મોરબી તા.25
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી માળિયા ફાટક વચ્ચેના રસ્તે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાગ્રસ્ત થયેલા તુલસીભાઈ મગનભાઈ કુરિયા (21) રહે. સત્યમ મિનરલ રંગપરને ઇજાઓ થવાથી અહીંની સિવિલેથી વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોય બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે વીસીપરા રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કંચનબેન ખીમજીભાઇ ચૌહાણ નામની 35 વર્ષીય મહિલાને તેના ઘેર પતિ દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે સિવિલે ખસેડાઈ હતી જેથી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા તપાસ ચલાવી રહ્યા છે.
એસિડ પી લેતા
મોરબીના શકત શનાળા ગામે રહેતો મયુર ખીમજીભાઈ સોલંકી નામનો 22 વર્ષનો યુવાન તેના ઘેર કોઈ કારણોસર એસિડ પી ગયો હતો જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. એ ડિવિઝનના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
વૃદ્ધ સારવારમાં
પાનેલી ગામે રહેતા ધરમશીભાઈ હંસરાજભાઈ હડીયલ નામના 60 વર્ષના વૃદ્ધ ગામ નજીક પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરા વિસ્તારમાં રહેતા વિપુલાબેન હર્ષદભાઈ સોલંકી (40) નામના મહિલાએ તેના ઘેર કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા જેથી એ ડિવિઝનના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા સુમનબેન ગેલાભાઈ નૈયા નામના ત્રીસ વર્ષીય મહિલાને તેના ઘેર પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મજુર મહિલા સારવારમાં
જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ ખોડીયાર મિનરલ નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા રેવાબેન કાળુભાઈ તડવી નામના 56 વર્ષીય આધેડ મહિલાને મોડીરાત્રીના કામ દરમિયાન બંને પગ ઉપરથી ટ્રકના ટાયર ફરી વળતા સમર્પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસના જે.એમ.જાડેજા દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.