(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26 : મોરબી નજીકના ઘૂટું ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસેથી બાળકનું કોઈ અજાણ્ય શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા બાળકના ફૈબાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને બાળકને શોધવા માટે થઈને કવાયત શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જીવાપર ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા લીલાબેન પિયુષભાઈ કાલરીયા પટેલ (ઉંમર 29)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 23/11 ના બપોરના બે વાગ્યાના અરસામાં ઘુટુ ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાએ તેનો ભત્રીજો મુકેશ (ઉંમર 13) ગયો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેને કોઈપણ કારણોસર ભગાડી જઈને અપહરણ કરી ગયેલ છે
અને તેનો પતો તા 25 ના સાંજના 7 વાગ્યા સુધી કોઈ જગ્યાએથી ન લાગતાં બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને બાળકને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા ગુમ થયેલા મુકેશના પિતાનું કુબેર સિનેમા પાસે માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું અને હાલમાં ગુમ થયેલ બાળક તેના ફૈબા અને ફુવા સાથે રહેતો હતો તે ગુમ થયો હોવાથી ફૈબા અને ફુવા સહિતના પરિવારજનો તેમજ પોલીસ બાળકને શોધી રહ્યા છે.