ખાકી: નેટફ્લિક્સનું નબળું ‘મિર્ઝાપુર’!

26 November 2022 11:51 AM
Entertainment
  • ખાકી: નેટફ્લિક્સનું નબળું ‘મિર્ઝાપુર’!

પાછલાં વર્ષોની અંદર જુદા જુદા ઑટીટી પ્લેટફોર્મ્સ પર આપણે અસંખ્ય ક્રાઈમ-ડ્રામા વેબસીરિઝ જોઈ કાઢી છે. મિર્ઝાપુર, ભૌકાલ, સેક્રેડ ગેમ્સ વગેરે એમાંની કેટલીક જાણીતી વેબસીરિઝ છે. નેટફ્લિક્સે થોડા વર્ષો પહેલાં બોબી દેઓલ સ્ટારર ‘ક્લાસ ઑફ 83’ વેબસીરિઝ રીલિઝ કરી હતી, પરંતુ એને પ્રેક્ષકોનો ખાસ કંઈ પ્રતિસાદ સાંપડ્યો નહોતો. એક હકીકકત એ છે

કે નેટફ્લિક્સ ભારતમાં પોતાનો વ્યાપ વધારવા માટે અતિશય ફાંફા મારી રહ્યું છે, પણ તેની પોતાની ટીમમાં કોઈ ભલીવાર ન હોવાને કારણે સારા-સારા શો આજકાલ હોટસ્ટાર, ઝી-ફાઇવ, સોની લિવ અને એમેઝોન પ્રાઇમ વીડિયો પાસે ચાલ્યા જાય છે. એક વિચારણા એવી પણ ચાલે છે કે નેટફ્લિક્સ ટૂંક સમયની અંદર પોતાનો ખર્ચો કાઢવા માટે ઑટીટી એપ પર જાહેરાતો આપવાનું શરૂ કરે એવી સંભાવના છે. એવામાં નેટફ્લિક્સ પર પણ સફળ ક્રાઇમ-થ્રીલર ડ્રામા રીલિઝ કરવાના અભરખા સાથે ગઈકાલે ‘ખાકી’ ખાબકી છે! જેનું દિગ્દર્શન કર્યુ છે, સ્પેશિયલ ઑપ્સ ફેમ નીરજ પાંડેએ!

બિહારમાં વર્ષ 2000 થી 2006 ની વચ્ચે બનેલા વાસ્તવિક ક્રાઇમ ઉપર આધારિત આ વેબસીરિઝ મૂળે તો આઇ.પી.એસ. અમિત લોઢા લિખિત અંગ્રેજી પુસ્તક પર આધારિત છે. તમામ ઘટનાઓ વાસ્તવિક છે, એમાં ક્યાંક ક્યાંક ફિક્શનનો મસાલો ભભરાવવામાં આવ્યો છે.

ચંદન મહાતો (અવિનાશ તિવારી) જેવા નામચીન ગુંડાના આતંકને ખતમ કરવા માટે બિહારમાં આઇ.પી.એસ. અમિત લોઢા (કરણ ટેકર)ની નિમણૂંક થાય છે, જે અત્યંત પ્રામાણિક અને સત્યપ્રેમી ઑફિસર છે. ચંદન અને અમિત વચ્ચેની ટક્કરમાં જીત કોની થાય છે, એ જાણવા માટે તો સીરિઝ જ જોવી રહી. આમ જોવા જાઓ તો સીરિઝમાં નવું કશું જ નથી! પોણી કલાકના સાત એપિસોડસ હદ કરતા વધુ લાંબા બનાવવામાં આવ્યા છે, જેના કારણે એક સમય પછી સીરિઝ પ્રેક્ષકને કંટાળો અપાવવા માંડે છે.

બેશક, કરણ ટેકર, અવિનાશ તિવારી, આશુતોષ રાણા, રવિ કિશન વગેરે ધુરંધર કલાકારો છે અને એમના અભિનયનો કોઈ જવાબ નથી. આમ છતાં, સ્ક્રીનપ્લેની ખેંચાતાણીને કારણે ધીરે ધીરે સીરિઝની મજા મરી જાય છે. અધૂરામાં પૂરું, નિકિતા દત્તા જેવી એક્ટ્રેસના પાત્રને ફક્ત અડધુંપડધું લખવામાં આવ્યું હોય એવું લાગ્યું. ખાકીની બીજી સિઝન આવે એવા કોઈ એંધાણ જણાતાં નથી. જો વીકેન્ડમાં સમય હોય અને બીજું કશું જોવાલાયક ન હોય તો એકાદ વખત ખાકી જોઈ લેવામાં વાંધો નહીં. પરંતુ કંઈ નવું જોવાની અપેક્ષાએ આ સીરિઝ જોવાનું આયોજન કરી રહ્યા હો તો અટકી જજો!

[email protected]

કેમ જોવી?: ક્રાઇમ-એકશન ડ્રામા પસંદ હોય તો!

કેમ ન જોવી?: બંદુકની ગોળીના ઢીશૂમ-ઢીશૂમ અને ગુંડા-પોલીસની દોડ જોઈને થાક્યા હો તો!

-: ક્લાયમેક્સ :-
અજય દેવગનની ‘દ્રશ્યમ-2’નો બોક્સ-ઑફિસ બિઝનેસ 100 કરોડના આંકડાને પાર કરી ગયો છે. બીજી બાજુ, વરૂણ ધવન અભિનીત ‘ભેડિયા’ના પ્રતિભાવ પણ સારા આવી રહ્યા છે. લાગે છે, બોલિવૂડ પર લાગેલું ગ્રહણ દૂર થઈ રહ્યું છે.

સાંજ સ્ટાર અઢી ચોકલેટ


Related News

Advertisement
Advertisement
Advertisement