નવીદિલ્હી, તા.26
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રતિષ્ઠિત શ્રેણીનો પ્રથમ મુકાબલો ઑક્લેન્ડમાં રમાઈ ગયો છે જેમાં ન્યુઝીલેન્ડે 17 બોલ બાકી રહેતાં સાત વિકેટે મોટી જીત હાંસલ કરી છે. મેચ દરમિયાન ભારતીય બોલરો ફરીવાર મેદાન પર નિષ્પ્રભાવી જોવા મળ્યા હતા.
ટીમ માટે અર્શદીપ સિંહે પોતાની 8.1 ઓવરના સ્પેલમાં 68 રન લૂંટાવી દીધા તો શાર્દૂલ ઠાકુરે નવ ઓવરમાં 63, ઉમરાન મલિકે 10 ઓવરમાં 66 અને યુઝવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 67 રન ખર્ચ કરી નાખ્યા હતા. હવે આવતીકાલે બન્ને ટીમો વચ્ચે શ્રેણીનો બીજો મુકાબલો થવાનો છે ત્યારે આ મુકાબલો ભારત માટે શ્રેણી બચાવવા તો ન્યુઝીલેન્ડ માટે શ્રેણી જીતવાની તક સમાન બની રહેશે.
પહેલાં મુકાબલામાં કેપ્ટન ધવન ચાર બેટર, બે વિકેટકિપર-બેટર, બે ઑલરાઉન્ડર, બે ફાસ્ટ બોલર અને એક સ્પિન બોલર સાથે મેદાને ઉતર્યો હતો પરંતુ ધવનની આ પ્લેઈંગ ઈલેવનમાં ઑલરાઉન્ડર દીપક હુડ્ડાનું નામ ગાયબ હતું જેણે ટી-20 શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં હુડ્ડાનું પ્રદર્શન સરાહનીય રહ્યું હતું.
બેટિંગ દરમિયાન નીચલા ક્રમમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતોપ રંતુ બોલિંગ દરમિયાન તેણે બીજા ટી-20 મુકાબલામાં ચાર વિકેટ ખેડવીને વિપક્ષી ટીમને ખળભળાવી નાખી હતી. તેણે ટીમ માટે આ મેચમાં 2.5 ઓવરની બોલિંગ કરી હતી જે દરમિયાન 3.53ની ઈકોનૉમીથી માત્ર 10 રન આપીને ચાર વિકેટ મેળવી હતી.
હવે આવતીકાલે શ્રેણીનો બીજો મેચ રમાવાનો છે ત્યારે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે. આ મેચમાં સંભવત: ઋષભ પંતને પડતો મુકીને વધુ એક ફાસ્ટ બોલરના રૂપમાં દીપક ચાહરને લેવામાં આવી શકે છે અથવા તો પછી કુલદીપ સેનનું ડેબ્યુ થઈ શકે છે. આ મુકાબલો કાલે સવારે 7 વાગ્યાથી શરૂ થશે.