રાજકોટ તા.26 : રાજકોટ સહિત રાજયનાં વિવિધ સ્થળોએ હવે શિયાળાનો અસલી રંગ દેખાવા લાગ્યો છે અને દિવસે-દિવસે સવારનું તાપમાન ગગડવા લાગ્યુ છે ત્યારે, આજે ફરી એકવાર કચ્છનાં નલિયા ખાતે 1.5 ડીગ્રી જેટલુ તાપમાન નીચુ ઉતરતા આજે નલિયા ખાતે રાજયની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. નલિયામાં ગઈકાલે 11.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જયારે, આજે સવારે 10.1 ડીગ્રી તાપમાન થઈ જતા શિયાળાનો અસલી રંગ દેખાયો હતો. આ ઉપરાંત આજે ડિસા અને ગાંધીનગર ખાતે પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. આજે સવારે ડિસા ખાતે 13.9 ડીગ્રી અને ગાંધીનગરમાં 13.3 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. દરમ્યાન આજે રાજકોટ શહેરમાં પણ ચાલુ માસમાં બીજી વખત 15 ડીગ્રી આસપાસ લઘુતમ તાપમાન નોંધાયુ હતું, આજે સવારે ઠંડા પવન સાથે રાજકોટનું લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું હતું. આથી નગરજનોએ આજે સવારે પણ શિતલહેર સાથે તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો ન હતો.
તેમજ આજે સવારે અમદાવાદ ખાતે 15.2 ડીગ્રી અમરેલીમાં 15 ડીગ્રી, વડોદરામાં 16 ડીગ્રી, ભાવનગરમાં 16.6 તથા ભુજમાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.તથા આજે સવારે દિવમાં 19.7, દ્વારકામાં 19.2, કંડલામાં 17, ઓખામાં 23.6, પોરબંદરમાં 17.3, સુરતમાં 19.6 અને વેરાવળમાં 21.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.