હોસ્પિટલથી રજા થયાં બાદ દરગાહે માનતા ઉતારવા ગયેલા સફાઈ કામદારનું મોત

25 November 2022 05:39 PM
Rajkot
  • હોસ્પિટલથી રજા થયાં બાદ દરગાહે માનતા ઉતારવા ગયેલા સફાઈ કામદારનું  મોત

મેટોડા પાસેનો બનાવ

► પરસાણાનગરમાં રહેતાં ચંદ્રકાંત વાઘેલાને ફેફસાની બીમારી હોય જેથી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો: તેની માતાએ માનતા રાખી ’તી’: શ્ર્વાસ ચડતાં બેભાન થયાં ’તા’:સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ. તા.25
મેટોડા પાસે આવેલ દરગાહમાં માનતા ઉતારવા માટે ગયેલા આરએમસીના સફાઈ કામદાર યુવકનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની વિગત અનુસાર, પરસાણાનગરમાં રહેતાં ચંદ્રકાંતભાઈ રામજીભાઈ વાઘેલા (ઉ.વ.36) ગતરોજ મેટોડા પાસે આવેલ દરગાહે દર્શન કરવા માટે ગયા હતાં ત્યારે તેમને શ્વાસ ચડતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં,જેમને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચાલુ સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો.


વધુમાં મૃતક આરએમસીમાં સફાઈ કામદાર હતાં તેમજ લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડિત હતાં,જેને ચાર દિવસ પહેલા ફેફસામાં પાણી ભરાતા સારવારમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેની તબિયત વ્હેલી સુધારા પર આવે અને હોસ્પિટલમાંથી રજા મળે તે માટે મેટોડા પાસે આવેલ દરગાહે દર્શન કરવા જવાની મનાતા રાખી હતી. ગતરોજ યુવકની તબિયત સુધરતાં તેને હોસ્પિટલમાંથી રજા આપતાં સીધા તેને મેટોડા નજીક દરગાહે દર્શન માટે લઈ ગયા હતાં જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક ચાર ભાઈ બહેનમાં ત્રીજા નંબરના અને સંતાનમાં એક પુત્રી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.

► માનતા ઉતારવા ગયાને પુત્રનું મોત થતાં માતાનું વલોપાત
રાજકોટ. તા.25
મેટોડા પાસે આવેલ દરગાહે માનતા ઉતરવા ગયેલા યુવકનું મોત નિપજતાં માતાએ આક્રંદ મચાવ્યો હતો.પુત્ર હોસ્પિટલમાંથી સાજો થઈ વહેલાસર ઘરે પરત ફરે તે માટે મેટોડા પાસે આવેલ દરગાહ દર્શન કરાવવાની માનતા રાખી હતી અને ત્યાં જ તેમના પુત્રનું મોત થતાં તેની માતા ભાંગી પડી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement