રાજકોટ,તા.26 : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની તૈયારીઓની સમીક્ષા માટે સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર અજય વી. નાયક તથા સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર દીપક મિશ્રાની અધ્યક્ષતામાં વીડિયો કોફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાની જેમાં કામગીરીની વિગતો રજૂ કરી હતી.
રાજકોટ જિલ્લામાં ચૂંટણીની કામગીરી ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ગતિમાન તેમજ સંતોષકારક હોવાનો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે બંને સ્પેશિયલ ઓબ્ઝર્વર દ્વારા સ્ટાફ રેન્ડમાઈઝેશન, ઈ.વી.એમ. મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટમાં રાખવાની સાવધાની, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા.
જ્યારે રાજકોટથી જનરલ ઓબ્ઝર્વર્સ સર્વ નીલમ મીના, શિલ્પા ગુપ્તા, સુશીલકુમાર પટેલ, વી.વી. જ્યોત્સના, મિથીલેશ મિશ્રા, પ્રીતિ ગેહલોત, પોલીસ ઓબ્ઝર્વર એસ. પરીમાલા, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રેન્જ આઈ.જી. અશોક યાદવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, અધિક ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર ઉપસ્થિત રહ્યા હતા.