ચૂંટણી ફરજમાં રોકાયેલા 26,000 કર્મચારીઓનું કાલે મતદાન પૂર્ણ : તાલીમ પણ પૂરી થશે

24 November 2022 05:22 PM
Rajkot
  • ચૂંટણી ફરજમાં રોકાયેલા 26,000 કર્મચારીઓનું કાલે મતદાન પૂર્ણ : તાલીમ પણ પૂરી થશે

મંગળવારે ચૂંટણી સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન : મતદાન બુથો ફાળવાશે : પેરામીલેટ્રી ફોર્સની 9 કંપનીઓનું આગમન : જિલ્લાના 14 જેટલા વૃધ્ધાશ્રમોમાં મતદાનની અપીલ કરાશે : મતદારોને વોટર સ્લીપનું વિતરણ કાલ સુધીમાં પૂર્ણ કરાશે-જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ

રાજકોટ,તા. 24
રાજકોટ શહેર-જિલ્લામાં વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી ફરજ પર તૈનાત કરાયેલા કર્મચારીઓ-અધિકારીઓને હાલ ચૂંટણી સંદર્ભે તાલીમ આપવામાં આવી રહી છે. તેની સાથોસાથ આ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી પોતાના પસંદગીના ઉમેદવારોને મતદાન કરી રહ્યા છે. રાજકોટમાં સરકારી પોલીટેકનીક, વિરાણી હાઇસ્કૂલ, પીડી માલવિયા કોલેજ અને આત્મીય કોલેજ ખાતે આજે સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ આ અંગે જણાવ્યું હતું કે આવતીકાલ તા. 25ના ચૂંટણી કર્મચારીઓની તાલીમ પૂર્ણ થશે. તેની સાથોસાથ કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા પણ પૂર્ણ થઇ જશે. આવતીકાલ સાંજ સુધીમાં 26,000 કર્મચારીઓનું મતદાન પૂર્ણ થશે. કર્મચારીઓને તાલીમ વર્ગમાં ઇવીએમ અને વીવીપેટની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત આગામી તા. 29 ને મંગળવારે ઓબ્ઝર્વર અને ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં કર્મચારીઓનું થર્ડ રેન્ડમાઇઝેશન થશે. દરેક કર્મચારીઓને મતદાન બુથોની ફાળવણી કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે. પેરામીલીટ્રી ફોર્સની 9 કંપનીઓનું આગમન થઇ ચૂક્યુ છે. અગાઉ પેરામીલેટ્રી ફોર્સની 7 કંપનીઓ આવી હતી જે બાદ હવે વધુ બે કંપનીઓ આવેલ છે.

લોકશાહીમાં મતદાન થકી નાગરિકોની સહભાગીતા વધારવા પર ભાર મુકતા જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ વિશેષમાં જણાવ્યું હતું કે વૃધ્ધ લોકોનું મતદાન વધે તે માટે જિલ્લાના 14 જેટલા વૃધ્ધાશ્રમોમાં પણ મતદાનની અપીલ કરવામાં આવશે. આ વૃધ્ધોને મતદાન માટે તકલીફ ન પડે તે માટે જરુરી વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement