♦ વિશ્વ સ્તરે બાલવધૂઓમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ, જેમાં 15થી19 વર્ષની 16 ટકા તરુણીઓના લગ્ન થઈ ચૂકયા છે: બાલ વયે દીકરીના લગ્નથી યુપી અને બિહારમાં ઘરેલુ હિંસા વધી: સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, તા.26
એક આંકડા અનુસાર ભારત સહિત દક્ષિણ એશિયામાં એક તૃતીયાંશ છોકરીઓના લગ્ન 18 વર્ષની વય પહેલા કરી દેવામાં આવે છે. નાની વયમાં લગ્ન કરી નાખવાની આ દીકરીઓમાં ડિપ્રેસન અને આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે.
આ અંગેની વિગત મુજબ ભારત સહિત દક્ષિણ એશિયામાં એક તૃતીયાંશ છોકરીઓના લગ્ન 18 વર્ષ પહેલા અને 8 ટકાના લગ્ન 15 વર્ષ પહેલા થઈ જાય છે. ભારતમાં વિશ્વસ્તર પર બાલવધુઓને એક તૃતીયાંશ હિસ્સો છે જેમાં 15-19 વર્ષની 16 ટકા છોકરીઓના લગ્ન થઈ ચૂકયા છે.
ઓછી વય કે સગીર દીકરીઓના વિવાહ તેમને માનસિક રીતે અસ્વસ્થ કરી રહ્યા છે. આથી તે ડિપ્રેસનનો સામનો કરી રહી છે, જેને લઈને આત્મહત્યા કે પછી તેના પ્રયાસ સાથેની ઘટનાઓ વધી રહી છે. આ ખુલાસો ‘ધી લેન્સેટ’ મેડીકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં કરવામાં આવ્યો છે.
અધ્યયન અનુસાર ઉતરપ્રદેશ અને બિહારમાં લગભગ એક જેવી સ્થિતિ છે. અહીં 24 ટકા (એક ચતુર્થાંશ) કિશોરીઓના સમય પહેલા લગ્ન થઈ જવાથી તેમનામાં માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાની, આત્મહત્યાનો પ્રયાસ જેવા મામલા બહાર આવ્યા છે.
આ અધ્યયનમાં એવી વિગત પણ બહાર આવી છે કે અવિવાહીત છોકરીઓની તુલનામાં 61 ટકા નવ વિવાહિત છોકરીઓ બિહારમાં પછાત વર્ગ, જનજાતિ કે પછી ગરીબ પરિવારોની હતી, 24 ટકા સામાન્ય વર્ગના પરિવારની હતી.
સંશોધક ડો. શિલ્પ અગ્રવાલે જણાવ્યું હતું કે બાલ વિવાહથી વણઈચ્છીત ગર્ભાવસ્થા અને ઘરેલુ હિંસાના જોખમ પેદા થવા લાગે છે, જેમાં આત્મહત્યા જેવી ઘટનાઓ બને છે. આ કડીઓને સમજવા માટે યુપી અને બિહારમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો.