મોરબી નજીક કારખાનામાં રિવર્સમાં આવતી બોલેરોના ચાલકે માથું કચડી નાખતા દોઢ વર્ષના બાળકનું મોત

26 November 2022 12:37 PM
Morbi
  • મોરબી નજીક કારખાનામાં રિવર્સમાં આવતી બોલેરોના ચાલકે માથું કચડી નાખતા દોઢ વર્ષના બાળકનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26 : મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ કારખાનામાં બેફિકરાઇથી બોલેરો ગાડીને રિવર્સમાં લેતા પાછળના ભાગમાં રમી રહેલ દોઢ વર્ષના બાળક ઉપર બોલેરોનું ટાયર ફરી વળ્યું હતું જેથી કરીને બાળકને માથામાં ગંભીર ઈજા થતાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને હાલમાં મૃતક બાળકના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીમાં રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ક્રીડ કેમિકલ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભીલુભાઈ ઉર્ફે રાહુલ કમરૂભાઈ બિલવાલ જાતે ભીલ આદિવાસી (ઉંમર 25) એ બોલેરો ગાડી નં જીજે 13 એડબલ્યુ 9842 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેનો દોઢ વર્ષનો દીકરો કાર્તિક ભીલુભાઈ બિલવાલ પોતાની રૂમ પાસે રમતો હતો

ત્યારે બોલેરો ગાડીના ચાલકે ગફલત ભરી રીતે
પોતાની ગાડીને બેફિકરાઈથી રિવર્સમાં લીધી હતી ત્યારે ક્લીનર સાઈડના પાછળના ટાયરમાં તેના દોઢ વર્ષના દીકરાનું માથું આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હોવાથી બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યારબાદ બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના પિતાએ બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ મોરબી ટ્રાન્સપોર્ટની બાજુમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા રસીદ જુમાભાઈ ચૌહાણ જાતે સિપાહી (ઉંમર 36) રહે. મચ્છીપીઠ મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 15430 ની રોકડ કબજે કરી હતી અને તેની પાસેથી રસીદ ઘોઘારી રહે. વિસાવદર મેઇનબજાર વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જુગાર
માળીયા મીયાણાના કોળીવાસમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઈ જેડા (ઉંમર 40) અને હિતેશ દેવજીભાઈ ચાવડા (ઉંમર 25) રહે. બંને માળિયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 460 ની રોકડ કબજે કરી તેની સામે જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


Advertisement
Advertisement
Advertisement