નવીદિલ્હી, તા.26
આર્જેન્ટીના વિરુદ્ધ યાદગાર જીત બાદ સાઉદી અરબમાં ઉજવણીનો માહોલ હજુ પણ જોવા મળી રહ્યો છે. આ જીતને ત્રણ દિવસ થઈ ગયા છે છતાં હજુ તેનો જશ્ન ચાલી રહ્યો છે. હવે સાઉદી અરબ સરકારે એવી જાહેરાત કરી છે કે ટીમના તમામ ખેલાડીઓને રોલ્સ રોયસ કાર ભેટમાં આપવામાં આવશે.
સાઉદી અરબના રાજા મોહમ્મદ બિન સલામ અલ સઉદે એ વાતનું એલાન કર્યું કે તમામ ખેલાડીઓને રોલ્સ રોયસ ફેન્ટમ કારથી સન્માનિત કરવામાં આવશે. સાઉદી અરબની ટીમે દક્ષિણ અમેરિકી ટીમ આર્જેન્ટીનાને 2-1થી હરાવી હતી. લિયોનલ મેસ્સીના ગોલ છતાં આર્જેન્ટીનાની ટીમ મેચને પોતાના નામે કરી શકી નહોતી.
તેણે હાફટાઈમ સુધી 1-0થી લીડ હાંસલ કરી હતી પરંતુ બીજા હાફમાં સાઉદી અરબે ધમાકેદાર વાપસી કરી અને મેચને પોતાના નામે કરી લીધો હતો. ભારતમાં રોલ્સ રોયસ ફેન્ટમની કિંમત 8.99 કરોડ રૂપિયાથી શ- થઈને 10.48 કરોડ રૂપિયા સુધી થવા જાય છે.
સાઉદી અરબે આર્જેન્ટીનાની 36 મેચ સુધી સતત જીતવાના અભિયાનને પણ રોકી દીધું હતું. દુનિયાની 51મા નંબરની ટીમ સાઉદી અરબે એક મહત્ત્વપૂર્ણ જીત સાથે પોતાના વિશ્વકપ અભિયાનનો પ્રારંભ કર્યો હતો.