(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26
મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા બ્રાન્ડેડ વિદેશી દારૂની એક બોટલ સાથે એક શખ્સને પકડવામાં આવ્યો છે. તે રીતે જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પણ વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઇસમને પકડવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
તાજેતરમાં ચૂંટણીઓ ચાલી રહી છે અને ચૂંટણીમાં બંને પક્ષો તરફથી એકમેક ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેમાં ગેસના ભાવ વધારાનો મુદ્દો પણ મુખ્ય છે. જે ગેસનો બાટલો 400-500 રૂપિયાનો હતો તે આજે એક હજાર રૂપિયાનો મળે છે તેને લઈને પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને આ મોંઘો ગેસનો બાટલો લોકોને પોસાતો નથી તે હકીકત છે ત્યારે જો વાત કરીએ દારૂની તો દારૂની બોટલ 300 ની હતી તે આજે 2000-3000 ની મળે તો પણ ખરીદવામાં વાંધો નથી તેવા પણ લોકો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો
ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર વિરાટનગરના બસ સ્ટેશન પાસેથી નીકળેલ જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા દરબાર (ઉમર 35) રહે. પીપળી તા.જી.મોરબીને અટકાવી તેની જડતી લેવામાં આવતા તેની પાસેથી મોંઘીદાટ જોની વોકર બ્રાન્ડની બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની એક બોટલ કિંમત રૂા. 2000 મળી આવી હતી જેથી હાલમાં પ્રોહીબીશન એકટ હેઠળ જીતેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે તે આ મોંઘીદાટ દારૂની બોટલ કોની પાસેથી લાવ્યો હતો? અને ક્યાં આપવા જતો હતો? તે દિશામાં તાલુકા પોલીસ મથકના દિનેશભાઈ બાવળીયા સહિતનો સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે.
બે બોટલ દારૂ
શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસેથી એ ડિવિઝન પોલીસે ભાવેશ મનસુખભાઇ ડાભી રહે. ગોકુલનગર વાળાની વિદેશી દારૂની બે બોટલ સાથે પોલીસે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રૂા.750 રૂપિયાની દારૂની બોટલ કબ્જે કરેલ છે.
ફીનાઈલ પી લેતા સારવારમાં
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળ આવેલ વિપુલનગરમાં રહેતા સોનલબેન રોહિતભાઈ ખુમાણ નામની મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી. બી ડિવિઝન પીએસઆઇ જે.એલ.ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રહેતા ગુલાબબા દિલુભા ચૌહાણ નામના 60 વર્ષના વૃદ્ધા બાઈકના પાછળ બેસીને જતા હતા ત્યારે નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.