મોરબી તા.25
મોરબીના રવાપર ગામે નવી બની રહેલ બાંધકામ સાઇટના બીજા માળેથી નીચે પડી જતા મૂળ છત્તીસગઢના મજૂર યુવાનનું મોત નિપજયુ છે.
એ ડિવિઝન પોલીસ મથક ખાતે આજે સવારે બીપીનભાઈ કાવર નામના કોન્ટ્રાક્ટર દ્વારા જાણ કરવામાં આવી હતી કે, રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલથી આગળ વેલકમ પ્રાઇડ નામના નવા બની રહેલ બાંધકામ સાઇટની પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો છે. જેથી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ બનાવ સ્થળે તપાસ કરવામાં આવતા મૃતક યુવાનનું નામ હેમુસિંહ રઘુવીરસિંહ મરકામ આદિવાસી (ઉમર 22) હાલ રહે. વેલકમ પ્રાઇડ બીજા માળે રવાપર મોરબી મૂળ રહે બુધવારી તા.લોરમી જી.મૂંગેલી છત્તીસગઢ હોવાનું ખુલ્યું હતું. છ માળના બની રહેલ બાંધકામ સાઈટમાં મૃતક હેમોસિંહ આદિવાસી પોતાના કાકા સહિતના સગાઓની સાથે બીજા માળે રહેતો હતો અને ગતરાત્રિના પરિવારજનો સાથે સુતા બાદ આજે વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં કોઈ કારણસર હેમુસિંહ આદિવાસી બીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી તેનું મોત નિપજેલ છે. સંભવત: ઊંઘમાં કે બાથરૂમ કરવા નિચે ઉતરતા સમયે તે અકસ્માતે નીચે પડી ગયો હોવાના પ્રાથમિક અનુમાન સાથે તપાસ હાથ ધરવામાં આવેલ છે.
નવોઢા સારવારમાં
મોરબીના વજેપર શેરી નંબર 23 માં રહેતા મનિષાબેન વજુભાઈ પાંચિયા નામની 19 વર્ષીય પરણીતાએ તેના ઘેર કોઈ દવા પી લેતા તેણીને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે એ ડિવિઝનના એએસઆઈ જે.એ. ઝાલા દ્વારા મનિષાબેનનો લગ્નગાળો સાત માસનો જ હોય પોલીસ દ્વારા કારણ સંદર્ભે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા મોહનભાઈ દામજીભાઈ ડાભી નામના 79 વર્ષના વૃદ્ધ બજારમાંથી પરત પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટ લેતા સારવાર માટે ખસેડાયા હતા.
મારામારીમાં ઇજા
સુરેન્દ્રનગરના જાંબુડીયા ગામના વિક્રમ રામજીભાઈ ધાંધલ નામના 40 વર્ષના યુવાનને મોરબીના લાલપર ગામ પાસે મારામારીમાં ઇજાઓ પહોંચતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે પીપળીયા ચોકડી પાસે પેટ્રોલ પંપ પાસે રસ્તો બનાવવાનું કામકાજ કરતા સમયે ઊંચાઈએથી પડી જતા નવકુશ સત્યપ્રકાશ લોધી નામના 30 વર્ષના પરપ્રાંતીય મજૂરને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.