ર017માં ઉંચા મતદાન સાથે ઉંચી લીડનો રેકોર્ડ : 2022માં પૂરતા મતદાનની પણ ઉપાધી

25 November 2022 04:54 PM
Rajkot Elections 2022 Politics
  • ર017માં ઉંચા મતદાન સાથે ઉંચી લીડનો રેકોર્ડ : 2022માં પૂરતા મતદાનની પણ ઉપાધી

► ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીનો માહોલ ઠંડોગાર : મતદારોની નિરસતા વચ્ચે લગ્નગાળો પણ ઉમેદવારોને નડી શકે છે

► સૌથી વધુ મતદાન વોર્ડ નં.પ, 9, 8માં થયું હતું : વિજયભાઇને વિક્રમી લીડ મળી હતી : આ વખતે ઉમેદવારોમાં પરિવર્તન સહિતના નવા સંજોગો

► 2017માં સૌથી વધુ મતદાનનો ફાયદો ભાજપને થયો હતો : આ વખતે શું? ત્રિપાંખીયા જંગમાં ત્રણે પક્ષના મુરતિયાની મતદારો પાછળ દોડાદોડ

રાજકોટ, તા.25
વિધાનસભાની ચૂંટણીમાં ચાલુ વર્ષે મતદાનના 6 દિવસ અગાઉ પણ લોકોમાં કોઇ મોટો ઉત્સાહ કે આશા દેખાતા નથી ત્યારે રાજકીય પક્ષના ઉમેદવારો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. વડાપ્રધાન ખુદ જાહેર સભામાં માત્ર ભાજપને મતની અપીલ સાથે વધુમાં વધુ મતદાનની હાકલ કરી રહ્યા છે. કોરોના કાળ અને મોંઘવારીના કાળ વચ્ચેથી પસાર થયેલા અને થઇ રહેલા વર્ગ પાસે રાજકીય પક્ષોની વાતો સાંભળવાનો વધારાનો સમય નથી. આથી ઉમેદવારો મતદારોના સમયે તેમને મળવા જવા લાગ્યા છે. તો ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારે બેઠક પર થયેલું મતદાન થશે કે નહીં તે ચિંતા સૌને થઇ રહી છે.

ગત વખતે ચારે બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિક્રમી લીડ સાથે વિજય થયો હતો. આ વખતે રાજકીય સંજોગો અને ઉમેદવારની પસંદગીના ગણિત બદલાઇ ગયા છે. તમામ ઉમેદવાર ફ્રેશ છે તો કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય સહિત ચાર ઉમેદવાર પણ નવેસરથી ચૂંટણી લડતા હોય તેવો જંગ ખેલે છે. આથી ગત ચૂંટણી જેટલી લીડ તો ઠીક, એટલું મતદાન પહેલા થવું જોઇએ એ વાત આગળ આવી ગઇ છે. ગત વખતે ચારે બેઠક પર સરેરાશ 6પ.7પ ટકા નોંધાયું હતું. આ વખતે પ્રથમ વખત રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.

ર017ની ચૂંટણીમાં રાજકોટ પૂર્વની બેઠક પર ર.પ3 લાખ મતદાર હતા જેની સંખ્યા આ વખતે વધીને ર.97 લાખ થઇ છે. તે વખતે 1.71 લાખ મત પડતા 67.7 ટકા મતદાન નોંધાયું હતું અને ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી 22782 મતે ચૂંટાયા હતા.

રાજકોટ પશ્ર્ચિમ-69ની ભાજપના ગઢ જેવી બેઠક પર તે વખતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજયગુરૂ વચ્ચે ચૂંટણી જંગ હતો. પરંતુ આ બેઠક પર વિજયભાઇ રૂપાણીએ 53755 મતની લીડ સાથે અગાઉના રેકોર્ડ તોડયા હતા. આ બેઠક પર 3.08 લાખ મતદાર હતા. આ વખતે 3.56 લાખ મતદાર છે. આ બેઠક પર સૌથી વધુ 69.2 ટકા મતદાન થયું હતું. અહીં ર.13 લાખ મત પડયા હતા.

રાજકોટ-70 દક્ષિણની બેઠક પર ગત વખતે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઇ પટેલનો 47121 મતની મોટી લીડ સાથે વિજય થયો હતો. આ બેઠક પર 64.8 ટકા મતદાન નોંધાયુ હતું. કુલ ર.38 લાખ પૈકી 1.પ4 લાખ મત પડયા હતા. ગત વખતે આ બેઠક પર ર.38 લાખ મતદાર હતા અને આ વખતે આ સંખ્યા ર.પ8 લાખ થઇ છે.

રાજકોટ-71 ગ્રામ્યની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના લાખાભાઇ સાગઠીયાનો ર179 મતે ખુબ સાંકડો વિજય થયો હતો. ગ્રામ્યની બેઠક પર તે વખતે 2.88 લાખ મત હતા અને 1.90 લાખ એટલે કે 66 ટકા મત પડયા હતા. આ વખતે રાજકોટના અઢી વોર્ડ અને ત્રણ તાલુકાના ગામડા મળી ગ્રામ્યમાં 3.67 લાખ મતદારો છે.

આ વખતે ચૂંટણીનું ચિત્ર જુદુ છે. ગત વખતે ભાજપ અને કોંગ્રેસ વતી ચૂંટણી લડેલા એકેય ઉમેદવાર રીપીટ થયા નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ટીકીટ અપાઇ નથી. ર017માં પશ્ર્ચિમમાંથી લડેલા ઇન્દ્રનીલ રાજયગુરૂ ફરી પૂર્વમાં ગયા છે. ગ્રામ્યમાં કોંગ્રેસના સુરેશ બથવાર ભાજપ સામે અને ર017ના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠીયા (હાલ આપ) સામે લડી રહ્યા છે. રાજકોટ પશ્ર્ચિમમાં દર વખતે સૌથી વધુ ઉત્સાહ દેખાઇ છે. પરંતુ આ મતક્ષેત્રમાં પણ મતદારો એટલા ઉત્સાહી દેખાતા નથી.

રાજકોટ દક્ષિણમાં પણ વાતાવરણ ગરમ દેખાઇ રહ્યું છે. છતાં લોકો હજુ એટલા ઉત્સાહી નથી. આમ હાલ ઉમેદવારો અને પક્ષો દ્વારા પુરતુ મતદાન લગ્નગાળામાં થાય તે માટે પણ મહેનત શરૂ થઇ ગઇ છે.

2017માં તમામ વોર્ડમાં 63 ટકા ઉપર મતદાન હતું. સૌથી વધુ મતદાન વોર્ડ નં.પાંચમાં 70.રર ટકા, વોર્ડ નં.8માં 69.92 ટકા અને વોર્ડ નં.9માં 69.50 ટકા નોંધાયું હતું. વોર્ડ નં.3માં 67 ટકા મતદાન ઉપરાંત આ વોર્ડમાં આવતા રાજકોટ-68ના ભાગમાં 66 ટકા, વોર્ડ નં.13માં 6પ ટકા ઉપરાંત અહીં આવતા રાજકોટ-71ના ભાગમાં 7પ.68 ટકા અને વોર્ડ નં.18માં 66 ટકા ઉપરાંત રાજકોટ ગ્રામ્યમાં આવતા ભાગમાં 60.46 ટકા મતદાન થયું હતું તે નોંધનીય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement