‘.. એય દામોદરભાઈ!..’
પોતાનું નામ સાંભળીને દામોદરભાઈ તો ઊભા રહી ગયા. તેમને વિચાર્યું કે આ સખત ભીડમાં મને અજાણ્યાને નામ દઈને કોણે બોલાવ્યો? પાછા ફરી તેમણે જોયું તો સ્વામીજી! તેમને અતિ આશ્ર્ચર્ય થયું પછી અહોભાવ થયો અને પછી આવી ગયા આંખોમાં આંસુ. વાત જાણે એમ હતી કે મુંબઈમાં યોગીજી મહારાજનો 95 મો જન્મોત્સવ ઉજવાઇ રહ્યો હતો. મંદિરના અક્ષરભવનના બિલ્ડીંગમાં ઉપર અને નીચેના હોલ ઉપરાંત બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા માળે તથા અગાસી અને મંદિરના અન્ય પેસેજમાં પણ ક્લોઝ સર્કિટ ટીવી દ્વારા સેંકડો હરિભક્તો આ વિશિષ્ટ સભાનો લાભ લઈ રહ્યા હતા. આખું મંદિર હરિભક્તોથી ઉભરાતું હતું. હૈયે હૈયું દળાય એવી પરિસ્થિતિ હતી. સ્વામીજી સભા બાદની નિજ નિવાસે પધારી રહ્યા હતા. એમને જવા માટે સ્વયંસેવકોએ કોર્ડન કરી હતી.
ચારે કોર હરિભક્તો સ્વામીજીના દર્શન માટે ધક્કા મૂક્કી અને પડાપડી કરી રહ્યા હતા. સ્વામીજી તો હાથ જોડી બધાંનાં અભિવાદન સ્વીકારતા અને સૌને જય સ્વામિનારાયણ કહેતા ધીમા પગલે જઈ રહ્યા હતા. આવી સખત ગર્દીમાં સ્વામીજીની દ્રષ્ટિ આગળ જઈ રહેલા એક હરિભક્ત પર પડી. તેમને જતા જોઈ સ્વામીજીથી રહેવાયું નહીં અને સહેજ ઊંચા સાદે બોલી ઉઠ્યા, ’ આવો દામોદરભાઈ..’ પછી સાથેના સંતોને કહે, ’ કપોળવાડીમાં યોગીબાપાના વખતે ઓફિસમાં તેઓ સેવા આપતા હતા. આ બહુ જુના હરિભક્ત છે. આવો દામોદરભાઈ તમારી તબિયત કેવી છે?..’ દામોદરભાઈના મનમાં એમ હતું કે યોગીબાપાના અંતર ધ્યાન પછી વીસ વર્ષ સુધી હું એકેય વાર કોઈ સંતોને મળ્યો નથી. આટલાં વર્ષે આ પહેલી જ વાર હું આવું છું. મને તો કોઈ ઓળખતું પણ નથી. તો અહીં મારી ઓળખાણ કોને છે? અને મને બોલાવે છે કોણ? આ કોમળ અવાજ કોનો છે? અહીં મારું કોણ છે?.. આવો તો કેટલાય વિચારો એક સેક્ધડમાં એમના મનમાં ઊભરી આવ્યા.
તેઓ તરત ઊભા રહી ગયા અને પાછું જોયું તો સ્વામીજી! સ્વામીજી તેમની સામે મંદ મંદ હસતા હતા અને તેમને પ્રેમથી બોલાવી રહ્યા હતા. દામોદરભાઈ એકદમ હરખાઈ ગયા અને આંખમાં હર્ષનાં અશ્રુ ઊમટી આવ્યા. મુંબઈનો એક આવો બીજો પ્રસંગ છે જે જાણીને આપણું હૈયું હજ મચી જાય છે. એકવાર સ્વામીજી સભા પૂર્ણ કરીને લિફ્ટમાં પાંચમે માળે પોતાના ઉતારે જવા આવ્યા. અહીં લિફ્ટની સામે જ એક સંત બે ત્રણ અજાણ્યા વ્યક્તિને લઈને ઉભા હતા. તેમાંના એકને જોઈ સ્વામીજી હરખભેર બોલ્યા, ’ અરે નરેન્દ્ર! તું અહીં ક્યારે આવ્યો?’ સંતે પૂછયું સ્વામીજી, તમે આમને ઓળખો છો?’ સ્વામીજી કહે, ’ હા. અમે જ્યારે શાસ્ત્રીજી મહારાજ સાથે કરાંચી ગયા હતા ત્યારે આ બહુ નાના હતા.’ સ્વામીજી ચાલીસ વર્ષ પછી પહેલીવાર નરેન્દ્ર ભાઈને મળતા હતા. લગભગ અડધી સદી પહેલા સ્વામીજી નાનકડા બાળક નરેન્દ્રને મળ્યા હતા ચાલીસ વર્ષે તો વ્યક્તિનો દેખાવ બધું બદલાઈ જતું હોય છે. પણ સ્વામીજી એમને ઓળખી ગયા. નરેન્દ્ર ભાઈ સ્વામીજીના સ્મરણમાં અકબંધ હતા.
આને શું કહેવાય? સ્વામીજીની સહજાનંદી સ્મૃતિ મંજુષા કે યુગશ્રેષ્ઠ યાદશક્તિ? સ્વામીજીની આવી અલૌકિક સ્મરણ શક્તિથી બધાને બહુ આશ્ર્ચર્ય થતું. એમની આવી યાદશક્તિ લોકોનાં જીવન બદલી નાખતી. દારે સલામના સુભાષભાઈ પટેલમાં આમૂલ પરિવર્તન થયાનું મુખ્ય કારણ હતું સ્વામીજીની યાદશક્તિ. તેઓ 1995 ની સાલમાં પ્રથમવાર સ્વામીજીનાં દર્શન કરવા આવ્યા. એમને સુભાષભાઈને નામ ગામ અને પિતાનું નામ પૂછયું. તેમણે બધું જણાવ્યું. સ્વામીજી પળના પણ વિલંબ વગર કહે, ’ હા. 1960 માં તારા પિતા અને કાકા અમારા ગુરુ યોગીજી મહારાજનાં દર્શને આવ્યા હતા. તું એમની સાથે આવ્યો હતો. ત્યારે તું બહુ નાનો હતો. 35 વર્ષ જૂની આ વાત સાંભળીને સુભાષભાઈની નવાઈનો પાર ન રહ્યો. એમને થયું કે આ સંત જ એવા છે કે મારા જીવનનું પરિવર્તન કરી શકે એમ છે. કારણ કે તેઓ તે સમયે કુસંગથી બધાં જ વ્યસનથી ભરપુર હતા. અખાદ્ય ખાવું, પીવું, મારપીટ કરવી, ધમાલ કરવી વગેરે તેમનો રોજનો ક્રમ હતો.
તેઓ માનતા કે જે દિવસે ધમાલ ન કરી હોય તે દિવસ પાક્યો ન કહેવાય. તેમણે કેટલાય સરકારી ઓફિસરોને ઘરમાં કે ઓફિસોમાં પૂરીને ખૂબ માર્યા હતા. તેમના શબ્દોમાં કહીએ તો 1971 થી 1995 સુધી બિન સત્સંગી તરીકે તેમની જિંદગી ખૂબ રફ ટફ અને ખતરનાક હતી. તેઓ બે ગાડીમાં જંગલમાં જઈ ચાર રાઈફલોથી શિકાર કરતા અને ત્યાં જ રાંધીને ખાતા. આ બધું તેમના માટે ખૂબ સહજ હતું. ફક્ત સ્વામીજીની એક જ મુલાકાત અને એમની તીવ્ર સ્મરણ શક્તિએ સુભાષભાઈને ચુસ્ત સત્સંગી બનાવી દીધા. તે દિવસ પછી તેમણે બંદૂકો મૂકી દીધી અને હાથમાં માળા લઈ લીધી. તેઓ મંદિરની સવાર સાંજની આરતી ક્યારેય ચૂકતા નહીં. નિયમિત ચેષ્ટા પણ બોલતા. વળી વચનામૃત સ્વામીની વાતો વગેરે શાસ્ત્રનું રોજ વાંચન કરતા. તેઓ એવું કહેતા કે સ્વામીજીએ મને માટીમાંથી સોનું બનાવી દીધો છે. હા અમે એવા સદગુણી સુભાષભાઈના ખૂબ સારી રીતે દર્શન કર્યા છે. તેઓ ખરેખર એવા જ પ્રેરણાદાયી હતા. સ્વામીજીની અપૂર્વ સ્મરણશક્તિ કથીના કંચન કરવા સમર્થ હતી. આવા હતા પ્રમુખસ્વામી મહારાજ. તેઓ કોઈને ન ભૂલે તો આપણાથી સ્વામીજી કેમ ભુલાય?