નવી દિલ્હી,તા. 26
મોતીલાલ નહેરુ રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થાન દ્વારા દેશની પ્રથમ માનવરહિત કાર તૈયાર કરવામાં આવી છે અને તે બીટેકના એક વિદ્યાર્થીએ તૈયાર કરી છે. અમેરિકાના ઉદ્યોગપતિ અને હાલમાં ટવીટરથી વિવાદમાં આવેલા એલન મસ્કની કંપની ટેસ્લા દ્વારા ડ્રાઇવરરહિત કારનું પરિક્ષણ ચાલી રહ્યું છે તે સમયે જ આ ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીએ માઈક્રો સોફટ ઇન્ડીયાના અધ્યક્ષ અહમદ મઝહરીની સમક્ષ આ કારનું ડેમોન્સ્ટ્રેશન કર્યું છે.
ડ્રાઇવર વગરની આ કારનું પ્રથમ તબક્કો પૂરો કરવામાં આવ્યો છે અને લગભગ બે માસની મહેનત બાદ તે તૈયાર કરાયો છે અને હવે તેની વ્યાપારી ઉપલબ્ધતા અંગે નિર્ણય લેવાશે. આ ડ્રાઈવરની વગરની કારનું કોડીંગ અને પ્રોગ્રામીંગ સફળ થયા બાદ તેને સડક પર દોડાવવામાં માટેનો પ્રયોગ શરુ કરવામાં આવશે.
આ કારની આગળ અને પાછળના ભાગમાં કેમેરા લગાવાયા છે અને તે જીપીએસ સિસ્ટમના આધારે ચાલે છે અને અવરોધ આવતા જ તે ખુદ બ્રેક લગાવી દેશે. આ ઉપરાંત તે ટ્રાફીકની પરિસ્થિતિ મુજબ પોતાની સ્પીડ વધુ-ઓછી કરશે.