♦ ત્રણ વર્ષ કે તેથી વધુના કોલેજ કોર્સ માટે અમલની તૈયારી : મહારાષ્ટ્રમાં પાયલોટ પ્રોજેક્ટ આગામી માર્ચથી અમલી બનશે
નવી દિલ્હી,તા. 26
દેશમાં 18 વર્ષની ઉંમરના મતદારોની નોંધણીમાં ચાલુ વર્ષે સૌથી ઓછી સંખ્યા નોંધાતા હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોલેજમાં એડમીશન સાથે જ મતદાર તરીકે નોંધણી ફરજીયાત કરવાની વિચારણા કરી રહી છે. ગુજરાત સહિતના રાજ્યોમાં િ વવધાનસભા ચૂંટણી સમયે નવા મતદારોની સંખ્યાની નોંધણી સૌથી ઓછી થઇ છે.
તો બીજી તરફ રાજ્યમાં જન્મદર મુજબ લાખો એવા 18 વર્ષ કે તેથી ઉપરના વયસ્કો (એડલ્ટ) છે કે જેઓ મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે પરંતુ મતદાર યાદીમાં નોંધણીમાં અનેક વખત ચૂંટણી પંચ અને સરકારો દ્વારા ઝુંબેશ છતા પણ મર્યાદિત સંખ્યામાં જ નવા મતદારો નોંધાય છે તે સમયે હવે કોલેજમાં એડમીશન માટે જે 18 વર્ષની ઉંમરે કોઇપણ પ્રકારની શૈક્ષણિક સંસ્થામાં એડમીશન સમયે મતદાર તરીકે નોંધણી તરીકેનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજીયાત કરવાની તૈયારી છે.
આ અંગે પ્રથમ સંકેત મહારાષ્ટ્ર સરકારે આપ્યો છે. રાજ્યની બિન કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની જોઇન્ટ બોર્ડ મીટીંગમાં મહારાષ્ટ્રના ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણ બાબતના મંત્રી શ્રી ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ અંગે વિચારણા કરી રહી છે અને તે જૂન-2023થી અમલમાં મુકાશે. નેશનલ એજ્યુકેશન પોલીસીમાં પણ આ અંગે જોગવાઈ છે અને તેથી જ યુનિવર્સિટીઓએ તેમાં અમલ કરવો ફરજીયાત બનશે.
ત્રણ વર્ષ કે તેથી વધુના ડીગ્રી કોર્સમાં દાખલ થતા વિદ્યાર્થી કે જે 18 વર્ષથી ઉપરના હોય અને મતદાર તરીકે નોંધણી કરાવવા માટે યોગ્ય બની ગયા હોય તેને પોતાનું મતદાન નોંધણી રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ એડમીશન સમયે જ રજૂ કરવું પડશે.
આ અંગે મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં નિવૃત વાઈસ ચાન્સેલરની કમિટી બનાવવા જઇ રહી છે અને તેનો અમલ સરળતાથી થાય તે જોશે. ખાસ કરીને યુવા મતદારોની નોંધણીમાં જે રીતે ઉત્સાહ નથી તે જોતા સરકાર દ્વારા આ અંગે વિચારણા થઇ રહી છે અને મહારાષ્ટ્રમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ આવશે તેવા સંકેત છે.