મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક ? સભા પર જ ડ્રોન ઉડતું હતું

25 November 2022 11:31 AM
Ahmedabad Elections 2022 Gujarat Politics Rajkot
  • મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક ? સભા પર જ ડ્રોન ઉડતું હતું

♦ વડાપ્રધાનની બાવળા સભાના ‘નો-ફલાય’ ઝોનમાં ડ્રોન ઉડાડતા ત્રણની ધરપકડ

♦ અમદાવાદના ત્રણ યુવકો ફોટોગ્રાફીના અભ્યાસ માટે ડ્રોન ઉડાડતા હતા : પોલીસના નજરમાં ડ્રોન આવી જતા નીચે ઉતરાવી ચકાસાયું

♦ ડ્રોનમાં વિસ્ફોટક કે વાંધાજનક ચીજો ન મળી : વડાપ્રધાનની સુરક્ષા ટીમ દ્વારા પણ પુછપરછ : અમદાવાદના ત્રણ યુવકો કોઇ ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા નથી

રાજકોટ, તા. 25
ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદના બાવળામાં યોજાયેલી સભા સમયે ઓચિંતા જ સભા સ્થળ પર એક ડ્રોન નજરે ચડતા જ પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને આ ડ્રોન ઉડાડતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડાપ્રધાનની મુલાકાત સમયે આસપાસના વિસ્તારોમાં બે કિલોમીટરનો વિસ્તાર નો-ફલાય ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.

ગઇકાલે સાંજે 4-30 કલાકે અમદાવાદ ગ્રામ્ય પોલીસના એક જવાનના નજરમાં સભા સ્થળ પર એક માઈક્રો ડ્રોન ઉડતું હોવાનું નજરે ચડતા જ પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને સભા ગ્રાઉન્ડની નજીક જ મેઇન રોડ પરથી ત્રણ યુવકો આ ડ્રોન ઉડાડી રહ્યા હોવાનું જાહેર થયું હતું. તૂર્ત જ અહીં ધસી આવેલ પોલીસ ટુકડીએ તૂર્ત જ ડ્રોન હવામાંથી નીચે ઉતરાવી લીધું હતું અને સુરક્ષા ટીમે તૂર્ત જ ડ્રોનની ચકાસણી કરી હતી પરંતુ તેમાં કોઇ વિસ્ફોટક કે અન્ય કોઇ હાનિકારક પદાર્થો મળી આવ્યા ન હતા.

પોલીસ ટીમે જાહેર કર્યું હતું કે આ ડ્રોન ફક્ત ફિલ્મ ઉતારવા માટેનું હતું અને તે વીડિયો કેમેરા સિવાય અન્ય કોઇ ડીવાઈસ ધરાવતુ ન હતું. તમજ કોઇ પ્રતિબંધાત્મક વસ્તુઓ પણ ડ્રોનમાંથી મળી આવી ન હતી. આ તમામ ત્રણ લોકો સભાથી થોડેક દૂર આ ડ્રોન ઉડાડી રહ્યા હતા. તેમની પુછપરછમાં તમામે સ્વીકાર્યું કે તેઓ સામાન્ય ફોટોગ્રાફી માટે આ ડ્રોન ઉડાડી રહ્યા હતા તેઓને ખ્યાલ ન હતો કે આ પ્રતિબંધાત્મક વિસ્તાર છે.

પોલીસે આ ત્રણેય લોકો કે જેના નામ નિપુલ રમેશભાઈ પરમાર (અમદાવાદ), રાકેશ કાળુભાઈ ભરવાડ (અમદાવાદ) અને રાજેશકુમાર પ્રજાપતિ (અમદાવાદ)ની હાલ ધરપકડ કરી છે અને તેમની સામે ભારતીય ફોજદારાની કલમ 188 મુજબ પ્રતિબંધાત્મક વિસ્તારમાં ડ્રોન ઉડાડવા અંગેનો કેસ દાખલ કરાવ્યો છે. આ તમામ ત્રણનો કોઇ ગુનાહીત ભુતકાળ ન હતો કે તેઓ કોઇ પાર્ટી કે સંગઠન સાથે સંકળાયેલા નથી.

તેમનો ઇરાદો પણ ડ્રોન મારફત કોઇ નુકસાન પહોંચાડવાનો ન હતો પરંતુ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. વડાપ્રધાન સુરક્ષા ટીમે પણ આ ત્રણેયની પુછપરછ કરી હતી. અને ડ્રોન પણ ચકાસ્યું હતું પરંતુ કોઇ પણ વાંધાજનક નહીં મળતા અંતે તેને સ્થાનિક પોલીસને સુપ્રત કરી દેવામાં આવ્યા હતા. બાવળા ખાતેની આ સભા સમયે સર્જાયેલી આ પ્રકારની ઘટનાએ વડાપ્રધાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે તેમજ હવે તમામ સભાઓની આસપાસ સ્થાનિક પોલીસ ઉપરાંત એસએનજીના કમાન્ડો પણ તેમના રડાર મારફત નજીકના આકાશી પદાર્થની શોધ કરશે.

મોદીની સભાની વીડિયોગ્રાફી કરવા ભાજપે કામગીરી સોંપી હતી ?
અમદાવાદના બાવળામાં જે ત્રણ વ્યક્તિઓ વડાપ્રધાનની સભા પર ડ્રોન ઉડાડતા નજરે ચડ્યા તેમાં ચર્ચાતી વિગત મુજબ આ ત્રણેયને વડાપ્રધાનની સભાની વીડિયોગ્રાફી માટે ભાજપે રોક્યા હતા. વડાપ્રધાનની સભાઓનું ક્લીપીંગ બનાવીને ભાજપ પ્રચારમાં ઉપયોગકરે છે અને તેમાં આ ડ્રોન ફોટોગ્રાફીનો પણ સમાવેશ થાય છે અને તેથી જ આ ત્રણેયને વડાપ્રધાનની બાવળાની સભાનું ‘કવરેજ’ કરવા જણાવાયું હોવાનું માનવામાં આવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement