1971ના યુધ્ધમાં હાર બદલ પાક. સેના નહીં રાજકીય નેતૃત્વ જવાબદાર : જનરલ બાજવા

25 November 2022 02:06 PM
India World
  • 1971ના યુધ્ધમાં હાર બદલ પાક. સેના નહીં રાજકીય નેતૃત્વ જવાબદાર : જનરલ બાજવા

પાક. સૈન્યના નિવૃત થતા વડાએ કહ્યું કે બાંગ્લાદેશના સર્જન સમયે 93 હજાર નહીં 38 હજાર પાકિસ્તાની સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી : રાજકીય નેતૃત્વને સેનાની ટીકા કરતા સમયે સંયમ રાખવા સલાહ

ઇસ્લામાબાદ,તા. 25
પાકિસ્તાનમાં વિદાય લેતા સૈન્ય વડા જનરલ કમર જાવેદ બાજવાએ 1971ના ભારત સાથેના યુધ્ધમાં પાકિસ્તાનના કારમા પરાજય માટે રાજકીય નેતૃત્વ પર જવાબદારી નાખી છે. અને જણાવ્યું કે દેશના રાજકીય નેતૃત્વએ ભારત સાથે જ્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ કે યુધ્ધ હોય તે સમયે સંભાળીને આગળ વધવું જોઇએ. લગભગ છ વર્ષ સુધી પાકિસ્તાન સૈન્યના વડા રહી ચૂકેલા જનરલ બાજવા હવે નિવૃત થઇ રહ્યા છે અને તેઓએ 1971ના જંગમાં અનેક ખોટા અહેવાલો જાહેર કરાયા હતા તેવું પણ જણાવ્યું હતું.

પ્રથમ તેઓએ કહ્યું કે, પાકિસ્તાનના સૈનિકો કે જેઓએ બાંગ્લાદેશમાં ભારતીય સૈન્યના શરણે ગયા હતા તેની સંખ્યા 93 હજાર નહીં પરંતુ 34 હજાર હતી. આ લોકોએ અઢી લાખ ભારતીય સૈનિકો અને બે લાખથી વધુ મુક્તિ વાહીનીની સેનાના જવાનોનો મુકાબલો કર્યો હતો. તેમણે કહ્યું કે બહુ દુ:ખની વાત એ છે કે આ યુધ્ધ લડનાર સૈનિકોને હજુ સુધી કોઇ સન્માન મળ્યું નથી.

તેઓએ દેશના રાજકીય નેતૃત્વ પર સીધો હુમલો કરતા કહયું કે 1971ના યુધ્ધની હાર સૈન્યની નહીં પણ રાજકીય નેતૃત્વની હતી. બાજવાએ ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાની સૈનિકોના શૌર્યની સરાહના ભારતના તત્કાલીન લશ્કરી વડા ફિલ્ડ માર્શલ શામ માણેકશાએ પણ કરી હતી. તેઓએ દેશના રાજકીય નેતૃત્વને પોતાની મર્યાદામાં જ રહેવાની સલાહ આપી હતી.

ખાસ કરીને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સાથેના તેમના તનાવભર્યા સંબંધોના સંદર્ભમાં તેઓએ આમ કહ્યું હોય તેમ માનવામાં આવે છે. જે લોકો સતત સેના પર હુમલા કરે છે કે ટીકા કરે છે તેઓ સેના વિરોધી એક વાતાવરણ બનાવી જીતવા માગે છે. બહેતર એ છે કે પાકિસ્તાની સેના સામે કોઇ ખોટા શબ્દોનો ઉપયોગ થવો જોઇએ નહીં. સેના ટીકા માટે નથી પણ કોઇપણ નિર્ણયમાં રાજકીય નેતૃત્વ વધુ સામેલ હોય છે.

આ વાત મેં ગત 7 ફેબ્રુઆરીના પણ કહી હતી. (જ્યારે ઇમરાન ખાનનું રાજીનામુ લેવાયું હતું). તેમણે કહ્યું કે સેનાનું ટીકા કરવાનું રાજકીય દળો અને જનતાને અધિકાર છે પરંતુ તેમાં ભાષણોનો ઉપયોગ સંયમપૂર્ણ થવો જોઇએ. દેશમાં રાજકીય સ્થિરતા જરુરી છે અને તેથી જ મારા સમયગાળામાં સેનાએ કદી રાજકીય બાબતોમાં દખલ કરી નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement