડી પાસે બાઇક ચાલકે આહીર પરિવારને હડફેટે લીધો : સાત વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત

24 November 2022 05:20 PM
Rajkot Crime
  • ગોંડલ ચોકડી પાસે બાઇક ચાલકે આહીર પરિવારને હડફેટે લીધો : સાત વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત

હિટ એન્ડ રનનો બનાવ

► રોનક તેના નાના-નાની સાથે રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલા બાઇક ચાલકે ઉડાડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત

► ઇજાગ્રસ્ત દંપતીને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા: મૃતક બાળક તેના નાનાના ઘરે રહી અભ્યાસ કરતો ’તો’: પરિવારમાં શોક

► આજીડેમ પોલીસે તપાસ કરતા અકસ્માત સર્જનાર બાઈકચાલક ઘવાયો હોવાનું ખુલ્યું
રાજકોટ તા.24
ગોંડલ ચોકડી પાસે થયેલ અકસ્માત અંગે આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઈ. પરમાર અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા બાઈકચાલક પણ અકસ્માત સર્જયા બાદ રોડ પર પટકાયો હતો અને તેને પણ શરીરે ઈજા પહોંચતા સારવારમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હોવાનું ખુલ્યુ હતું. જે અંગે બાઈક ચાલક સામે ગુનો નોંધવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

રાજકોટ. તા.24
ગોંડલ ચોકડી પાસે વધું એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં નાના અને નાની સાથે રોડ ક્રોસ કરતાં સાત વર્ષના બાળકને અજાણ્યાં બાઇક ચાલકે હડફેટે ચડાવતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના નાના અને નાનીને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.

બનાવની વિગત અનુસાર, રાજકોટના ગોંડલ રોડ બાયપાસ પાસે આવેલ ગણેશ સોસાયટીમાં રહેતાં હાજાભાઈ માંડણભાઈ જીલરીયા (ઉ.વ.53) તેમના પત્ની જયાબેન (ઉ.વ.50) અને તેનો દોહીત્ર રોનક દિપક કાનગડ (ઉ.વ.7) સાથે ગતરાત્રે 9 વાગ્યાની આસપાસ ગોંડલ ચોકડી પાસે આવેલ રાધા મીરા હોટલ સામે રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે પુરપાટ ઝડપે આવેલ અજાણ્યાં બાઇક ચાલકે હડફેટે લેતાં ત્રણેય રોડ પર પટકાયા હતાં. જેમાં સાત વર્ષના રોનકને માથામાં ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળેજ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

જ્યારે હાજાભાઈ અને તેમના પત્ની જયાબેનને શરીરે ઇજા પહોંચી હતી. બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી અકસ્માત સર્જનાર અજાણ્યાં બાઇક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

વધુમાં ઇજાગ્રસ્તના સબંધીએ જણાવ્યા અનુસાર હાજાભાઈ તેના પત્ની અને દોહીત્ર સાથે મેંદરડા ગયાં હતાં જ્યાંથી ગતરાત્રીના પરત ફર્યા હતાં. જેઓ બસમાં ગોંડલ ચોકડીએ ઉતરી તેના ઘરે આવવા રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો.

મૃતક રોનકના પિતા દીપકભાઈ પેથાભાઈ ધોરાજીના છાડવાવદર ગામે રહે છે અને ખેતી કામ કરે છે. રોનક તેના નાનાના ઘરે રહી એચ.કે.જી.માં અભ્યાસ કરતો હતો.તેમજ તે બે ભાઈમાં મોટો હતો જેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમજ ઇજાગ્રસ્ત હાજાભાઈ ડ્રાઇવિંગ કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર બે પુત્રી છે


Related News

Advertisement
Advertisement
Advertisement