(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26 : મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા અને મોબાઇલ રીપેરીંગનુ કામ કરતાં યુવાને ધંધા માટે અને અને વ્યાજખોરોના વ્યાજ ચૂકવવા માટે જુદાજુદા 12 શખ્સો પાસેથી પાંચ ટકાથી લઈને 20 ટકા સુધીના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ વ્યાજખોરો દ્વારા યુવાનની દુકાને અને ઘરે આવીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીને યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ તેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 12 વ્યાજખોરોની સામે નામ જોગ ફરિયાદ નોંધાવી હતી જેમાંથી પોલીસે હાલમાં આઠ આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શે.નં. 10 ભારત નિવાસ મકાનમાં રહેતા અને મોબાઇલ રીપેરીંગનુ કામ કરતાં રાજેશભાઇ તુલસીભાઇ ભોજવાણી જાતે સીંધી (41)એ દિપકભાઇ ગોગરા, ફારૂકભાઇ જેડા, મુકેશભાઇ મોચી, નરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ ભરવાડ, લાલાભાઇ ભરવાડ, જીતુભાઇ શર્મા, ડેવીડ અનીલભાઇ રાજા, અશ્વીનભાઇ પટેલ, શિવુભા અને વિરૂભા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર રોડ જી.એમ.કોમ્પલેક્ષ તથા તેના ઘરે આવીને વ્યાજ તેમજ મુદલની વ્યજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી
જેથી કરીને તે ઝેરી દવા પી ગયો હતો અને તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, યુવાને બે વર્ષના સમયગાળામાં ધંધા માટે તેમજ વ્યાજના ચક્રમાંથી નીકળવા માટે તેને આ તમામ શખ્સો પાસેથી સમયાંતરે પાંચ ટકાથી લઈને 20 ટકા સુધીના ઊંચા વ્યાજે રૂપિયા લીધેલ હતા અને તે રકમ કુલ મળીને 7.10 લાખ રૂપિયા થાય છે જેની સામે અમુક રકમ ચૂકવી દીધી છે તો પણ આરોપીઓ તેની પાસેથી ઉચા વ્યાજ સહિતની રકમની પઠાણી ઉઘરાણી કરતાં હતા અને તેની દુકાને અવાર નવાર આવતા હતા જેથી કરીને તેને દુકાન બંધ કરી દીધી હતી. આ શખ્સોએ યુવાનના ઘરે આવીને ભુંડા બોલી ગાળો આપીને બેંકના કોરા ચેકમાં બળજબરીથી સહીઓ કરાવી લઇ ગયેલ છે અને વ્યાજ સહીત રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી
જેથી કરીને યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી દિપકભાઇ ગાંડુભાઇ ગોગરા જાતે બોરીચા (50) રહે. વાઘપરા, ફારૂકભાઇ દિલાવરભાઈ જેડા (30) રહે. ઉમા ટાઉનશીપની સામે મોરબી, મુકેશભાઇકાનજીભાઇ વાઘેલા જાતે મોચી (58) રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી, નરેન્દ્રસિંહ મનુભા જાડેજા (35) રહે. કાલિકા પ્લોટ મોરબી, રમેશભાઇ મોતીભાઈ રાઠોડ જાતે ભરવાડ (38) રહે. ભગવતી પરા મેઇન રોડ વાવડી રોડ મોરબી, ડેવીડ અનીલભાઇ રાજા (28) રહે. લોટસ રેસિડેન્સી રવાપર, અશ્વીનભાઇ રામજીભાઇ પટેલ રહે. પંચસર રોડ મોરબી પ્રહલાદ સોહરાજ શર્મા (38) રહે. ગૌરાંગ શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.