મુંબઇ,તા.26 : ટીવી અને ફિલ્મ જગતના વરિષ્ઠ અભિનેતા વિક્રમ ગોખલેનું આજે શનિવારે નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. આજે 77 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિક્રમ ગોખલે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. અને લાઇફ સપોર્ટીંગ સિસ્ટમ પર હતા. તેમના નિધનની ત્યારે અફવા ફેલાઇ હતી. જેનું ખંડન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો. તેમને પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, વિક્રમ ગોખલે પુણેમાં એકટિંગ સ્કુલ ચલાવતા હતા. ગોખલે માટે એવું કહેવાય છે કે તેમનો દમદાર અવાજ અને મોટી મોટી આંખો કોઇપણ પાત્રમાં જીવ લાવી દેતા હતા.
વિક્રમ ગોખલેએ હમ દિલ દે ચુકે સનમ, તુમ બિન, હિચકી, મિશન મંગલ જેવી ફિલ્મોમાં અભિનય કરી પ્રશંસા મેળવી હતી. ગુજરાતી ફિલ્મ કોઇનું મીંઢણ કોઇના હાથે, ફિલ્મમાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે અનેક મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. વિક્રમ ગોખલેએ 1971માં બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. તેની પ્રથમ ફિલ્મ અમિતાભ બચ્ચ્ન સાથેની પરવાના હતી. અમિતાભ સાથે ખુદાગવાહ, અગ્નિપથમાં પણ કામ કર્યુ હતું.