સેન્સેકસ-નિફટીમાં નવી રેકોર્ડ સપાટી

25 November 2022 04:29 PM
Business India
  • સેન્સેકસ-નિફટીમાં નવી રેકોર્ડ સપાટી

શેરબજારમાં એકધારી તેજી: IT-ઓટો શેરો ઉંચકાયા: ભેલ, સુઝલોન, PNB માં ઉછાળો

રાજકોટ તા.25
મુંબઈ શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર હોય તેમ આજે હેવીવેઈટ શેરોની હુંફે વધુ સુધારો હતો. સેન્સેકસ તથા નિફટીએ નવી ઉંચાઈ બનાવી હતી. શેરબજારમાં છેલ્લા એક-દોઢ માસથી માનસ તેજીનું હોય તેમ દરેક નીચા સ્તરેથી ઉછાળો આવતો જ રહ્યો છે.

ફંડામેન્ટલ જ સ્ટ્રોંગ હોવાની તે નિશાની છે. લોકલ ઈન્વેસ્ટરો નવેસરથી જંગી નાણાં ઠાલવતા હોવાની છાપ તથા વિદેશી સંસ્થાઓની પણ ચિકકાર ખરીદીનો પડઘો હતો. આવતા ત્રિમાસિક પરિણામો આકર્ષક રહેવાના આશાવાદની સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માનસ જ તેજીનુ હોવાના કારણોસર મોટા વિપરીત કારણ વિના ખરાબી આવે તેમ નથી.

શેરબજારમાં આજે બેંક સિવાયના મોટાભાગના શેરોમાં સુધારો હતો. ઈન્ફોસીસ, રીલાયન્સ, ટીસીએસ, ટાટા મોટર્સ, મારૂતી, હીરો મોટો, મહીન્દ્ર, કોલ ઈન્ડીયા જેવા હેવીવેઈટ શેરો ઉંચકાયા હતા. પંજાબ નેશનલ બેંક, સુઝલોન, ભેલ જેવા શેરો પણ લાઈટમાં હતા. ટાઈટન, નેસલે, એચડીએફસી, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંગ વગેરેમાં ગાબડા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 74 પોઈન્ટના સુધારાથી 62347 હતો તે ઉંચામાં 62447 તથા નીચામાં 62115 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 38 પોઈન્ટ વધીને 18522 હતો તે ઉંચામાં 18533 તથા નીચામાં 18445 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement