નવીદિલ્હી, તા.26
ભારતીય ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધો કેવા છે તે જગજાહેર છે. પીસીબી ભારત સાથે શ્રેણી રમવા માટે એડીચોટીનું જોર લગાવી ચૂક્યું છે. આ વાતને લઈને આઈસીસીની શરણમાં જઈને પણ ખાલી હાથે પરત ફર્યું છે.
બીસીસીઆઈએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે આઈસીસી અથવા બહુદેશીય ટૂર્નામેન્ટમાં જ ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમશે પરંતુ તેના માટે એવી શરત રાખવામાં આવી છે કે મુકાબલો તટસ્થ સ્થળ પર થવો જોઈએ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનમાં ટીમ એશિયા કપ રમવા કોઈ પણ કિંમતે જશે નહીં.
બીસીસીઆઈ સચિવ જય શાહે સોઈ ઝાટકીને કહી દીધું હતું કે, ભારતીય પાકિસ્તાનમાં એશિયા કપ રમવા જશે જ નહીં એટલા માટે તેને કોઈ તટસ્થ સ્થળે રમાડવાનો વિચાર કરવો જોઈએ. આ નિવેદન બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો. હવે પીસીબી ચીફ રમીઝ રઝાએ ઈન્ટરવ્યુમાં એવું કહ્યું છે કે ભારતમાં રમાનારા વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ સામેલ થશે નહીં.
રમીઝ રઝાએ કહ્યું કે, જો પાકિસ્તાનની ટીમ આવતાં વર્ષે ભારતમાં રમાનારા વર્લ્ડકપમાં ભાગ નહીં લ્યે તો કોણ આ ટૂર્નામેન્ટને જોશે ?! અમારો પક્ષ બિલકુલ સાફ છે કે જો ભારતીય ક્રિકેટ ટીમ અહીં પાકિસ્તાનમાં આવીને રમશે તો જ અમે ભારતમાં જઈને રમશું. જો તેઓ અહીં નહીં આવે તો અમે પણ ત્યાં રમવા જવાના નથી.
અમે અમારું આક્રમક વલણ યથાવત રાખશું. અમારી ટીમ અત્યંત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. મેં એ વાત હંમેશા કહી છે કે આપણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવાની જરૂર છે અને આ ત્યારે જ સંભવ બની શકશે જ્યારે આપણું પ્રદર્શન સારું હશે.
વર્ષ 2021ના ટી-20 વર્લ્ડકપમાં અમે ભારતને હરાવ્યું હતું. આ પછી અમે એશિયા કપ ટી-20માં પણ ભારતીય ટીમને પરાજિત કરી હતી. એક વર્ષની અંદર અમે બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતાં દેશને બે વાર હરાવવાની કમાલ કરી છે.