♦ રામનાથપરામાં રહેતાં જયદીપ ભટ્ટીએ મિત્રની કાર સમજી કાર ઉભી રખાવી: જે કાર અન્ય શખ્સની નીકળતા ઉશ્કેરાયેલા કારચાલક સહિતના શખ્સો ધોકા પાઈપથી તૂટી પડી યુવકનો હાથ ભાંગી નાંખ્યો: સારવારમાં ખસેડાયો: ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટ. તા.26
ગરૂડ ગરબી ચોક પાસે તે કેમ મારી કાર ઉભી રખાવી કહી રામનાથપરામાં રહેતાં જયદીપ ભટ્ટી નામના યુવક પર કારચાલક સહિત ચાર અજાણ્યાં શખ્સોએ ધોકા અને પાઈપથી હુમલો કરી હાથ ભાંગી નાંખતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી જયદિપભાઇ ઉમેદભાઇ ભટી (ઉ.વ.27)(રહે. રામનાથપરા મેઇન રોડ શેરી નં.8 શિવ શક્તિ પાનની સામે) જણાવ્યું હતું કે, ગત રાત્રીના એકાદ વાગ્યાના અરસામા તે ગરૂડ ગરબી ચોકમા તેના મીત્ર મલીક સોહાનીની રાહ જોતો હતો ત્યારે તેના જેવી જ એક કાર નીકળતા તેને એમ કે મલીક સોહાની પોતાની કાર લઇને નીકળેલ છે તેવુ લાગતા રાડ પાડીને કાર ઉભી રખાવેલ હોય પરંતુ તે કાર કોઇ અન્ય વ્યકતિની હોય જેથી કાર ચાલક નીચે ઉતરેલ અને કહેલ કે તે કેમ મારી કાર ઉભી રખાવી કહીને ગાળો આપી તે વ્યક્તિ કા2 લઇને જતો રહ્યો હતો.
બાદમા ફરિયાદી પાસે ગરૂડ ચોકમા ત્રણ અલગ અલગ બાઇકમાં ચાર શખ્સો હાથમા લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ સાથે ઘસી આવી તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી ધોકા તથા પાઇપથી મારમારતાં યુવકનો હાથ ભાંગી નાંખ્યો હતોઅને તે પડી જતાં અજાણ્યાં શખસો નાસી છૂટ્યા હતાં. જે બાદ ઇજાગ્રસ્ત યુવકને તેના મિત્રએ સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ કે.કે.પરમાર અને ટીમે ગુનો નોંધી અજાણ્યાં શખ્સોની શોધખોળ આદરી હતી.