(પ્રશાંત જયસ્વાલ/ વિશાલ જયસ્વાલ) હળવદ,તા.26 : હળવદ ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીના પટમાં થઇ રહેલી રેતી ચોરી મામલે મોરબી ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી છે. જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા પાંચ હોડકા, એક લોડર મશીન, ચાર ટ્રેકટર, અને 3 સેની કંપનીના એક્ઝિવેટર મશીનના માલિકો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીના પટમાંથી ઘણા લાંબા સમયથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની જાગૃત નાગરિક જગાભાઈ ગઢવીએ અનેકવાર ફરિયાદ કરી હતી. જેને લઇને મોરબી ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં બ્રાહ્મણી નદીના પટમાંથી મોટા પ્રમાણમાં રેતીની ચોરી થતી હોવાનું ખુલ્યું હતું. અને મોરબી ખાણ ખનીજ વિભાગે બ્રાહ્મણી નદીના પટમાંથી પાંચ હોડકા, એક લોડર મશીન, ચાર ટ્રેકટર, અને 3 સેની કંપનીના એક્ઝિવેટર મશીન કબજે કર્યા છે.
અને 2,11,482 મેટ્રિક ટન સાદી રેતીનું ખનન થયું હોવાનું સામે આવતા ડ્રોન સર્વેલન્સ બાદ પ્રતિ ટન રેતીના 240 રૂપિયા લેખે કુલ 7,15,65,547ની ખનીજ ચોરી અંગે પકડાયેલા વાહનોના માલિકો સામે હળવદ પોલીસ મથકમાં આઇપીસી કલમ 379 તેમજ ગુજરાત મિનરલ્સ રુલ 2017ની જુદી જુદી કલમો મુજબ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.