રાજકોટ ગુરૂકુળ અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત મહિલા સેમિનારમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓનલાઇન સંબોધન કરશે

25 November 2022 05:17 PM
Rajkot Dharmik
  • રાજકોટ ગુરૂકુળ અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત મહિલા સેમિનારમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓનલાઇન સંબોધન કરશે

ખેડૂતો, ડોકટરો, ઇજનેરો, બાળકો, યુવાનો, શિક્ષકો, પૂર્વ વિદ્યાર્થીઓ સહિત નવ વિવિધ સેમિનારના આયોજન: સેમિનારમાં હજારો લોકો ભાગ લેશે: તૈયારીઓનો ધમધમાટ

રાજકોટ, તા.25
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને 75 વર્ષ પૂરા થતા ડિસેમ્બરની તા.22 થી 26 સુધી રાજકોટની મવડી ચોકડી નજીક આવેલ મવડી કણકોટ રોડ પર દિવ્ય-ભવ્ય અમૃત મહોત્સવ યોજાનાર છે. સમગ્ર મહોત્સવ સ્થળને સહજાનંદનગર નામ આપવામાં આવ્યું છે.

સ્થળ પર રાત-દિવસ તડામાર તૈયારી ચાલી રહી છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી સમગ્ર મહોત્સવનું ઐતિહાસિક આયોજન થયું છે. મહોત્સવ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે ઉજવાય તે ઉપરાંત સમાજ ઉપયોગી માર્ગદર્શક મળે તેવા શુભ ઉદ્દેશ્યથી મહોત્સવ નિમિત્તે સહજાનંદનગરના સભામંડપમાં જ અલગ અલગ દિવસે અલગ અલગ વિષય પર મંચ (સેમિનાર)નું આયોજન કરવામાં આવે છે. જેમાં જે તે ક્ષેત્રે સાથે સંકળાયેલા લાભાર્થીઓને વિષય નિષ્ણાંતો અને સંતો દ્વારા માર્ગદર્શન અપાશે તેમજ દિશા દર્શક સંવાદ થશે.

અમૃત મહોત્સવ નિમિત્તે યોજાનાર વિવિધતાસભર સેમિનારની માહિતી નીચે મુજબ છે.

વિદ્વતા મંચ
તા. 16 ડિસેમ્બર, શુક્રવારના સવારે 9 થી સાંજે 5 વિદ્વતા મંચ યોજાયેલ છે.
બાલ ઉત્કર્ષ મંચ
તા. 21 ડિસેમ્બર, બુધવારના સવારે 10 થી સાંજે 5 બાલ ઉત્કર્ષ મંચ યોજાયેલ છે.

આજનો બાળક આવતીકાલનો નાગરિક છે. માવતરના પ્રેમથી પોષાયેલ બાળક વટવૃક્ષ બને છે. બાળકો એ ઈશ્વરનું બીજું સ્વરૂપ છે. તેના જીવનનિર્માણમાં માતા-પિતા અને ગુરુનો મોટો ફાળો હોય છે. બાળકને યોગ્ય દિશા મળે તો તે સ્વયં પ્રગતિ કરવાની સાથે સમાજને પણ પોતાની સફળતાના મીઠા ફળ આપે છે. ગુરુકુલની પરંપરાના એવી રહી છે કે બાળકને શિક્ષણની સાથે સંસ્કાર મળે. સંસ્કાર સાથેની સંપત્તિ હશે તો તેનું ચરિતાર્થ થઈ શકશે. આ બાબતને ધ્યાને રાખીને બાળમંચનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુરુકુલની 51 શાખાઓના અંદાજે 25 હજાર બાળકો ભાગ લેશે. જેમાં ગુગલ બોય પંડિત કૌટિલ્ય અને બાળવિકાસ ક્ષેત્રના અન્ય અગ્રણીઓ તથા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહેશે.

કિસાન મંચ
તા. 22 ડિસેમ્બર, ગુરુવારે સવારે 10 થી બપોરે 1 સુધી કિસાન મંચ યોજવામાં આવેલ છે.
ભારત કૃષિપ્રધાન દેશ છે. ખેડૂતો અન્નદાતા કહેવાય છે. અર્થવેદમાં કહેવામાં આવ્યું છે કે ધરતી આપણી માતા છે. આ ખેતી દેશી ગાય આધારીત છે. ઓછા પાણી અને ઓછા ખર્ચે થઈ શકે છે. પ્રાકૃતિક ખેતીથી ગુણવત્તાયુક્ત અને વધુ પ્રમાણમાં ઉપજ મેળવી શકાય છે. ગુરુકુલના પ્રયાસોથી સેકડો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ ખેતી પદ્ધતિના પુરસ્કર્તા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા કેન્દ્રીય ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા આ સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્સાહ વર્ધક પરિણામ મેળવનાર કેટલાક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો પણ મંચ પરથી સાંભળવા મળશે. આ કાર્યક્રમમાં 25 હજાર જેટલા ખેડૂતો લાભ લે તેવી તૈયારી છે.

મહિલા મંચ
તા. 23 અને 24ના, શુક્ર-શનિવારે સવારે 12:30 થી બપોરે 3 સુધી મહિલા મંચનું આયોજન કરવામાં આવેલ છે.
અમૃત મહોત્સવમાં સતત બે દિવસ બપોર વચ્ચે મહિલા સેમિનાર રાખવામાં આવેલ છે. જેમાં આદર્શ ગૃહિણીની ભૂમિકા અને સમાજ વિકાસમાં મહિલાઓના ફાળા વિશે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ઓનલાઈન સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ પ્રખર વક્તા સાધ્વી ઋતુંભરાજી સેમિનારમાં ઉપસ્થિત રહેશે. બન્ને દિવસ 15-15 હજાર મહિલાઓ ઉપસ્થિત રહે તેવું આયોજન કરાયું છે.

શિક્ષક મંચ
તા. 24 ડિસેમ્બર, શનિવારે, સાંજે 4 થી 6 સુધી શિક્ષક મંચનું આયોજન કરાયું છે. આ શિબિરમાં ગુરુકુલના તેમજ ગુરુકુલ સાથે સંકળાયેલા 5 હજાર શિક્ષકો ભાગ લેશે. આ સેમિનારમાં ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ચાવીરૂપ માર્ગદર્શન આપતા બિહારના જાણીતા શિક્ષણવિદ્ આનંદકુમાર સુપર 30 ઉપસ્થિત રહેશે.

ભૂતપૂર્વ વિદ્યાર્થી મંચ
તા. 25 ડિસેમ્બર, રવિવારે, સવારે 8:30 ભૂતપૂર્વ વિદ્યાર્થી મંચ યોજાશે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ 1948માં રાજકોટમાં ગુરુકુલની સ્થાપના કરેલ. રાજકોટ સહિતની 51 શાખાઓમાં અત્યાર સુધીમાં 1,12,000 જેટલા વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે શિક્ષણ લઈને ગયા છે. જેમાંના અનેક વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં ઉચ્ચ સ્થાને છે.

ગુરુકુલ પાસે ઉપલબ્ધ માહિતી મુજબ 12થી વધુ વૈજ્ઞાનિકો, 13 વધુ પાયલોટ, 68થી વધુ ચાર્ટડ એકાઉન્ટન્ટ, 82થી વધુ સૈનિકો, 500 જેટલા ડોકટરો કાર્યરત છે. 5,257 જેટલા એન્જિનિયરો ગુરુકુલના એક સમયના વિદ્યાર્થી છે. 1750થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ વિદેશમાં વિવિધ સ્થાને ભારતીય સંસ્કૃતિના કીર્તિધ્વજ ફરકાવી રહ્યા છે. 6 હજારથી વધુ ઉદ્યોગપતિઓ તેમજ અનેક વેપારીઓ અને સરકારી અધિકારીઓ આ સંસ્થાના એક સમયના વિદ્યાર્થીઓ હોવાનું ગૌરવ અનુભવે છે. આજનો વિદ્યાર્થી દેશનો ભાવિ કર્ણધાર છે. ગુરુકુલનું ગૌરવ વધારનાર પૂર્વ વિદ્યાર્થીઓને યાદ કરી તેમના માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વોચ્ચ વડા મોહન ભાગવતજી ખાસ ઉપસ્થિત રહેશે. વ્યક્તિ વિશેષની વ્યાખ્યામાં આવતા કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ સેમિનારમાં 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાશે.

ડોકટર - ઈજનેર મંચ
તા. 25 ડિસેમ્બર, રવિવારે, સાંજે 4 થી 6 ડોકટર ઇજનેર મંચનું આયોજન કરવામાં આવેલ છે. ગુરુકુલ સંસ્થાએ પોતાના વિદ્યાર્થી રૂપે સમાજને સંખ્યા બંધ ડોકટરો અને ઈજનેરોની ભેટ આપી છે. ગુરુકુલ સાથે સંકળાયેલા અને ગુરુકુલની પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા 5 હજાર જેટલા ડોકટરો અને ઈજનેરોનો સેમિનાર યાદગાર બની રહેશે. જેમાં બન્ને ક્ષેત્રની પ્રગતિ તેમજ અતિ આધુનિક શોધખોળની ઝલક પ્રસ્તુત થશે. આ કાર્યક્રમમાં કોરોનાની રસી શોધીને વિશ્વભરમાં દેશનો ડંકો વગડાવનાર વૈજ્ઞાનિક ભારત બાયોટેક હૈદ્રાબાદના શ્રીકૃષ્ણ એલ્લા તેમજ અન્ય તજજ્ઞો ઉપસ્થિત રહેશે.

યુવા મંચ
તા. 25 ડિસેમ્બર, રવિવારે રાતે 8:30 વાગ્યે યુવા મંચનું આયોજન કરવામાં આવેલ છે. જગતમાં યુવાનો મહાન પરીવર્તનના અગ્રદૂત રહ્યા છે. યુવાનો સમાજ અને દેશના ઉજ્જવળ ભાવીના ઘડવૈયા છે.

અમૃત મહોત્સવ નિમિત્તે યુવક-યુવતી માટે અલાયદા સેમિનારનું આયોજન કરવામાં આવ્યંં છે. જેમાં યુવાનોમાં ખૂબજ લોકપ્રિય દેશના જાણીતા કવિ શ્રી કુમાર વિશ્વાસ હાજરી આપશે. 25 હજાર યુવાનો ભાગ લેશે.

વડીલ મંચ
તા. 26 ડિસેમ્બરના સોમવારે, સવારે 8:30 વાગ્યે વડીલ મંચનું આયોજન કરવામાં આવેલ છે. જેણે જીવનના તડકા છાંયા જોઈને અનુભવનું સમૃદ્ધ ભાથુ ભેગું કર્યું છે તેવા વડીલો માટે મહોત્સવના અંતિમ દિવસે યાદગાર કાર્યક્રમનું આયોજન છે. જેમાં 11 હજાર વડીલો ઉપસ્થિત રહેવાની ધારણા છે. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેના વિચાર ભેદના કારણે સર્જાતી સમસ્યાઓ નિવારવા માર્ગદર્શન આપવામાં આવશે.

વડીલોના જ્ઞાનનો ઉભરતી પેઢીને લાભ મળશે. આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેરલના રાજ્યપાલ આરીફ મોહમ્મદખાન ઉપસ્થિત રહી ઉદ્બોધન કરશે. આયોજન અંગેની વધુ માહિતી માટે સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ રાજકોટ ખાતે અથવા શ્રી પ્રભુ સ્વામી (મો. 98790 00250)નો સંપર્ક કરવો.

સેમિનારમાં મહાનુભાવોની ઉપસ્થિતિ
* પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
* રાજયપાલ આચાર્ય દેવવ્રતજી
* પંડિત કૌટિલ્ય શિક્ષણવિદ્ આનંદકુમાર
* ભારત બાયોટેકના વડા શ્રીકૃષ્ણ એલ્લા
* કવિ કુમાર વિશ્ર્વાસ
* કેન્દ્રિય મંત્રી પુરુષોતમ રૂપાલા
* કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની
* સાધ્વી ઋતુંભરાજી
* રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર્વોચ્ચ વડા મોહન ભાગવત
* રાજયપાલ આરીફ મોહમ્મદ ખાન


Related News

Advertisement
Advertisement
Advertisement