શેરબજારમાં ઓલરાઉન્ડ લેવાલીથી તેજીનો રેકોર્ડ: સેન્સેકસ-નિફટી વર્ષની ઉંચાઈએ

24 November 2022 05:24 PM
Business India
  • શેરબજારમાં ઓલરાઉન્ડ લેવાલીથી તેજીનો રેકોર્ડ: સેન્સેકસ-નિફટી વર્ષની ઉંચાઈએ

સેન્સેકસ 717 પોઈન્ટ ઉંચકાયો: બીકાજી 10 ટકા ઉછળ્યો

રાજકોટ તા.24
મુંબઈ શેરબજારમાં આજે તેજીની હેટ્રીક સર્જાવા સાથે મોટાભાગના શેરો ઉંચકાયા હતા. જેને પગલે સેન્સેકસ તથા નિફટી વર્ષની નવી ઉંચાઈએ પહોંચી ગયા હતા.
શેરબજારમાં આજે માનસ તેજીનુ હતું. શરૂઆત પોઝીટીવ હતી. વિશ્ર્વબજારની તેજીનો પડઘો હતો. ઘરઆંગણે અર્થતંત્ર ધમધમી જ રહ્યું છે અને કરવેરા વસુલાત બજેટના અંદાજ કરતા પણ ચાર લાખ કરોડ વધુ થાય તેમ હોવાના સંકેતોનો સાનુકુળ પડઘો પડયો હતો.

વૈશ્ર્વિક મંદીની અસર અટકાવવામાં મદદ મળવાનો આશાવાદ હતો. મોંઘવારી, વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી જેવા નેગેટીવ કારણોની કોઈ અસર ન હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે એટલું જ નહીં આવતા ત્રિમાસિક પરિણામો વધુ સારા આવવાનો આશાવાદ વ્યક્ત થતો હતો તેની પણ સારી અસર છે.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં લાવ-લાવ હોય તેમ ઓલરાઉન્ડ લેવાલીથી ઉછાળો હતો. એપોલો હોસ્પીટલ, ભારત પેટ્રો, એચડીએફસી, હિન્દ લીવર, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મહીન્દ્ર, નેસલે, પાવરગ્રીડ, રીલાયન્સ, ટીસીએસ, ટેક મહીન્દ્ર, એશિયન પેઈન્ટસ વગેરે ઉંચકાયા હતા. બીકાજી 10 ટકા ઉંચકાયો હતો. તેજીબજારે કોટક બેંક, સીપ્લા, કોલ ઈન્ડીયા, કોટક બેંક, બજાજ ફાઈનાન્સ નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 717 પોઈન્ટના ઉછાળાથી 62227 હતો તે ઉંચામાં 62243 તથા નીચામાં 61600 હતો. નિફટી 213 પોઈન્ટ ઉંચકાઈને 18480 હતો તે ઉંચામાં 18485 તથા નીચામાં 18294 હતો. સેન્સેકસ તથા નિફટી બન્ને નવી ઉંચાઈએ પહોંચ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement