(વિપુલ હિરાણી) ભાવનગર તા.26
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંઢેરા ગામની સીમમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર ઝડપી લઈ ખંઢેરા ગામના ઈસમની એસ.ઓ.જી. પોલીસે રૂ।6.59 લાખના લીલા ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
તળાજાના દાઠા પોલીસ મથક તાબેના ખંઢેરા ગામની અરેણીયા સીમ તરીકે ઓળખાતી જગ્યામાં ગામના ગોરધનભાઈ બચુભાઈ કાકડીયા અને જીવરાજભાઈ બચુભાઈ કાકડીયાની જમીન પૈકી 27 વીઘા ખેતીની જમીન ફારમેં રાખી આજ ગામમાં રહેતા ધનજી વજાભાઈ ઢાપા અને ધરમશી વજાભાઈ ઢાપાએ વાડીમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે લીલા ગાંજામાં છોડનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એસ.ઓ.જી. ટીમે બાતમીવાળી વાડીમાં દરોડો પાડતા વાડીમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું.
એસ.ઓ.જી. ટીમે લીલા ગાંજાના નાની-મોટી સાઇઝના 291 નંગ છોડ જેનું વજન 529.780 ગ્રામ થતું હોય, જેની કિં. રૂ।6,28,900 તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ।6,50,900 ના મુદ્દામાલ સાથે ધનજી વજાભાઈ ઢાપા (ઉ.વ.36) રહે. ખંઢેરાને ઝડપી લીધો હતો. એસ.ઓ.જી. પોલીસે વાડીમાં ગાંજાનો વાવેતર કરનાર ખંઢેરા ગામના બંને ભાઈઓ ધનજી ઢાપા અને ધરમશી ઢાપા વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં નાર્કોટિક્સ એક્ટરની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.