જસદણ,તા.26
જસદણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ બીજા રાઉન્ડમાં ચૂંટણી ખર્ચ રજૂ કર્યા હતા. જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ સમક્ષ ઉમેદવારોના ખર્ચ એજન્ટો દ્વારા ચૂંટણી માટે કરેલા ખર્ચ રજૂ કરવામાં આવ્યા હતા.
જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ તા. 18-11 થી તારીખ 22-11 સુધીનો કુલ 4,89,132 નો ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં વીંછિયા ખાતે મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં કાર્યાલય નાં ઉદઘાટન પ્રસંગે 1200 વ્યક્તિના જમણવાર 110 રૂપિયા મુજબ 1,32,000 , ત્યાં સભા માટે સાઉન્ડ, મંડપ, ખરશી, સોફા વગેરેના 23135, જુદા જુદા ડીજે નાં 80,000, ડીઝલ વગેરે નાં 90,000 વગેરે દર્શાવ્યા છે. આમ કુંવરજીભાઈએ ફોર્મ ભર્યું ત્યારથી અત્યાર સુધીમાં રૂપિયા 8,47,312 નો ખર્ચ કર્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે તા. 18 થી તા. 22 સુધીનો કુલ રૂપિયા 1,16,427 નો ખર્ચ રજૂ કર્યો છે. જેમાં ચા - પાણીના રૂ. 4500, ડીજે ખર્ચ રૂ. 8000, મંડપ વગેરે 2250, ડ્રાઇવર, ગાદલા ભાડું વગેરે દર્શાવવામાં આવ્યા છે. ભોળાભાઈ ગોહિલે ફોર્મ ભર્યું ત્યારથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 2,78,757 નો ખર્ચ કર્યો છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરાએ ફોર્મ ભર્યું ત્યારથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 73774 નો ખર્ચ કર્યો હતો. ચૂંટણી પંચનાં નિયમ મુજબ કુલ 40 લાખની મર્યાદામાં ખર્ચ રજૂ થાય છે બાકી ચૂંટણીમાં મુખ્ય બંને પક્ષનાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચમાં દર્શાવ્યા સિવાયનો અનેક ગણો ખર્ચ કરતા હોય છે તે દરેક મતદારો જાણતા જ હોય છે.