જસદણ બેઠકના 68 મતદાન બિલ્ડીંગ ઉપર ચૂંટણી પંચ દ્વારા વેબકાસ્ટિંગ કરાશે

26 November 2022 12:22 PM
Jasdan
  • જસદણ બેઠકના 68 મતદાન બિલ્ડીંગ ઉપર ચૂંટણી પંચ દ્વારા વેબકાસ્ટિંગ કરાશે

જસદણ, તા. 26 : જસદણ વિધાનસભા બેઠકના મતદાન મથકોના કુલ મળીને 68 મતદાન મથકના બિલ્ડીંગ ઉપર વિડીયો દ્વારા વેબ કાસ્ટિંગ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો, ઓછું મતદાન થતું હોય તેવા મતદાન મથકો, વધારે મતદાન થતું હોય તેવા મતદાન મથકો તેમજ અગાઉ કોઈ જૂથ અથડામણ થઈ હોય અથવા મતદાન પ્રક્રિયામાં અડચણરૂપ ઘટના બની હોય

તેવા મતદાન મથકો ઉપર સામાન્ય રીતે વેબકાસ્ટિંગ કરવામાં આવે છે એટલે કે આવા મતદાન મથક ઉપર સીસીટીવી કેમેરાની જેમ સમગ્ર મતદાન મથકની મતદાનનાં દિવસે આખા દિવસની પ્રક્રિયાનું લાઇવ વિડિયો કરવામાં આવે છે. જોકે આ લાઇવ વિડિયો ફક્ત મુખ્ય ચૂંટણી અધિકારી સહિત ચૂંટણી પંચનાં ઉચ્ચ અધિકારીઓ જોઈ શકે છે.

72 - જસદણ વિધાનસભા બેઠક માટે જસદણ શહેરના મતદાન મથકના 5 બિલ્ડિંગ, જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 35 બિલ્ડીંગ, વિછીયા શહેર અને તાલુકાના 24 બિલ્ડીંગ તેમજ જસદણ બેઠક હેઠળના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાં 4 બિલ્ડિંગ મળીને કુલ 68 મતદાન મથકના બિલ્ડીંગ ઉપર અને કુલ મળીને 131 મતદાન મથક ઉપર ચૂંટણી પંચ દ્વારા વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જસદણ ચૂંટણી અધિકારી રાજેશ જી. આલના માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારી અને જસદણ મામલતદાર સંજયસિંહ અસવાર દ્વારા આ અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. (તસવીર ધર્મેશ કલ્યાણી (જસદણ)


Advertisement
Advertisement
Advertisement