► ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જનારી આફ્રિકા બાદની બીજી ટીમ બની કતાર; બુઆલેમ ખાઉખી, ફમારા અને બાંબા ડિએગના ગોલથી અત્યંત નબળી ગણાતી સેનેગલે આપ્યો 3-1થી પરાજય: કતાર વતી મોહમ્મદ મુંતારીનો એકમાત્ર ગોલ: હવે 29 નવેમ્બરે નેધરલેન્ડ સામે કતારનો અંતિમ મુકાબલો
નવીદિલ્હી, તા.26
ફીફા વર્લ્ડકપ જે દેશમાં રમાઈ રહ્યો છે તેની યજમાન ટીમ કતારે એક સપ્તાહની અંદર જ બીસ્તરા-પોટલાં બાંધી લેવા પડ્યા છે. કતારની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જનારી પ્રથમ ટીમ બની છે. તેને સેનેગલની અત્યંત નબળી ગણાતી ટીમે 3-1થી કારમો પરાજય આપ્યો છે.
કતાર વિશ્વકપના ઈતિહાસમાં ગ્રુપ સ્ટેજથી આગળ નહીં જનારો બીજો દેશ બની ગયો છે. આ પહેલાં 2010માં દક્ષિણ આફ્રિકી ટીમ પણ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે તેણે ત્રણ મુકાબલામાંથી એક જીત્યો હતો, એક હાર્યો હતો તો એક મુકાબલો ડ્રો થયો હતો. જ્યારે કતારે બન્ને મુકાબલા ગુમાવ્યા છે. આવામાં 92 વર્ષના વિશ્વકપના ઈતિહાસમાં કતાર સૌથી ખરાબ પ્રદર્શન કરનારો દેશ બની ગયો છે.
સ્ટ્રાઈકર બુલાયે ડિયાએ 41મી મિનિટમાં કતારના ડિફેન્ડર બુઆલેમ ખાઉખીની ભૂલનો ફાયદો ઉઠાવીને પહેલો ગોલ કરી દીધો હતો. તેની આ લીડ મધ્યાંતર સુધી યથાવત રહી હતી. આ પછી ફમારા ડી (48મી મિનિટ)એ બીજા હાફની ત્રીજી જ મિનિટમાં ટીમની લીડ બમણી કરી દીધી હતી. કતાર માટે સબસ્ટીટયુટ મોહમ્મદ મુંતારીએ ગોલ કર્યો હતો જેના કારણે સ્કોર 2-1 થયો હતો. જો કે તેની છ મિનિટ બાદ બાંબા ડિએગ (84મી મિનિટ)એ ગોલ કરી સેનેગલની લીડ 3-1 કરી હતી.
મોહમ્મદ મુંતારીએ કતાર માટે 78મી મિનિટમાં ગોલ કર્યો હતો. આ સાથે જ તે પોતાના દેશ તરફથી વિશ્વકપમાં ગોલ કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. ટીમને ટૂર્નામેન્ટના પ્રથમ મુકાબલામાં ઈક્વાડોર સામે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. મેજબાન ટીમ હવે પોતાનો અંતિમ મુકાબલો 29 નવેમ્બરે નેધરલેન્ડસ સામે રમશે.
મેચની છેલ્લી ત્રણ મિનિટમાં જીત્યું ઈરાન: ‘મજબૂત’ વેલ્સને 2-0થી હરાવ્યું
ઈરાને સ્ટૉપેજ ટાઈમમાં ત્રણ મિનિટની અંદર બે ગોલ કરીને વર્લ્ડકપની મજબૂત ગણાતી વેલ્સને 2-0થી પરાજિત કરીને ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીત હાંસલ કરી છે. આ જીતમાં ઈરાને પહેલીવાર નૉકઆઉટમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. એ જ દિલ તોડી નાખનારી આ હારથી 64 વર્ષ બાદ વર્લ્ડકપમાં રમી રહેલું વેલ્સ પણ બહાર થવાની અણીએ પહોંચી ગયું છે. તેણે શરૂઆતનો પ્રથમ મુકાબલો અમેરિકા સામે 1-1થી ડ્રો રમ્યો હતો.
રમતના નિર્ધારિત સમય સુધી કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહોતી. આ પછી રાઉજબેહ ચેશ્મી (90+8મી મિનિટ)એ સ્ટૉપેજ ટાઈમમાં ગોલ કરીને ઈરાનને 1-0થી આગળ કર્યું હતું. નિયમિત ગોલકિપર વેન હેનેસીએ 86મી મિનિટમાં બહાર જવું પડતાં ડૈની ગોલકિપિંગ કરી રહ્યો હતો. ચેશ્મીના ગોલ કર્યાની ત્રણ મિનિટ બાદ જ રામિન રજાઈયાં (90+11મી મિનિટ)એ બીજો ગોલ કરી ટીમને જીત અપાવી દીધી હતી.
નેધરલેન્ડ-ઈક્વાડોર મુકાબલો ડ્રો
શાનદાર ફોર્મમાં રમી રહેલા કેપ્ટન ઈનર વેલેન્સીયાના ગોલના દમ પર ઈક્વાડોરે પાછળ થઈ ગયા બાદ વાપસી કરતાં નેધરલેન્ડસને 1-1ની બરાબરી પર રોકી દીધું હતું. નેધરલેન્ડ વતી કોડીએ ગોલ કર્યો હતો. પહેલીવાર વર્લ્ડકપમાં રમી રહેલા નેધરલેન્ડસના 23 વર્ષીય કોડી ગક્પો આ વખતની ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી ગોલ કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે છઠ્ઠી મિનિટમાં જ ગોલ કરીને નેધરલેન્ડને લીડ અપાવી દીધી હતી જે મધ્યાંતર સુધી યથાવત રહી હતી. કોડી પાછલા આઠ વર્ષમાં સતત બે મેચમાં ગોલ કરનારો પહેલો જ્યારે કુલ બીજો ડચ ખેલાડી બની ગયો છે. તેના પહેલાં 2014માં ડેફિન્સ ડેપેએ આ ઉપલબ્ધી હાંસલ કરી હતી.
હેરી કેનનો જાદૂ ન ચાલ્યો: ઈંગ્લેન્ડ-અમેરિકા મુકાબલો 0-0થી ડ્રો
ફીફા વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ-અમેરિકા વચ્ચે રમાયેલો પ્રથમ મુકાબલો 0-0થી ડ્રો થવા પામ્યો છે. ગત મોડીરાત્રે 12:30 વાગ્યે અલ બાયત સ્ટેડિયમ પર રમાયેલા ગ્રુપ-બીના આ મેચમાં બન્ને ટીમના ખેલાડીઓએ ગોલ કરવાની અનેક તક બનાવી પરંતુ સ્કોર જેમનો તેમ જ રહ્યો હતો. મેચમાં ઈંગ્લીશ કેપ્ટન હેરી કેન પાસે સારી રમતની આશા હતી પરંતુ તેનું પ્રદર્શન અત્યંત ફીક્કું રહ્યું હતું.
યુએસએએ વેલ્સ વિરુદ્ધ પ્રથમ મેચમાં શાનદાર રમત દાખવી હતી અને તેણે અંગ્રેજો વિરુદ્ધ આ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. પ્રથમ હાફની 40 મિનિટમાં અમેરિકા વતી ક્રિશ્ચિયન પુલિસિકે ઘણો પ્રભાવ કર્યો હતો. તેણે અનેક તક બનાવી પરંતુ ગોલમાં તબદીલ કરી શક્યો નહોતો. એકંદરે ઈંગ્લેન્ડની તુલનાએ યુએસએનું પ્રદર્શન દમદાર રહ્યું હતું.
આજની મેચ
મેચ | સમય |
ટયુનીશિયા-ઑસ્ટ્રેલિયા | બપોરે 3:30 |
પોલેન્ડ-સઉદી અરબ | સાંજે 6:30 |
ફ્રાન્સ-ડેનમાર્ક | રાત્રે 9:30 |
આર્જેન્ટીના-મેક્સિકો | રાત્રે 12:30 |