♦ ટિકિટની ફાળવણી થયા બાદ નારાજ થયેલા સમાજનું લિસ્ટ એક પછી એક લંબાતું જ જતું હોવાથી ખુદ મોદી સભા થકી સૌને રાજી રાજી કરી દેશે તેવો શરૂ થયેલો ગણગણાટ
♦ મોદીની જે ચાર શહેરમાં જાહેરસભા છે તે રાજકોટ, અંજાર, પાલીતાણા અને જામનગર ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાં કોઈને કોઈ સમાજ ભાજપથી અળગો થવા લાગ્યો હોવાને કારણે હવે તેમને ‘સાચવી’ લેવા માટે કમાન મોદીના હાથમાં
♦ લોકસભા હોય કે વિધાનસભા...દરેક ચૂંટણીમાં છેલ્લી ઘડીએ જ મોદી ‘એક તીરથી અનેક નિશાન’ તાકી લેવા માટે જાણીતા હોવાથી હવે સૌને ભાજપ તરફે કેવી રીતે કરી લ્યે છે તેના પર સૌની મીટ
♦ વડાપ્રધાન માત્ર સભા જ કરે છે કે પછી નારાજગી પણ દૂર કરી દે છે કે કેમ ? તેના ઉપર ભાજપ મોવડીમંડળની મંડાતી મીટ: ભાજપ માટે સોમવાર અત્યંત મહત્ત્વનો સાબિત થશે
♦ સૌરાષ્ટ્રમાં આંતરિક ‘કકળાટ’ને ડામી દે, સમાજને ભાજપની નજીક લાવી દે તેવી સક્ષમ નેતાગીરી ન હોવાથી હવે મોદી જ નૈયા પાર લગાવશે તેવી ચર્ચા
♦ રાજકોટની ચાર બેઠકની જ વાત કરવામાં આવે તો આ ચારેય બેઠક આમ તો ‘સેઈફ’ ગણાઈ રહી છે પરંતુ સમાજની નારાજગીનો ‘કરંટ’ ન લાગી જાય તે માટે ખુદ મોદી મેદાનમાં
રાજકોટ, તા.26
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ચાર દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે આ વખતે આખરે મતદારો છે કોની તરફે ? તેનો તાગ ખુદ ‘નાડપારખું’ ભાજપ પણ કાઢી શક્યો નથી. બીજી બાજુ જ્યારથી ટિકિટની ફાળવણી થઈ ત્યારથી લઈ આજ સુધીમાં દરેક બેઠક ઉપર કોઈને કોઈ સમાજે ભાજપ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હોવાથી ‘ડેમેજ કંટ્રોલ’ કરવા માટે ભાજપની પ્રદેશ નેતાગીરીએ દોડધામ શરૂ કરી દીધી હતી. જો કે ક્યાંક તેમને સફળતા સાંપડી તો અનેક જગ્યાઓ એવી છે જ્યાં નેતાગીરી નારાજગીને ડામી શકી નથી.
ખાસ કરીને 2017માં સૌરાષ્ટ્રમાં ભાજપને ઘણું જ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું તેવું આ વખતની ચૂંટણીમાં ન ખમવું પડે તે મુદ્દાને ધ્યાનમાં રાખી ટિકિટો આપવામાં આવી હતી છતાં ક્યારેય ન ઉદ્ભવ્યો હોય તેવો ‘કકળાટ’ શરૂ થઈ જતાં હવે તમામ સમાજની નારાજગી દૂર કરવા માટે ભાજપે પોતાના ‘ટ્રમ્પકાર્ડ’ના રૂપમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઉતાર્યા છે.
સોમવારે વડાપ્રધાનની સૌરાષ્ટ્રના ચાર મોટા શહેરોમાં જાહેરસભા યોજાવાની છે ત્યારે આ સભા થકી તેઓ ‘માસ્ટર સ્ટ્રોક’ ફટકારીને સૌને ‘ખુશ’ કરી દેશે કે કેમ તે સહિતની ચર્ચાઓ અત્યારે શરૂ થઈ ગઈ છે. મોદીની સભા મતદાનના બે દિવસ પહેલાં જ યોજાનાર હોવાથી ભાજપ માટે તે અત્યંત મહત્ત્વની સાબિત થશે.
સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ચાર શહેરોમાં જાહેરસભા યોજાવાની છે જેમાં રાજકોટ ઉપરાંત અંજાર, પાલીતાણા અને જામનગરનો સમાવેશ થાય છે. આ ચારેય શહેરોની અંદર ગત ચૂંટણીમાં પણ ભાજપ ‘સેફ’ ગણાતો હતો અને અહીં ઉભેલા લગભગ તમામ ઉમેદવારોએ જ્વલંત જીત હાંસલ કરી હતી. જો કે આ વખતની ચૂંટણીમાં ચારેય શહેરોમાં ઉમેદવારો જાહેર થયા બાદ પાટીદાર, સતવારા, બ્રાહ્મણ, રઘુવંશી સહિતના ભાજપની ‘હાર્ડકોર વોટબેન્ક’ ગણાતાં સમાજ નારાજ થવા લાગતાં આ નારાજગીને કેવી રીતે દૂર કરવી તે વડાપ્રધાન સિવાય બીજા કોઈના હાથમાં રહ્યું ન હોવાનું લાગતાં જ પ્રદેશ નેતાગીરીએ પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ અગાઉ વડાપ્રધાનની જાહેરસભા ગોઠવી દીધી હોવાનું રાજકીય ગલિયારાઓમાં ચર્ચાવાનું શરૂ થઈ ચૂક્યું છે.
એક વાતનો ઈનકાર કોઈ જ ન કરી શકે કે જ્યારથી ભાજપની ટિકિટ જાહેર થઈ છે ત્યારથી લઈ આજ સુધીમાં નારાજ સમાજનું લિસ્ટ દિવસેને દિવસે લંબાતું જતું હોવાથી મતદાન ઉપર તેની અસર ન પડે તે માટે છેલ્લી ઘડીએ મોદીની ‘જાદૂઈ છડી’ ઘૂમાવવી જરૂરી બની ગઈ હતી. એ વાત પણ સૌ કોઈ જાણે છે કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીમાં છેલ્લી ઘડીએ જ મોદી ‘એક તીરથી અનેક નિશાન’ તાકી લેતાં હોય છે એટલા માટે પણ નારાજ સમાજને આ વખતે પોતાની તરફે કરી લેવા માટે ભાજપનો મોદી ઉપર જ મદાર રહેલો છે.
રાજકોટની ચાર બેઠકની જ વાત કરવામાં આવે તો આ ચારેય બેઠક ઉપર જીત મેળવવી ભાજપ માટે સહેલી ગણાઈ રહી છે પરંતુ જે રીતે રાજકોટ-68માં પાટીદાર, રાજકોટ-70માં ઓબીસી સહિતના સમાજ નારાજ થયા છે તેનો ‘કરંટ’ મતદાનના દિવસે ન લાગી જાય તે માટે જ વડાપ્રધાનનો સહારો લેવામાં આવ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. આમ તો ચારેય બેઠક ઉપર અત્યારે કોઈને કોઈ સમાજ ભાજપથી નારાજ ચાલી રહ્યો છે.
ત્યારે તે સેઈફ બેઠકને ‘અનસેઈફ’ ન કરી દે તે માટે મતદાનના બે દિવસ અગાઉ જ દોડધામ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે વડાપ્રધાનની સભા યોજાવાની છે ત્યારે તેઓ સભા થકી સૌની નારાજગી દૂર કરી દે છે કે કેમ તેના ઉપર ભાજપ મોવડીમંડળની મીટ મંડાઈ ચૂકી છે. એકંદરે ભાજપ માટે સોમવાર અત્યંત મહત્ત્વનો સાબિત થશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
કોંગ્રેસ-આમ આદમી પાર્ટી તો ઠીક... ભાજપ ઉમેદવારોના કાર્યાલયો પર ઉડી રહેલા કાગડા: માહોલ કેમ જામતો નથી ?
ચૂંટણી જાહેર થાય એટલે રાજકીય પક્ષો દ્વારા અલગ-અલગ જગ્યાએ ઉમેદવારોના કાર્યાલયો ઉભા કરી દેવામાં આવે છે અને ત્યાં ચોવીસેય કલાક કાર્યકરોની ફૌજ ઉતરેલી જોવા મળતી હોય છે. જો કે આ માહોલ વધુ પ્રમાણમાં ભાજપ કાર્યાલય ઉપર જ જોવા મળતો હોય છે પરંતુ આ વખતે અત્યંત વિપરિત સ્થિતિ હોય તેવી રીતે ચારેય ઉમેદવારોના કાર્યાલયો ઉપર દિવસના મોટાભાગનો સમય ઉડે ઉડે જેવી જ સ્થિતિ નિર્માણ પામતી હોય છે. આટલું ઓછું હોય તેમ ઉમેદવારો સાથે પણ ‘ફૌજ’ નહીં બલ્કે ગણ્યાગાંઠ્યા કાર્યકરો જ જોવા મળે છે તો તેમના કાર્યાલયો ખાલીખમ ભાસી રહ્યા છે.
બીજી બાજુ અલગ-અલગ સમાજના જે જમણવારો થતાં હતા તેનું તો સાવ પ્રમાણ જ ઘટી જવા પામ્યું છે. સાવ એટલે સાવ નિરસ કહી શકાય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો હોવાથી આ નિરસતા ક્યાંક મતદાન ઉપર અસર તો નહીં કરી જાય ને ? તેવી ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. એકંદરે ચૂંટણીમાં બિલકુલ મોમેન્ટમ મતલબ કે ગરમાવો જોવા મળી રહ્યો નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાલત પણ કંઈક આવી જ ભાસી રહી છે. એકાદ ઉમેદવારને બાદ કરતાં લગભગ તમામ ઉમેદવારો પોતાની રીતે જ પ્રચારકાર્યમાં નીકળી જતાં હોવાના દ્રશ્યો દરરોજ જોવા મળી રહ્યા છે.
ભાજપના બે ઉમેદવારો, શહેર પ્રમુખની હાજરીમાં રઘુવંશી સમાજે ટિકિટ નહીં મળ્યા અંગેનો વ્યક્ત કરેલો રોષ
તાજેતરમાં જ રઘુવંશી સમાજના અગ્રણીઓ સાથે ભાજપના નેતાઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કે જેઓ ખુદ રઘુવંશી તેવા કમલેશભાઈ મીરાણી ઉપરાંત રાજકોટ બેઠકના બે ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન એકીઅવાજે એવો સૂર ઉઠ્યો હતો કે ભાજપે આ વખતે રઘુવંશીને ટિકિટ નહીં આપીને અન્યાય કર્યો છે જેના કારણે અત્યારના સમાજમાં ઘોર નારાજગી પ્રવર્તી રહી છે. આ મુદ્દો બેઠક દરમિયાન એક નહીં બલ્કે અનેક વખત ઉપસ્થિત થયો હોવાને કારણે તેની અસર મતદાન ઉપર તો નહીં પડે ને ? તેની ચિંતા અત્યારથી જ ભાજપ નેતાઓને સતાવી રહી છે.