બોટાદ, તા. 25
107 બોટાદ વિધાનસભાની ચૂંટણી આડા ગણતરીના દિવસો બાકી રહ્યાછે. બોટાદ બેઠક ઉપર કુલ 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ છે. ભાજપમાંથી ઘનશ્યામભાઇ વિરાણી, કોંગ્રેસમાંથી મનહરલાલ પટેલ અને આપમાંથી ઉમેશભાઇ મકવાણા ચૂંટણી લડી રહ્યા છે.
બોટાદ બેઠક ઉપર પુરૂષ મતદારો 1પ1048 સ્ત્રી ઉમેદવાર, 140પપ6 દિવ્યાંગ મતદારો ર488 અને અન્ય 4 મતદારો મળી કુલ મતદારો ર91608 થાય છે.
ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઇ ચૂંટણી જેવો ચૂંટણીનો માહોલ જામ્યો નથી. બોટાદ ભાજપના આગેવાનો અગ્રણીઓ અને કાર્યકરોનો સહયોગ મળતો હોય તેવું જોવા મળતું નથી.
આ બેઠક છેલ્લા ચાર ટર્મથી ભાજપમાં પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ અને ડો. ટી.ડી.માણીયા ચૂંટાઇ આવતા હતા. ર017ની ચૂંટણીમાં સૌરભભાઇ પટેલને 79626 જયારે કોંગ્રેસના ડી.એમ.પટેલને 78717 તથા નાટોને 1334 મતો મળેલા.
બોટાદ શહેરમાં ગ્રામ્ય વિસતારોની સમસ્યા શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી બહારગામથી આવતા લોકો અને શહેરીજનો પોતાના વાહનોને રસ્તા ઉપર પાર્કિંગ કરે છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકનો વર્ષો જુનો માથાના દુ:ખાવા સમાન પ્રશ્ર્ન છે.
શહેરમાં એક બગીચો છે તે શહેરથી ખુબ જ દુર કૃષ્ણસાગર તળાવ પાસે હોવાથી શહેરીજનોને તેનો લાભ મળતો નથી. એક બગીચા શહેરમાં હોવો જોઇએ. તેવો શહેરીજનોનો મત છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું ખુબ જ વેચાણ થાય છે. જીલ્લામાં લઠ્ઠાકાંડમાં ત્રણ આંકડામાં લોકોના જાન ગયા છે. તેના ઘા હજુ રૂઝાણો નથી છતાં શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ પાણીની જેમ વેચાય છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અમુક રસ્તાઓ ખરાબ જે બનાવ્યા છે તેનું લેવલ નથી. શહેરમાં ગંદકીનું પ્રમાણ જયાં ત્યાં જોવા મળે છે. રીંગ રોડની વર્ષોથી વાતો ચાલે છે, નકશાઓ બને છે, કચેરીઓમાં મુકાય છે. પણ શુભ મુહૂર્ત આવતું નથી. શહેરમાં ટાવર વર્ષોથી બંધ છે. અમદાવાદથી બોટાદ બોડગેજ ચાલુ કરવામાં આવેલ છે. પણ ટ્રેનો ઓછી ફાળવેલ છે. તેનો રોષ શહેરમાં જોવા મળે છે.
શહેરમાં હાઇસ્કુલ પાસે સાળંગપુર જવાના રસ્તા સહિત પાળીયાદ રોડ, શાક માર્કેટ રોડ, મોટી બજાર, પાંજરાપોળ રોડ ઉપર જાહેર શૌચાલય નથી શહેરમાં એક પણ સીટી બસની સુવિધા નથી જે વર્ષો પહેલા સીટી બસ ચાલુ હતી.
શહેરમાં એક મોટી હોસ્પિટલની અને મેડીકલ કોલેજની તાતી જરૂરીયાત છે. છેલ્લે આ 107 બોટાદ વિધાનસભાની બેઠક ઉપર ભાજપનું પલ્લુ નમતું જોવા મળે છે, ફાઇટ રહેશે પણ વિજય તો ભાજપનો થશે તેવું જાણકારો કહી રહ્યા છે. ચૂંટણીના પાસાઓ વિચારીએ તો છેલ્લા ર0 વર્ષથી આ સીટ ભાજપ પાસે છે.
પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. કોળી પટેલના મતો આ વિસ્તારમાંથી સૌથી વધારે છે. જેમાં વિભાજન થાય તેમ માનવામાં આવે છે. પછી લેઉવા પટેલનું વધારે મતદાન છે. ભાજપના ઉમેદવાર લેઉવા પટેલના છે.
મોંઘવારી સહિતના મુદ્દા
બોટાદ વિધાનસભાની બેઠક ઉપરના મતદારો જુદી જુદી વાતો કરી રહ્યા છે. અમુક મતદારો કહે છે કે મોંઘવારીએ માઝા મુકી છે. મેડીકલ, શિક્ષણ, વિજળી, પેટ્રોલ, અનાજ, કરીયાણા, ગેસના બાટલાઓ ખુબ જ મોંઘા છે. આ સમયમાં ઘરનું રસોડુ કેમ ચલાવવું જયારે અમુક મતદારને મોંઘવારી નડતી નથી તેઓ સુરક્ષાની વાતો કરી રહ્યા છે. જયારે અમુક મતદારો કહે છે કે વર્ષોથી શહેરનો વિકાસ થયો નથી. તેવી વાતો કરે છે. જયારે અમુક મતદારો કહે છે તમામ સરકારી કચેરીઓમાં સાચુ કામ હોય તો પણ પૈસા વગર અને ધકકા ખાવા વગર થતું નથી. ભ્રષ્ટાચાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ઘણા જ પ્રશ્ર્નો અણઉકેલ પડયા છે. અમુક મતદારો કહે છે કે અમે મોદી સાહેબને જ મત આપવાના છીએ. જયારે અમુક મતદારો કહે છે કે પરીવર્તન લાવી આપને મત આપી વિજળી, મેડીકલ અને શિક્ષણની સુવિધાઓ મેળવીએ છેલ્લે અમુક મતદારો કહે છે કે રાજકીય આગેવાનો ચૂંટણીના સમયે મત માગવા આવે છે. ચૂંટણી પછી ગોતવા જઇએ તો પણ જડતા નથી. આવા આપણા રાજકીય નેતાઓ છે.