ગમે તેમ કરીને મતદારોને રાજી કરો : સાડીથી માંડી સ્કુટર, કપડાની લ્હાણી

25 November 2022 03:57 PM
Rajkot Elections 2022 Politics
  • ગમે તેમ કરીને મતદારોને રાજી કરો :  સાડીથી માંડી સ્કુટર, કપડાની લ્હાણી

રાજકોટ પૂર્વમાં રાજકીય પક્ષો ખિસ્સા ખોલવા લાગ્યા : નાની જ્ઞાતિ-સમાજના આગેવાનોની ડિમાંડ

રાજકોટ, તા. 25
વિધાનસભાની ચૂંટણી આડે હવે માંડ પાંચ દિવસ રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા અને માત્ર મોટા નહીં પરંતુ નાના સમાજ અને જ્ઞાતિના આગેવાનોને પણ રાજી રાખવા રાજકીય પક્ષોએ હાથ છુટા કર્યાનું જાણવા મળ્યું છે. આ પ્રયોગ રાજકોટ પૂર્વ 68માં સૌથી વધુ થઇ રહ્યાનું અનુભવીઓ કહી રહ્યા છે.

મતદારો પર પ્રભુત્વ ધરાવતા કેટલાક સમાજના આગેવાનોનો ઉમેદવાર ઉપરાંત પક્ષના નેતાઓ સીધો સંપર્ક કરી રહ્યા છે. જુદા જુદા મત વિસ્તારમાં ભોજન પાર્ટીઓનો ક્રેઝ ઘટયો છે. પરંતુ ગ્રુપ મીટીંગ અને ખાનગી બેઠકો વધ્યા છે.

આવી બેઠકોમાં જ કેટલાક ગણિત નકકી કરવામાં આવે છે તેમાં મતદારોને રાજી કરવા આગેવાનો મારફત તેલના ડબ્બા, સાડી, પ્રસંગો માટેના કવર, દાન, કપડા, સ્કુટર સહિતની વસ્તુઓની લ્હાણી શરૂ કરી દેવામાં આવી છે.

મોટા સમાજ સાથે સીધો સંપર્ક રાજકીય પક્ષોને રહે છે. પરંતુ નાના નાના છતાં સરવાળે વધુ મતદાર ધરાવતા સમાજને પણ પક્ષો નજીક રાખવા ખૂબ પ્રયત્ન કરે છે. હવે છેલ્લા પાંચ દિવસમાં અમુક વિસ્તારમાં મતો અંકે કરવા વચનોથી માંડી હાથોહાથ રાજી કરવાની વસ્તુઓની લ્હાણી વધશે તેવું જાણકારો કહે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement