► કોંગ્રેસના મજબુત વિસ્તારમાં જ ગાબડા પાડવાનો હેતુ શું? ભાજપની બી- ટીમ હોવાનું ઉપસતું ચિત્ર : ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થવાના રીપોર્ટ
રાજકોટ, તા.26 : વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાન આડે હવે ચાર દિવસ રહ્યા છે ત્યારે થોડા મહિનાઓથી ગુજરાતમાં ત્રીજો પક્ષ ચૂંટણીમાં માથુ કાઢવા ઉભો થઇ રહ્યાની વહેતી હવામાંથી હવે લગભગ પૂરેપૂરી હવા નીકળી ગઇ છે. દિલ્હી અને પંજાબમાં સત્તા હાસલ કરીને ગુજરાતના લોકોને મફતના લાભ આપવાના વચનો સાથે ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના મુરતિયાઓ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના મતક્ષેત્રોમાંથી નિષ્ક્રિય થઇ ગયાની છાપ ઉપસી રહ્યા છે તો સત્તા માટે નહીં પરંતુ કોંગ્રેસને નુકસાન થાય
તે રીતે ભાજપની બી-ટીમની જેમ આપ ચારે તરફ ગોઠવાઇ ગયાનું પણ મોટા ભાગના વિધાનસભા વિસ્તારમાં ચર્ચાવા લાગ્યું છે. ગુજરાતમાં ભાજપની સત્તા ડગાવવા માટે કોંગ્રેસ સાથે આ વખતે આપે પણ પડકાર ઉભો કર્યાનો માહોલ ત્રણેક મહિના પહેલા હતો. પરંતુ ચૂંટણીના દિવસો નજીક આવતા લોકો વચ્ચે વધુ રહેવા કે પ્રચાર પર ભાર મુકવાને બદલે આપના ઉમેદવારો ગુમ થવા લાગ્યા છે. તો રાષ્ટ્રીય નેતાઓ સાથેના તો કનેકશન જ તૂટી ગયા હોય તેમ કોઇ કાર્યક્રમો કે સભા થતા નથી. એકંદરે હવે માત્ર કોંગ્રેસના મત કાપીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભાજપને લાભ કરાવી દેશે તેવું અનુભવીઓ કહી રહ્યા છે.
રાજકોટની ચાર બેઠક સહિત સૌરાષ્ટ્રની તમામ બેઠક, પ્રથમ તબકકામાં જયાં જયાં મતદાન છે તે ગુજરાતની પણ બેઠકો પર ચૂંટણી પ્રચાર છેલ્લા તબકકામાં પહોંચી ગયો છે. હવે છેલ્લા અઠવાડિયાથી તો એવું રાજકીય ચિત્ર ઉભુ થઇ ગયું છે કે આમ આદમી પાર્ટી ચૂંટણી જંગમાં કયાં ચિત્રમાં જ નથી. અગાઉ અનેક ચૂંટણીમાં આપના ઉમેદવારો કોંગ્રેસના મત કાપી ચૂકયા છે જેનો સીધો ફાયદો ભાજપને થયો છે. રાજકોટ કોર્પો.ની ચૂંટણીમાં આવું જ થયું હતું. અમુક વોર્ડમાં તો આપના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા. પરંતુ જીત્યા ન હતા. તેના પરથી જ આ ઝાડુ માત્ર કોંગ્રેસ પર ફરતુ હોય તેવું લાગે છે. અગાઉ કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીએ ભાજપની બી-ટીમ હોવાના જાહેરમાં આક્ષેપો થઇ ચૂકયા છે.
હવે છેલ્લા દિવસોથી જે રીતે આમ આદમી પાર્ટી પ્રચારમાં લથડીયા ખાવા લાગી છે તે જોતા જીતવા માટે નહીં પરંતુ ભાજપને જીતાડવા માટેના ખેલ શરૂ કર્યાનું લોકો જુએ છે. માત્ર કોંગ્રેસના મત કપાઇ તે રીતે તેના ગઢમાં વધુ પ્રચાર કરે છે. આ રીતે ભાજપ વિરોધી મત બે ભાગમાં વહેંચાઇ જશે અને ભાજપના મત સલામત રહે તો જીત સરળ બની જશે. આ રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર પણ શંકાના દાયરામાં આવી ગયો છે. સાથે જ હવે મોટા ભાગની બેઠક પર આપના ઉમેદવારોની ડિપોઝીટ પણ જશે તેવી હાલત સર્જાવા લાગી છે.
દરેક પરિવારને 30-30 હજારનો લાભ : ગુજરાતીઓના વેપારી દિમાગમાં ન ઘુસે એવું 'આપ'નું ગરબડીયું ગણિત!
રાષ્ટ્રીય નેતાએ પણ વચનોના ગોળાનો વરસાદ કર્યો : જેની આવક જ અડધી છે એને આટલા લાભ કયાંથી થશે?
રાજકોટ, તા.26 : આમ આદમી પાર્ટી જે રીતે મફતના લાભ અને વચનોની લ્હાણી કરે છે તે જોતા હવે ગુજરાતના લોકોને તો અપચો થવા લાગ્યો છે. ગઇકાલે તો પાર્ટીના એક રાષ્ટ્રીય નેતાએ દરેક પરીવારને 30-30 હજારના લાભની વાત કરી દીધી હતી. જેથી જે લોકોની માસિક આવક અડધી પણ નથી તેના મગજ ફરવા લાગ્યા છે.
આપના નેતા રાઘવ ચઢ્ઢાએ ગઇકાલે એવો હિસાબ આપ્યો હતો કે દરેક પરિવારને 300 યુનિટ વિજળી ફ્રી આપવાની છે. તેનાથી પ્રત્યેક પરિવારને રૂા. 4 હજારની બચત થશે. બેરોજગાર યુવાનોને દર મહિને રૂા. 3-3 હજાર આપવાના છે. મહિને રૂા. એક હજારની સહાય પણ કરવામાં આવશે. રૂા. 7 હજારની મેડીકલ સહાયના લાભ મળશે તો શિક્ષણ પાછળ થતા ખર્ચમાં પણ રૂા. દસેક હજાર જેવી બચત થશે. આ રીતે આમ આદમી પાર્ટીની રેવડી લોકોને ગોળાફેંકના ઘાની જેમ લાગી રહી છે. કોઇ તર્ક વગર અને મગજ વગર આવા વચન અપાતા હોય, ગુજરાતીઓના વેપારી દિમાગમાં પણ આ હિસાબ બંધ બેસતો નથી.